ચોમાસાની એકસ્ટ્રા ઇનિંગમાં મેઘરાજાની આક્રમક બેટિંગ


છેલ્લા થોડા વર્ષોથી હવામાનમાં અનિશ્ચિતતા જોવા મળે છે પરંતુ હાલ ચોમાસાની જે પેટર્ન છે એ હવામાનશાસ્ત્રીઓને મુંઝવી રહી છે કારણ કે ચોમાસુ વિદાય લેવાનો વખત વહી ગયો છતાં હજુ વાદળો બંધાઇને વરસાદ વરસવાની ઘટમાળ ચાલુ છે

દેશના મોટા ભાગના પ્રદેશોમાં વરસી રહેલા અવિરત વરસાદના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ભાદરવો પૂરો થઇ ગયો અને આસોની શરૂઆત થઇ ગઇ હોવા છતાં નૈઋત્યનું ચોમાસું છવાયેલું છે. હવામાન ખાતાએ ઠેકઠેકાણે રેડ કે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યા છે. સામાન્ય રીતે આ સમયગાળા દરમિયાન નિયમિત ચોમાસુ વિદાય લેતું હોય છે પરંતુ મેઘરાજા જતાં જતાં પણ આક્રમક બેટિંગ કરી રહ્યાં છે. હવામાન ખાતાની આગાહી અનુસાર તો નવરાત્રિમાં પણ વરસાદમાં રાહત મળવાના અણસાર નથી.

દેશમાં અગાઉ પણ અનેક વખત હવામાનની અનિશ્ચિતતા જોવા મળી છે પરંતુ હાલ જે પેટર્ન છે એ હવામાનશાસ્ત્રીઓને મુંઝવી રહી છે. સામાન્ય રીતે સપ્ટેમ્બર અડધો થતા સુધીમાં ચોમાસાની વિદાય થવા લાગતી હોય છે પરંતુ આ વખતે સપ્ટેમ્બરના અંત સુધી વરસાદની વાપસીના સંકેત જણાતા નથી.

ચોમાસા દરમિયાન દેશના જુદાં જુદાં વિસ્તારોમાં ઓછા દબાણના ક્ષેત્રો રચાય છે અને વરસાદ વરસે છે, જે પ્રવૃત્તિ હજુ પણ ચાલુ છે અને કોઇ નથી જાણતું કે હજુ કેટલા દિવસ આ ઘટમાળ ચાલુ રહેશે. તાજેતરમાં જ કેટલાંક હવામાન વિજ્ઞાાનીઓએ ગણતરી કરીને અંદાજ લગાવ્યો છે કે ઓક્ટોબરના ત્રીજા અઠવાડિયા સુધીમાં ચોમાસુ વિદાય લઇ શકે છે.

મતલબ કે આ વખતનું ચોમાસુ છેક દિવાળી સુધી લંબાઇ શકે છે. હવામાનશાસ્ત્રીઓને એ સવાલ સતાવી રહ્યો છે કે આ વર્ષે ચોમાસાની જે ઘટમાળ જોવા મળી છે એ અસ્થાયી છે કે પછી ઋતુચક્ર જ બદલાઇ રહ્યું છે? જોકે એકાદ-બે વર્ષની પેટર્ન પરથી નક્કર રીતે કશું કહી ન શકાય પરંતુ વરસાદની અનિયમિતતાથી ખેતીવાડીને માઠી અસર થવી નક્કી છે. મહારાષ્ટ્રમાં વધારે પડતા વરસાદના કારણે ડુંગળીના ભાવ આસમાને પહોંચ્યાં છે. દેશના અનેક ભાગોમાં અતિવૃષ્ટિના કારણે લીલો દુકાળ પડવાની આશંકા સેવાઇ રહી છે. 

જરાક અમથા વરસાદમાં અનેક વિસ્તારો જળબંબાકાર બની જાય છે અને થોડો વધારે વરસાદ વરસે તો જળપ્રલય જેવી સ્થિતિ આવી જાય છે. પાણી ભરાવાની સમસ્યા અતિવૃષ્ટિના કારણે નહીં પરંતુ પાણીના નિકાલ માટેની યોગ્ય વ્યવસ્થા ન હોવાના કારણે સર્જાય છે. હકીકતમાં વિકાસની મહત્ત્વાકાંક્ષામાં આપણે પરંપરાગત જળસ્ત્રોતોને જ વિસરાવી દીધાં છે. એક સમયે દેશના મોટા ભાગના ગામડા અને શહેરોના પાણીની જરૂરિયાત સ્થાનિક જળાશયો જ પૂરી કરી દેતાં હતાં.

પરંતુ રહેણાંક માટે જમીનની જરૂરિયાતના કારણે જળાશયો પૂરાવા લાગ્યાં. દેશના લગભગ દરેક શહેરમાં જળાશયો અને સરોવરોના આવા જ હાલ થયાં અને પરિણામે પાણી ભરાવાની સમસ્યા વધારે ને વધારે વિકરાળ સ્વરૂપ ધારણ કરતી ગઇ. સરકારી આંકડા જણાવે છે કે છેલ્લા પાંસઠ વર્ષમાં સિત્તેર હજારથી વધારે તળાવો અને કુવાઓ અદૃશ્ય થઇ ચૂક્યાં છે. જળાશયો અને કૂવાઓ જ નહીં, નાની નદીઓ પણ સતત ઉપેક્ષા પામીને કે જમીનની લાલચમાં સૂકાઇ ગઇ છે. હકીકતમાં પાણીના સંગ્રહના તળાવો, કુવાઓ કે નાના ઝરણાઓ જેવા પ્રાકૃતિક સ્થાનો ન રહેતા પાણી ભરાવાની સમસ્યા સાર્વત્રિક બની ગઇ છે.

જળપ્રલયોનું વધી રહેલું પ્રમાણ આપણા માટે એક ચેતવણીસમાન છે. છેલ્લા થોડા સમયથી પર્યાવરણના સમીકરણો બદલાઇ રહ્યાં છે. વરસાદની આગાહી જ ન હોય અથવા તો સામાન્ય વરસાદની આગાહી હોય પરંતુ અચાનક જ ભારે વરસાદ વરસી જાય છે. પર્યાવરણના આ બદલાઇ રહેલા મિજાજને પહોંચી વળવા આપણી પાસે પર્યાપ્ત સાધનો નથી. આફત આવી પડે ત્યારે જ જાગવાની આપણી નીતિ વધારે વિનાશ નોતરે છે. અચાનક આવી પડતી કુદરતી આફતોને પહોંચી વળવા માટે આપણું તંત્ર અગાઉથી તૈયાર જ હોતું નથી. 

છેલ્લા થોડા વર્ષોથી દેશમાં જે રીતે પુરપ્રકોપ વધી રહ્યો છે એ જોતાં હવે પર્યાવરણને લઇને માત્ર ચર્ચાઓ સુધી જ સીમિત રહ્યાં વગર ખરા અર્થમાં પર્યાવરણનું સંતુલન બનાવવાના ઉપાયો પ્રયોજવા પડશે. જે દેશના મહાનગરોમાં મામૂલી વરસાદના પરિણામે પાણી ભરાઇ જવાની સ્થિતિ બની જતી હોય, દુષ્કાળ અને પૂર વારાફરતી પોતાનો રંગ દેખાડતા હોય ત્યાં પૂર્વતૈયારી કરવી મહત્ત્વનો સવાલ છે.

દેશના અનેક રાજ્યોમાં ચોમાસાની ઋતુમાં પૂરની પરિસ્થિતિ પેદાં થવી સામાન્ય છે તેમ છતાં આપણે એના ઉપાયો યોજી શક્યાં નથી. જાણે કે દુષ્કાળ અને પૂરની પરિસ્થિતિ આવે ત્યારે કાગારોળ મચાવ્યા સિવાય આપણી પાસે કોઇ ઉપાય જ બચ્યો નથી. દેશની મોટી વસતી આવી કુદરતી હોનારતોનો ભોગ બને ત્યારે તંત્ર સાવ લાચાર જણાય છે. કુદરતી આફતોના મામલે રાજકારણ તો બહુ થાય છે પરંતુ પર્યાવરણમાં થઇ રહેલા ફેરફારો સામે સજ્જ થવાનું કોઇને સૂઝતું નથી.

વિકાસની વિવિધ પરિયોજનાઓ અંતર્ગત જે રીતે જંગલોનો સફાયો કરવામાં આવ્યો અને વૃક્ષો કાપવામાં આવ્યાં એના કારણે પરિસ્થિતિ ભયાવહ બની ગઇ છે. કુદરતના અસંતુલનના કારણે ચોમાસાને તો અસર પહોંચી, સાથે સાથે જમીનના ધોવાણ અને નદીઓ દ્વારા ભૂક્ષરણની પ્રવૃત્તિ પણ વધી. પૂર અને દુષ્કાળ પ્રાચીન સમયથી માનવજીવન માટે સમસ્યા સર્જતા આવ્યાં છે. એક રીતે જોતાં પૂર કે દુષ્કાળ માત્ર કુદરતી આફત જ નથી, પરંતુ પ્રકૃતિ તરફથી આપણને મળતી ચેતવણી પણ છે.

સવાલ એ છે કે આજે માનવી ભણેલો ગણેલો તો બની ગયો છે પરંતુ તે કુદરતના સંકેતો સમજવા જેટલો હોંશિયાર રહ્યો છે ખરો? કઠણાઇ એ છે કે આજે આપણે વધારે શિક્ષિત તો બન્યાં છીએ પરંતુ પ્રકૃતિ સાથે તાલમેલ બેસાડીને જીવવાનું ભૂલી ગયાં છીએ. હવામાનની આગાહીના વિકસિત તંત્ર છતાં પૂર કે દુષ્કાળનું સચોટ પૂર્વાનુમાન થઇ શકતું નથી.  

ખરેખર તો કુદરત સાથે આપણે જે પારકો વ્યવહાર કર્યો છે એના જવાબમાં કુદરત પણ આપણી સાથે સાવકો વ્યવહાર કરી રહી છે. આજે ગ્લોબલ વોર્મિંગ જેવા શબ્દો એટલા પ્રચલિત બની ગયાં છે કે લોકોને ક્યારેક વિજ્ઞાાનીઓની ચેતવણીઓ જ ખોટી લાગે છે. ક્લાયમેટ ચેન્જની વાતો તો થાય છે પરંતુ એ માટે જરૂરી પગલાં લેવામાં આવતા નથી. હકીકતમાં કુદરત સાથે ચેડાં કરવાના પરિણામ ક્લાયમેટ ચેન્જના કયા સ્વરૂપમાં આપણી સામે આવશે એ કહી શકાય એમ નથી. એ જ કારણ છે કે હવામાન વિભાગ પણ પૂર કે દુષ્કાળની પરિસ્થિતિની આગાહી કરવામાં નિષ્ફળ નીવડે છે. 

નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટના અનુસાર દેશના આશરે ૩૨.૯ કરોડ હેકટર ભૌગોલિક ક્ષેત્રમાંથી ચાર કરોડ હેકટર જેટલા ક્ષેત્ર પૂર અને પાણી ભરાઇ રહેવાની પરિસ્થિતિમાં રહે છે. દેશમાં હાલ ૨૨૬ જેટલા પૂર નિયંત્રણ કેન્દ્રો છે જેમને ૨૦૨૫ સુધીમાં ૩૨૫ જેટલી સંખ્યાએ પહોંચાડવાની સરકારની નેમ છે.

પરંતુ પૂરની પરિસ્થિતિ અને જૂના રેકોર્ડોને જોતા પૂર નિયંત્રણ અને સમગ્ર દેખરેખ તંત્રને બદલવાની જરૂર છે. ઉલ્લેખનીય છે કે ૧૯૫૦માં દેશની લગભગ અઢી કરોડ હેકટર જમીન પૂરની અસર હેઠળ આવતી હતી જ્યારે આજે લગભગ સાત કરોડ હેકટર જમીન એવી છે જ્યાં પૂર આવે છે. પૂરના પાણીની નિકાલ માટે યોગ્ય વ્યવસ્થા નિર્માણ પામી નથી. 

આપણા દેશમાં માત્ર ચાર મહિના દરમિયાન જ લગભગ ૮૦ ટકા પાણી વરસી જાય છે. પરંતુ વરસાદનું વિતરણ એટલું અસમાન છે કે કેટલાક વિસ્તારોમાં કાયમ પૂર તો કેટલાક વિસ્તારોમાં કાયમ અછતની પરિસ્થિતિ જ રહે છે. આ પ્રકારની ભૌગોલિક અસમાનતા વિશે સત્વરે વિચારવાનો સમય આવી ગયો છે. પાણી સમગ્ર વિશ્વ સાથે આપણા દેશનો પ્રાણ પ્રશ્ન છે.

૨૦૫૦ સુધીમાં દેશની વસતી લગભગ ૧૮૦ કરોડ જેટલી થઇ જશે. એ સ્થિતિમાં પાણીના એકસમાન વિતરણ માટે યોગ્ય વ્યવસ્થા ઊભી કરવાની તાતી જરૂરિયાત છે. એ સાથે જ પૂરના પાણીનો યોગ્ય ઉપયોગ શી રીતે થઇ શકે એ વિશે પણ વિચારવાની જરૂર છે. 

ક્લાયમેટ ચેન્જના કારણે ઋતુચક્રમાં ફેરફાર થવાની આશંકા લાંબા સમયથી વ્યક્ત થઇ રહી છે. પરંતુ આપણા માટે સમસ્યા એ છે કે બદલાતા મોસમને અનુરૂપ આપણી પાસે કેવા ઉપાયો હશે એના વિશે હજુ સુધી વિચારવાની શરૂઆત જ નથી થઇ. સવાસો કરોડ કરતાયે વધારે વસતી ધરાવતા આપણા દેશમાં હવામાનની પેટર્ન ખાદ્યસુરક્ષા ઉપરાંત કરોડો લોકોની આજીવિકા સાથે જોડાયેલી છે. પર્યાવરણમાં થઇ રહેલા ફેરફારોને પહોંચી વળવા માટે વૈશ્વિક સ્તરે તો અનેક ઉપાયો પ્રયોજવામાં આવી રહ્યાં છે ત્યારે આપણે પણ હવે ભાષણોથી આગળ વધીને દેશની સમસ્યાઓના સમાધાન માટે ઉપાયો પ્રયોજવા પડશે.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

તાઈવાને તોડી પાડ્યુ ચીનનુ સુખોઈ-35 વિમાન? ચીન-તાઈવાન વચ્ચેનો વિવાદ ઉગ્ર બનશે