ગરમીની શરૂઆત સાથે જ ભડકે બળ્યું દુધવા વાઘ અભયારણ્ય, 100 હેક્ટર જંગલ બળીને રાખ
- આજુબાજુના ગામડાના લોકોને આગ તેમના ખેતરો સુધી ન પહોંચે તેની ચિંતા
નવી દિલ્હી, તા. 1 એપ્રિલ, 2021, ગુરૂવાર
ઉત્તર પ્રદેશમાં આવેલા લખીમપુર ખીરી જિલ્લાના દુધવા વાઘ અભયારણ્યમાં બુધવારે સાંજે આગ ભભૂકી ઉઠી હતી. મૈલાની અને કિશનપુરના જંગલોમાં લાગેલી આગના કારણે 100 હેક્ટરથી વધારે વન સંપત્તિ સળગીને રાખ થઈ ગઈ હતી. જો આગને કાબૂમાં લેવામાં નહીં આવે તો જંગલના અન્ય ઝાડ પણ નષ્ટ થઈ જશે.
દુધવા પાર્ક પ્રશાસને જંગલમાં લાગેલી ભીષણ આગ પર કાબૂ મેળવવા માટે ફાયર વિભાગની ગાડીઓને મોકલી આપી છે. આગ હોનારતમાં વન્યજીવો પણ લપેટમાં આવ્યા હોવાની આશંકા છે. જો કે, હજુ સુધી કયા કારણથી આગ લાગી તે સામે નથી આવ્યું. આગ લાગવાના કારણે જંગલની સરહદે આવેલા કટૈયા, કાંપ અને ટાંડા ગામમાં અફરાતફરી મચી ગઈ છે.
મૈલાની-ભીરા જંગલમાંથી નીકળી રહેલા લોકોએ આગની લપેટો જોઈ હતી અને વનવિભાગને તેની જાણ કરી હતી. વનવિભાગે તાત્કાલિક આગ પર કાબૂ મેળવવાની કાર્યવાહી શરૂ કરી દીધી હતી અને અનેક સ્તરે કામ ચાલી રહ્યું છે. સ્થાનિક લોકોના મતે માર્ચ મહિનામાં પડેલી ભીષણ ગરમીના કારણે આગ લાગી હોઈ શકે. પરંતુ આગના કારણે વનવિભાગની તૈયારીઓની પોલ ખુલી ગઈ છે.
આગનું વિકરાળ સ્વરૂપ જોઈને આજુબાજુના 50 જેટલા ગામના લોકો ત્યાં પહોંચી ગયા છે. ગામના લોકોને જંગલની આગ તેમના ખેતરો સુધી ન પહોંચી જાય તેવો ડર છે. ગત વર્ષે જૂન મહિનામાં પણ દુધવા ટાઈગર રિઝર્વની કિશનપુર સેંચ્યુરીના કોરજોન મડહા બીટમાં ભીષણ આગ લાગી હતી. તે સમયે 70 હેક્ટર કરતા વધારે જંગલ બળીને રાખ થઈ ગયા હતા. મોટા ઝાડને ખાસ નુકસાન નહોતુ પહોંચ્યુ પરંતુ નાના ઝાડ સાવ ખેદાન-મેદાન થઈ ગયા હતા. આગમાં કેટલા જાનવરો મૃત્યુ પામેલા તેની કોઈ વિગત હજુ સુધી સામે નથી આવી.
Comments
Post a Comment