શરદ પવાર-અમિત શાહની મુલાકાત પર રાઉતનો ખુલાસો- મીટિંગને મહારાષ્ટ્રની...
મુંબઇ, તા. 29 માર્ચ 2021, સોમવાર
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન મુકેશ અંબાણીના ઘર એન્ટીલિયાની બહાર વિસ્ફોટક ભરેલી કારના કેસમાં API સચીન વાઝેની ભૂમિકાને લઇને મહારાષ્ટ્રમાં મહાવિકાસ અઘાડી ગઠબંધનમાં વિવાદ ચાલી રહ્યો છે. દરમિયાના અમિત શાહ અને શરદ પવારની મુલાકાત બાદ અફવાનું બજાર ગરમાયું છે. પરિસ્થિતિ એ હદ સુધી વણસી ગઇ કે શિવસેનાના નેતા અને સાંસદ સંજય રાઉતને નિવેદન આપી સબ સલામત હોવાનો દાવો કર્યો છે.
રાઉતે કહ્યું કે હું સંપૂર્ણ વિશ્વાસ સાથે કહી શકું છું કે આ કોઇ એવી મીટિંગ નહતી. વાર્તામાં સસ્પેન્સ પુરો થઇ જવો જોઇએ. અફવાઓની હોળી પુરી થઇ જવી જોઇએ. તેમાંથી કંઇ મળવાનું નથી.
ક્યાંથી અફવાઓએ જોર પકડ્યું
શનિવારના રોજ અમિત શાહની એનસીપીના વડા શરદ પવાર અને પ્રફુલ્લ પટેલ વચ્ચે અમદાવાદમાં મુલાકાત થઇ હતી. જોકે, આ મામલે અમિત શાહને સવાલ પુછતા તેમણે કહ્યું દરેક વાત જાહેર ન કરી શકાય. ત્યાર બાદથી અફવાઓનું બજાર ગરમ થવા લગ્યું હતું.
આ મીટિંગને લઇને બીજેપી મહારાષ્ટ્રના પ્રદેશ અધ્યક્ષે પણ મુલાકાતને લઇને કહ્યું કે બંને નેતાઓ વચ્ચે બેઠક મળી હતી પરંતુ ક્યાં વિષય પર ચર્ચા કરવામાં આવી તેની માહિતી મારી પાસે નથી. જોકે, મોટા નેતાઓ વચ્ચે મુલાકાત થાય તેમાં કોઇ નવી વાત નથી. ભલે તેઓ અમારા વિરોધી હોય અને મહા વિકાસ અઘાડીની ખોટી નીતિના અમે વિરોધ કરતા હોય. પણ દેશની સંસ્કૃતિ અનુસાર વિરોધી હોવા છતા મોટા નેતાઓની મુલાકાતમાં કશું ખોટું નથી.
જોકે, સંજય રાઉતે આ પહેલા કહ્યું હતું કે બંને નેતા વચ્ચે કોઇ બેઠક યોજાઇ હતી તેની કોઇ ઠોસ માહિતી નથી. આ ફકત સમાચારોમાં જ છે. પરંતુ જો તેઓ મળ્યા હોય તેમાં કશું ખોટું શું છે? અમિત શાહ દેશના ગૃહમંત્રી છે અને નેતાઓ એકબીજાને મળતા રહેતા હોય છે. તેને મહારાષ્ટ્રની રાજનીતિ સાથે કોઇ લેવાદેવા નથી.
Comments
Post a Comment