મન કી બાતઃ PM મોદીએ દેશવાસીઓને કરી વેક્સિન લગાવવાની અપીલ, કર્યો તાળી-થાળીનો ઉલ્લેખ
- 'મન કી બાત'ના 75મા સંસ્કરણને લઈ દેશવાસીઓને શુભેચ્છા આપી, જોડાયેલા રહેવા બદલ આભાર વ્યક્ત કર્યો
નવી દિલ્હી, તા. 28 માર્ચ, 2021, રવિવાર
વડાપ્રધાન મોદીએ રવિવારે પોતાના માસિક રેડિયો કાર્યક્રમ મન કી બાતમાં દેશવાસીઓને સંબોધિત કર્યા હતા. હોળી, વધી રહેલા કોરોના સંક્રમણ તથા 4 રાજ્ય એક કેન્દ્રશાસિત પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી વચ્ચે 'મન કી બાત'ના 75મા સંસ્કરણમાં તેમણે દેશવાસીઓને વેક્સિન લગાવવા વિનંતી કરી હતી અને ભાવિ પેઢી જનતા કર્ફ્યુ માટે ગર્વ અનુભવશે તેમ કહ્યું હતું.
કાર્યક્રમની શરૂઆતમાં વડાપ્રધાને 'મન કી બાત'ના 75મા સંસ્કરણને લઈ દેશવાસીઓને શુભેચ્છા આપી હતી અને જોડાયેલા રહેવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો. સાથે જ તેને પોતાના માટે ગર્વ અને આનંદનો વિષય ગણાવ્યો હતો. તેમણે 'મન કી બાત'ને સફળ, સમૃદ્ધ બનાવવા બદલ તેના સાથે જોડાયેલા રહેવા બદલ તમામ શ્રોતાઓનો આભાર માન્યો હતો.
તાળી-થાળીની ચર્ચા
કોરોના સંકટને અનુલક્ષીને વડાપ્રધાને ગત વર્ષે લેવામાં આવેલા પગલાઓની ચર્ચા કરી હતી. વડાપ્રધાને કહ્યું કે, ગત વર્ષે માર્ચ મહિનામાં પહેલી વખત દેશે કર્ફ્યુ શબ્દ સાંભળ્યો હતો. પરંતુ આ મહાન દેશની મહાન પ્રજાની મહાશક્તિનો અનુભવ જુઓ, સમગ્ર વિશ્વ માટે જનતા કરફ્યુ અચરજ સમાન બની ગયું. તે અનુશાસનનું અભૂતપૂર્વ ઉદાહરણ હતું. આગામી પેઢીઓ જરૂર તેના માટે ગર્વ અનુભવશે.
વધુમાં કહ્યું કે, લોકોએ આપણા કોરોના વોરિયર્સ પ્રત્યે સન્માન, આદર વ્યક્ત કરવા માટે તાળી-થાળી વગાડી, દીવા પ્રગટાવ્યા. આ ઘટના કોરોના વોરિયર્સના દિલને એટલી હદે સ્પર્શી ગઈ કે, તેઓ આખું વર્ષ થાક્યા કે અટક્યા વગર અડગ રહ્યા.
આના પહેલા 28મી ફેબ્રુઆરીના રોજ વડાપ્રધાન મોદીએ 'મન કી બાત' દરમિયાન વિવિધ મુદ્દે ચર્ચા કરી હતી. તેમણે પાણીના મહત્વ અંગે વાત કરતા કહ્યું હતું કે, પાણી એક રીતે પારસ કરતા પણ વધારે મહત્વપૂર્ણ છે. ઉપરાંત તેમણે તમિલ ભાષાનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે, તમિલ એક એવી સુંદર ભાષા છે જે સમગ્ર વિશ્વમાં લોકપ્રિય છે. મારી એક ખામી એ રહી કે, હું વિશ્વની સૌથી પ્રાચીન ભાષા તમિલ શીખવા બહુ પ્રયત્ન ન કરી શક્યો, હું તમિલ ન શીખી શક્યો.
Comments
Post a Comment