6 દિવસથી સુએઝ નહેરમાં ફસાયેલા કંટેનર જહાજને કાઢવામાં આવ્યું, બધું સુરક્ષિત હોવાથી હાંશકારો
- જહાજને ચલાવી રહેલા તમામ 25 ભારતીય ચાલકો સુરક્ષિત
નવી દિલ્હી, તા. 29 માર્ચ, 2021, સોમવાર
વિશ્વના સૌથી વ્યસ્ત ગણાતા વેપાર માર્ગ મિસ્રની સુએઝ નહેરમાં ગત મંગળવારે (23 માર્ચે) ચીનથી માલ લઈને આવી રહેલું એક વિશાળ માલવાહક જહાજ એવરગ્રીન ફસાઈ ગયું હતું જેથી જામની સ્થિતિ સર્જાઈ હતી. જો કે, 6 દિવસ બાદ સોમવારે સવારે 4:30 કલાકે તે જહાજને સુરક્ષિત રીતે બહાર કાઢી લેવામાં આવ્યું છે અને હવે તે ધીમે-ધીમે પોતાની મંજિલ તરફ આગળ વધી રહ્યું છે.
ઉલ્લેખનીય છે કે, મંગળવારે આ માર્ગ પર 100 કરતા વધારે જહાજ જામમાં ફસાઈ ગયા હતા. આ જહાજને 25 ભારતીયો ચલાવી રહ્યા છે. તમામ ભારતીય ચાલકો સંપૂર્ણપણે સુરક્ષિત છે. આ ઘટનાના કારણે દર કલાકે 2,800 કરોડ રૂપિયાનું નુકસાન થયું અને એશિયા-યુરોપ વચ્ચેનો મોટા ભાગનો ટ્રેડ પ્રભાવિત થયો.
જાણવા મળ્યા મુજબ આ વિશાળ માલવાહક જહાજ એવરગ્રીન પર પનામાનો ઝંડો લાગેલો છે. 193.3 કિમી લાંબી સુએઝ નહેર ભૂમધ્ય સાગરને લાલ સાગર સાથે જોડે છે. મંગળવારે સવારે સુએઝ પોર્ટની ઉત્તરે નહેર પાર કરતી વખતે કંટ્રોલ ગુમાવવાથી આ જહાજ ફસાઈ ગયું હતું. તેને બહાર કાઢવા માટે મોટા પાયે ટગ બોટ્સ જે ખૂબ જ શક્તિશાળી હોય છે અને જહાજને ધક્કો મારવાનું કામ કરે છે તે તૈનાત કરવામાં આવી હતી.
Comments
Post a Comment