રક્સૌલઃ વિઝા વગર નેપાળથી ભારતની સરહદમાં પ્રવેશી રહેલી કેનેડીયન મહિલાની ધરપકડ
- નેપાળ ફરવા આવેલી મહિલાએ જાણકારીના અભાવે ભારતમાં પ્રવેશી હોવાનું જણાવ્યું
નવી દિલ્હી, તા. 1 એપ્રિલ, 2021, ગુરૂવાર
ભારત અને નેપાળની સરહદને અડીને આવેલા બિહારના રક્સૌલ ખાતેથી એક વિદેશી મહિલાની ધરપકડ કરવામાં આવી છે. ઈમિગ્રેશન વિભાગે રામગઢવા પોલીસની મદદથી બાતમીના આધારે મહિલાની ધરપકડ કરી છે. ધરપકડ કરવામાં આવેલી વિદેશી મહિલા પાસેથી પાસપોર્ટ અને નેપાળના વિઝા જપ્ત કરવામાં આવ્યા છે.
રક્સૌલ ઈમિગ્રેશન વિભાગને સૂચના મળી હતી કે, એક વિદેશી મહિલા પાસપોર્ટ અને વિઝા વગર નેપાળ સરહદે થઈને ભારતમાં પ્રવેશી રહી છે. આ સૂચના મળ્યા બાદ એનએચ-28એ પર ચેકિંગ અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું. ખાનગી વાહનોની સાથે જ મુસાફરોને લઈને જતા વાહનોની પણ તલાશી લેવામાં આવી હતી. તપાસ દરમિયાન તે મહિલા રક્સૌલથી મોતિહારી જતી બસમાં મળી આવી હતી.
પોલીસે તે મહિલાને બસમાંથી ઉતારીને કસ્ટડીમાં લીધી હતી અને ઈમિગ્રેશન વિભાગને તેની જાણ કરી હતી. જાણવા મળ્યા મુજબ તે મહિલાનું નામ રોબાઈકા વિલિયમ અને તેના પિતાનું નામ કૈરિસ્તો વિલિયમ છે. મહિલા પાસે કેનેડાનો પાસપોર્ટ છે. પુછપરછ દરમિયાન મહિલાએ પોતે નેપાળ ફરવા આવી હતી અને જાણકારીના અભાવે ભારતીય સરહદમાં પ્રવેશી હતી તેમ જણાવ્યું હતું.
વિદેશી મહિલા નેપાળના પોખરા થઈને ભારત પહોંચી હતી અને તેના પાસે ભારત આવવાનો વિઝા નહોતો. ઉપરાંત કોરોના મહામારી દરમિયાન તેના પાસે કોરોના રિપોર્ટ પણ નથી જેથી તેની વિરૂદ્ધ કલમ 1946 (સેક્શન-14બી) અને સેક્શન 52ની ડિઝાસ્ટર મેનેજમેન્ટ કલમ 2005ના ઉલ્લંઘન મામલે કાર્યવાહી કરવામાં આવી રહી છે.
Comments
Post a Comment