કોરોના બેકાબૂ : દેશમાં સતત બીજા દિવસે 62 હજારથી વધુ કેસ, 300થી વધુનાં મોત


લોકોની બેદરકારીથી બે દિવસમાં કોરોનાના 1.20 લાખ કેસ

મહારાષ્ટ્રમાં 24 કલાકમાં 40 હજારથી વધુ કેસ, મુંબઈમાં અત્યાર સુધીમાં સૌથી વધુ 7000 કેસ : લોકડાઉન જાહેર કરવાની ઉદ્ધવ સરકારની તૈયારી

દેશમાં કોરોનાના કુલ કેસ 1.19 કરોડને પાર, મૃત્યુઆંક 1.61 લાખ, 1.13 કરોડ દર્દી સાજા થયા, રીકવરી રેટ ઘટીને 94.58 ટકા થયો

(પીટીઆઈ) નવી દિલ્હી, તા.૨૮

દેશમાં એક પખવાડિયા કરતાં વધુ સમયથી કોરોના મહામારીએ હાહાકાર મચાવ્યો છે. કોરોનાના દૈનિક કેસ અને મોત સતત વધી રહ્યા છે. દેશમાં રવિવારે એક જ દિવસમાં કોરોનાથી ૩૦૦થી વધુના મોત નીપજ્યાં હતાં. આ વર્ષે એક દિવસમાં કોરોનાથી પહેલી વખત ૩૦૦થી વધુ લોકોના મોત થયા છે. આ સાથે કુલ મૃત્યુઆંક ૧.૬૧ લાખને પાર થઈ ગયા છે. દેશમાં રવિવારે સતત બીજા દિવસે કોરોનાના ૬૨,૦૦૦થી વધુ કેસ નોંધાયા હતા. આ સાથે કોરોનાના કુલ કેસ ૧.૧૯ કરોડને પાર થઈ ગયા છે.

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે રવિવારે જણાવ્યું હતું કે, ભારતમાં રવિવારે કોરોનાના નવા ૬૨,૭૧૪ કેસ નોંધાયા છે, જે આ વર્ષે એક દિવસમાં કોરોનાના સૌથી વધુ કેસ છે. આ સાથે કોરોનાના કુલ કેસ ૧,૧૯,૭૧,૬૨૪ થયા છે. દેશમાં છેલ્લા ૧૮ દિવસથી કોરોનાના કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. પરીણામે એક્ટિવ કેસ વધીને ૪,૮૬,૩૧૦ થયા છે, જે કોરોનાના કુલ કેસમાં ૪.૦૬ ટકા જેટલા છે. વધુમાં દેશમાં રવિવારે કોરોનાથી ૩૧૨ દર્દીઓનાં મોત નીપજ્યાં હતાં, જે છેલ્લા ત્રણ મહિનામાં સૌથી વધુ છે. આ સાથે દેશમાં કુલ મૃત્યુઆંક ૧,૬૧,૫૫૨ થયો છે. 

દેશમાં છેલ્લે ૧૬મી ઑક્ટોબરે એક જ દિવસમાં ૬૩,૩૭૧ કેસ નોંધાયા હતા. ઉપરાંત દેશમાં છેલ્લે ૨૫મી ડિસેમ્બરે એક જ દિવસમાં કોરોનાથી ૩૩૬નાં મોત નીપજ્યાં હતા. દેશમાં અત્યાર સુધીમાં ૧,૧૩,૨૩,૭૬૨ દર્દીઓ સાજા થયા છે. જોકે, દેશમાં કોરોનાના કેસ વધતાં રીકવરી રેટ વધુ ઘટીને ૯૪.૫૮ ટકા થયો છે જ્યારે મૃત્યુદર ૧.૩૫ ટકા થયો છે.

મહારાષ્ટ્રમાં કોરોનાની સ્થિતિ સૌથી વધુ ગંભીર છે. મહારાષ્ટ્રમાં એક દિવસમાં ૪૦,૪૧૪ કેસ નોંધાયા હતા, જે આ વર્ષે સૌથી વધુ કેસ છે. જ્યારે કોરોનાથી વધુ ૧૦૮નાં મોત થયા છે. મુંબઈમાં પણ રવિવારે કોરોનાના નવા ૬,૯૨૩ કેસ નોંધાયા છે, જે એક દિવસમાં અત્યાર સુધીના સૌથી વધુ કેસ છે. આ સાથે મુંબઈમાં કોરોનાના કુલ કેસ ૩,૯૮,૬૭૪ થયા છે અને મૃત્યુઆંક૧૧,૬૪૯ થયો છે. મહારાષ્ટ્રમાં પોઝિટિવિટી રેટ પણ દેશમાં સૌથી વધુ છે, જે ૨૨.૭૮ હતો. 

મહારાષ્ટ્રમાં કોરોનાની ગંભીર સ્થિતિને ધ્યાનમાં લેતાં મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ રવિવારે આખા રાજ્યમાં નાઈટ કરફ્યૂ લાદવાની જાહેરાત કરી હતી. વધુમાં લોકો કોવિડ પ્રોટોકોલનું પાલન ન કરે તો આખા રાજ્યમાં ફરીથી લોકડાઉન લાગુ કરવાની તૈયારી કરવા મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકેરએ અધિકારીઓને નિર્દેશ આપ્યા છે. ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે, લોકો માસ્ક પહેરવા, સોશિયલ ડિસ્ટન્સ રાખવા જેવા નિયમોનું પાલન કરવામાં બેદરકારી દાખવી રહ્યા છે. આથી સરકાર પર લોકડાઉન જેવા આકરા નિર્ણયો લેવાની ફરજ પડી રહી છે.

દેશમાં આઠ રાજ્યોમાં કોરોનાનો સાપ્તાહિક પોઝિટિવિટી રેટ રાષ્ટ્રીય સરેરાશ કરતાં વધુ હતો. મહારાષ્ટ્ર ઉપરાંત ચંડીગઢમાં ૧૧.૮૫ ટકા, પંજાબમાં ૮.૪૫ ટકા, ગોવામાં ૭.૦૩ ટકા, પુડુચેરીમાં ૬.૮૫ ટકા, છત્તીસગઢમાં ૬.૭૯ ટકા, મધ્ય પ્રદેશમાં ૬.૬૫ ટકા અને હરિયાણામાં ૫.૪૧ ટકા હતો. દેશમાં કોરોનાની તપાસ માટે અત્યાર સુધીમાં કુલ ૨૪ કરોડ ટેસ્ટ થયા છે જ્યારે કુલ પોઝિટિવિટી રેટ પાંચ ટકાથી નીચે રહ્યો છે. દેશમાં રસીકરણ અભિયાનના ભાગરૂપે અત્યાર સુધીમાં રસીના ૬ કરોડથી વધુ ડોઝ અપાયા છે.

Comments

Popular posts from this blog

જગખ્યાત જગદીપ .

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો