ઘરનાં ભૂવાં ઘરનાં ડાકલાં: ગુજરાતમાં ધૂળેટી પર પ્રતિબંધ પણ સ્ટેચ્યુ ઓફ યુનિટી 20 પ્રવાસીઓ માટે ખુલ્લું મુક્યું
- સરકારે 20 હજાર લોકોને ભેગાં થવાની મંજૂરી આપી
કેવડિયા, તા. 29 માર્ચ 2021, સોમવાર
રાજ્યમાં કોરોનાનું સંક્રમણ સતત વધતું જઇ રહ્યું છે ત્યારે હોળી-ધૂળેટીના પર્વને લઇને સમગ્ર રાજ્યમાં તેની જાહેરમાં ઉજવણી કરવા પર પ્રતિબંધ લગાવી દેવાયો છે. એટલે કે મહાનગરોમાં તો જાહેરમાં ઉજવણી નહીં કરવાના જાહેરનામાં પણ બહાર પાડી દેવાયા છે.
સુરત, અમદાવાદ, વડોદરા સહિતના શહેરોમાં જો કોઇ જાહેરમાં ધૂળેટી રમતા દેખાશે તો તેઓની વિરૂદ્ધ એક્શન લેવામાં આવશે. પરંતુ સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં પ્રવાસીઓની સંખ્યાને જોતા જોતા લાગે છે કે કદાચ તંત્ર અહીં કોવિડ ગાઇડલાઇનને ભૂલી ગયા લાગે છે. આખરે કેમ રાજ્યમાં વધતા જતા કોરોનાના સંક્રમણ સમયે જ ધૂળેટીના દિવસે પ્રવાસીઓ માટે SOU ખુલ્લું રાખવામાં આવ્યું.
મેન્ટેનન્સના દિવસે પણ ખુલ્લું રખાયું
સામાન્ય રીતે દર સોમવારે સ્ટેચ્યુ ઓફ યુનિટી મેન્ટેનન્સની કામગીરી અર્થે બંધ રહેતુ હોય છે પરંતુ ધૂળેટીના પર્વ પર સ્ટેચ્યુ ઓફ યુનિટી ખુલ્લું જોવા મળ્યું અને ત્યાં પ્રવાસીઓએ ધૂળેટીના તહેવારની ઉજવણી કરી હતી. ધૂળેટીના તહેવાર પર સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આવેલી હોટલ ટેન્ટ સીટી બુક થઈ ગયા છે.
મોટી સંખ્યામાં ઉમટી રહ્યાં છે પ્રવાસીઓ
હાલ મેગાસીટીઓમાં ધૂળેટી રમવા પર પ્રતિબંધ રહેતા આજે સ્ટેચ્યુ ઓફ યુનિટી પર પ્રવાસીઓ મોટી સંખ્યામાં ઉમટી રહ્યાં છે. પ્રવાસીઓ માટે ધૂળેટીના દિવસે SOU ખુલ્લું રાખવામાં આવ્યું છે આમ તો સોમવાર હોય તો મેન્ટેન્સ માટે SOU સહિતના પ્રોજેક્ટો બંધ હોય પરંતુ આજે SOU ઓથોરિટીએ સ્ટેચ્યુ પ્રવાસન સ્થળો ખુલ્લાં રાખવાનો નિર્ણય કર્યો છે અને 25 હજારથી વધુ પ્રવાસીઓ આ ધુળેટીના દિવસે SOU ખાતે નોંધાશે તેવી ધારણા છે.
હોટેલ ટેન્ટ સીટી સહિત બધું બુક
કેવડિયામાં આવેલી હોટેલ ટેન્ટ સીટી સહિત બધું બુક થઈ ચૂક્યું છે. પ્રવાસીઓએ જણાવ્યું હતું કે અમારા જિલ્લામાં સરકાર દ્વારા ધૂળેટીની ઉજવણી પર પ્રતિબંધ લગાવ્યો છે માટે અમે SOU પર હોળી અને ધૂળેટી મનાવીશું અને પ્રવાસીઓ પણ આ નિર્ણયને આવકારી રહ્યાં છે ત્યારે બીજી બાજુ આવતી કાલે SOU મેન્ટેનન્સની કામગીરી અર્થે બંધ રહેશે.
Comments
Post a Comment