મોદી સરકારની આર્ટિકલ 35-A નાબૂદ કરવાની તૈયારી?


કલમ ૩૭૦ અને આર્ટિકલ ૩૫-એની જોગવાઇઓ સામે ભાજપનો પહેલેથી સૈદ્ધાતિંક વિરોધ રહ્યો છે અને હવે બીજી વખત સત્તામાં આવ્યા બાદ મોદી સરકાર એ દિશામાં નિર્ણાયક પગલાં લેવા માટે કટિબદ્ધ થઇ રહી હોવાનું જણાય છે

કેન્દ્રની મોદી સરકારે જમ્મુ-કાશ્મીરમાં કેન્દ્રીય અર્ધલશ્કરી દળોની ૧૦૦ કંપનીઓ મોકલવાનો નિર્ણય લીધો છે. મતલબ કે થોડા જ દિવસોમાં દસ હજાર જવાનો ત્યાં પહોંચી જશે. કેન્દ્રના આ નિર્ણય બાદ કાશ્મીરના રાજકીય પક્ષોએ તીવ્ર પ્રતિક્રિયા આપી છે. રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત દોવાલની કાશ્મીર મુલાકાત પછી તુરંત અર્ધલશ્કરી દળોની તૈનાતીના કારણે એવી અટકળો તેજ બની છે કે સરકાર આર્ટિકલ ૩૫-એ નાબૂદ કરવાની તૈયારી કરી રહી છે.

આમ તો લાંબા સમયથી જમ્મુ-કાશ્મીરમાંથી બંધારણની કલમ ૩૭૦ અને આર્ટિકલ ૩૫-એ નાબૂદ કરવાની માંગ થઇ રહી છે. જોકે કાશ્મીરના રાજકીય પક્ષો અને અલગતાવાદી સંગઠનો આ બંને જોગવાઇઓ દૂર કરવાનો વિરોધ કરી રહ્યાં છે. રાજ્યના ભૂતપૂર્વ મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તીએ કેન્દ્ર સરકારના નિર્ણય સામે સવાલ ઉઠાવતા કાશ્મીરના લોકોમાં ભય અને આશંકા પેદા થયા હોવાનું કહ્યું છે. જોકે ભાજપનો પહેલેથી જ કલમ ૩૭૦નો ભાજપ સૈદ્ધાંતિક વિરોધ છે અને પાર્ટીએ ૨૦૧૪ અને ૨૦૧૯ એમ છેલ્લી બંને લોકસભાની ચૂંટણીમાં કલમ ૩૭૦ દૂર કરવાના વાયદો કર્યો છે.

ખરું જોતાં કલમ ૩૭૦ અને આર્ટિકલ ૩૫-એને દૂર કરવાનો આગ્રહ ખોટો નથી. દેશના બંધારણની કલમ ૩૭૦ અંતર્ગત જમ્મુ-કાશ્મીરને વિશેષ દરજ્જો આપવામાં આવ્યો છે. આઝાદી બાદ કાશ્મીરના રાજા હરિસિંહે શરૂઆતમાં તો ભારત સાથે જોડાવાનો ઇન્કાર કર્યો પરંતુ પાકિસ્તાને આક્રમણ કર્યા બાદ તાત્કાલિક ભારતમાં વિલય થવાનો નિર્ણય લીધો. એ સમયે કટોકટીની પળોને જોતાં તમામ બંધારણીય પ્રક્રિયાઓ પૂરી કરવાનો વખત નહોતો.

જેના કારણે સંઘીય બંધારણ સભામાં ગોપાલસ્વામી આયંગરે કલમ ૩૦૬એ રજૂ કરી જે બાદમાં કલમ ૩૭૦ બની. આ કલમ અંતર્ગત જમ્મુ-કાશ્મીરને બીજા રાજ્યો કરતા વિશેષ અધિકાર આપવામાં આવ્યો. મહત્ત્વની બાબત એ કે કલમ ૩૭૦ને ભારતીય બંધારણમાં અસ્થાયી જોગવાઇ તરીકે સામેલ કરવામાં આવી હતી અને રાજ્યનું બંધારણ લાગુ થયા બાદ તેને ખતમ કરવાની હતી. પરંતુ ૧૯૫૬માં જમ્મુ-કાશ્મીરનું બંધારણ લાગુ થયા પછી પણ કલમ ૩૭૦ ખતમ ન કરવામાં આવી.

એ જ રીતે આર્ટિકલ ૩૫-એ શરૂઆતથી ભારતીય બંધારણમાં સામેલ નહોતો. તેને ૧૯૫૪માં તત્કાલિન રાષ્ટ્રપતિ રાજેન્દ્ર પ્રસાદના આદેશના કારણે જોડવામાં આવ્યો. આ પેટાકલમ લાગુ કરવા માટે તત્કાલિન સરકારે કલમ ૩૭૦ અંતર્ગત પ્રાપ્ત શક્તિઓનો ઉપયોગ કર્યો. અનુચ્છેદ ૩૫ એ જમ્મુ-કાશ્મીર સરકારને અને ત્યાંની વિધાનસભાને રાજ્યના સ્થાયી નાગરિક નક્કી કરવાનો અધિકાર આપે છે.

આ કલમ અંતર્ગત ૧૯૫૬માં જમ્મુ-કાશ્મીરમાં સ્થાયી નાગરિકની વ્યાખ્યા નક્કી કરી દેવામાં આવી. આ અંતર્ગત એવી વ્યવસ્થા કરવામાં આવી કે ૧૪ મે ૧૯૫૪ પહેલા જે રાજ્યનો નાગરિક રહ્યો હોય અથવા તો એના દસ વર્ષ પહેલાથી ત્યાં વસવાટ કરી રહ્યો હોય એ જ જમ્મુ-કાશ્મીરનો નાગરિક ગણાય. વળી આવા નાગરિકોને જ રાજ્યમાં સંપત્તિ વસાવવાનો અધિકાર મળે. 

આર્ટિકલ ૩૫-એની આ જોગવાઇઓના કારણે ૧૯૪૭માં ભાગલા વખતે પશ્ચિમી પાકિસ્તાનમાંથી વિસ્થાપિત થઇને જમ્મુ-કાશ્મીર આવેલા લોકોની નાગરિકતાનો અધિકાર જ છીનવાઇ ગયો. દેશના ભાગલા ધર્મના આધારે જ થયા હોવાના કારણે સ્પષ્ટ છે કે પાકિસ્તાન છોડીને ભારત આવેલા લોકોમાં બહુમતિ હિન્દુઓની હતી. એ કારણે જમ્મુ-કાશ્મીરમાં પણ વિસ્થાપિતોમાં ઘણાં ખરાં હિન્દુ અને શીખ હતાં. એક આંકડા અનુસાર પાકિસ્તાનમાંથી ૫૭૬૪ પરિવાર જમ્મુ આવ્યાં હતાં જેમાંના ૮૦ ટકા હિન્દુ હતાં.


આ આર્ટિકલ અંતર્ગત એની જોગવાઇ પણ છે કે જે પરિવાર ૧ માર્ચ ૧૯૪૭ પહેલા જમ્મુ-કાશ્મીર છોડીને પાકિસ્તાનની સરહદની અંદર ચાલ્યા ગયા હોય પરંતુ રીસેટલમેન્ટ પરમિટ દ્વારા પાછા આવ્યાં હોય તો તેમને સ્થાયી નાગરિક ગણવામાં આવશે. મતલબ કે જેની પાસે રીસેટલમેન્ટ પરમિટ ન હોય અથવા તો જે ૧ માર્ચ ૧૯૪૭ પહેલા પાકિસ્તાની સરહદની અંદર જતાં રહ્યાં હોય એમને જમ્મુ-કાશ્મીરના નાગરિક નહીં ગણવામાં આવે. એકંદરે જોતા પરિસ્થિતિ એવી નિર્માણ પામી કે પાકિસ્તાની સરહદમાં સ્થાયીરૂપે વસેલા હિન્દુ પરિવારો જ આ કલમની જટિલ જોગવાઇઓમાં ફસાઇ ગયાં કારણ કે તેઓ ધર્મના આધારે પડેલા ભાગલા બાદ દેશમાં આવ્યાં હતાં. 

આવા વિસ્થાપિત લોકો ૧૯૫૪ના હિસાબે ગણતરી કરતા દસ નહીં પરંતુ સાત વર્ષ પહેલાં જ જમ્મુ-કાશ્મીરમાં આવ્યાં હતાં જેના કારણે તેઓ રાજ્યના સ્થાયી નાગરિક જાહેર ન થયા. વક્રતા એ વાતે કે ભાગલા અને ત્યાર બાદ પાકિસ્તાનથી આવેલા લોકો જે બીજા રાજ્યોમાં જઇને વસી ગયાં તેમને ત્યાંના સ્થાયી નાગરિકનો દરજ્જો પણ મળ્યો અને ભારતના નાગરિક હોવાના નાતે મળવાપાત્ર તમામ અધિકારો પણ મળ્યાં. બીજી બાજુ જમ્મુ-કાશ્મીરમાં હાલ એ વિસ્થાપિતોની ત્રીજી અને ચોથી પેઢી પણ રિફ્યૂજી તરીકે જ વસી રહી છે. આ લોકો રાજ્યની વિધાનસભા કે સ્થાનિક ચૂંટણીઓમાં મતદાન પણ કરી શકતા નથી કે નથી રાજ્યમાં કોઇ સંપત્તિ ખરીદી શકતા. 

આ લોકો ભારતની લોકસભાની ચૂંટણીમાં તો મતદાન કરી શકે છે કારણે કે ભારત તેમને પોતાના નાગરિક માને છે. એ સંજોગોમાં તેઓ જમ્મુ-કાશ્મીરમાં કોઇ પંચાયતના પ્રમુખ કે રાજ્યના મુખ્યમંત્રી બની ન શકે પરંતુ જમ્મુ-કાશ્મીર સિવાય ભારતમાં બીજા કોઇ પણ સ્થળે ટોચના પદોએ જરૂર પહોંચી શકે છે. આ લોકોને રાજ્યમાં સરકારી નોકરી પણ મળતી નથી કે નથી સરકારી શિક્ષણ સંસ્થાઓમાં દાખલો. તેમના માટે રાહતભરી કહી શકાય એવી બાબત એ જ માત્ર છે કે ભારત એક રાષ્ટ્ર તરીકે તેમને પોતાના નાગરિક તરીકેના તમામ અધિકાર આપે છે. 

વ્યાપક રીતે જોઇએ તો જમ્મુ-કાશ્મીરના સ્થાયી નાગરિકોને જ રાજ્યમાં જમીન ખરીદવાનો, રોજગાર મેળવવાનો અને સરકારી યોજનાઓનો લાભ લેવાનો વિશેષાધિકાર મળ્યો છે. દેશના બીજા કોઇ રાજ્યનો નાગરિક જમ્મુ-કાશ્મીરમાં જઇને સ્થાયી નાગરિકની જેમ વસવાટ કરી શકતો નથી. બીજા રાજ્યના નાગરિકો જમ્મુ-કાશ્મીરમાં ન તો જમીન ખરીદી શકે છે કે ન તો રાજ્ય સરકાર તેમને નોકરી આપે છે. જો જમ્મુ-કાશ્મીરની કોઇ મહિલા ભારતના કોઇ અન્ય રાજ્યના પુરુષ સાથે લગ્ન કરી લે તો તેના જમ્મુ-કાશ્મીરના નાગરિક તરીકેના અધિકાર છીનવાઇ જાય છે.

કાશ્મીરના રાજકીય પક્ષો એવી ધમકી ઉચ્ચારે છે કે આ કલમને હટાવવાથી રાજ્યમાં જનવિદ્રોહની પરિસ્થિતિ પેદા થઇ જશે. કટાક્ષની વાત છે કે રાજ્યમાં સત્તા મેળવવા કાયમ અંદરોઅંદર બાખડતા પીડીપી અને નેશનલ કોન્ફરન્સ જેવા રાજકીય પક્ષો પણ આર્ટિકલ ૩૫-એની વાત આવે ત્યારે એકસૂરે તેને દૂર કરવાનો વિરોધ કરે છે.

હવે જો જમ્મુ-કાશ્મીરના રાજકીય પક્ષો જ આર્ટિકલ ૩૫-એ દૂર કરવાનો વિરોધ કરતા હોય તો પછી અલગતાવાદીઓ તો તેનો જોરશોરપૂર્વક વિરોધ કરે એ સ્વાભાવિક જ છે. અલગતાવાદીઓ સ્થાનિકોના મગજમાં એવું ભૂસું ભરે છે કે જો કાશ્મીરમાં બહારના લોકોને પ્રવેશ આપવામાં આવશે તો ત્યાંની સંસ્કૃતિ અને સ્વાયતતા માટે ખતરો વધી જશે.

આર્ટિકલ ૩૫-એનો વિરોધ કરતા લોકોની દલીલ છે કે આ આદેશ રાષ્ટ્રપતિના આદેશ દ્વારા લાગુ કરવામાં આવ્યો હતો જેના કારણે તેની બંધારણીય માન્યતા સંદિગ્ધ છે. કારણ કે ભારતના બંધારણ મુજબ બંધારણમાં કોઇ અનુચ્છેદ રચવાનો, જોડવાનો કે દૂર કરવાનો અધિકાર માત્ર સંસદ પાસે છે અને એ પણ બંધારણ સંશોધન કરવાની માન્ય પ્રક્રિયા દ્વારા.

તો કાશ્મીર મામલે મોદી સરકારનું વલણ પાછલી તમામ સરકારો કરતા અલગ છે. મોદી સરકારના બીજા કાર્યકાળમાં પ્રાથમિકતાની યાદીમાં જમ્મુ-કાશ્મીર સૌથી ઉપર હોવાનું પ્રતીત થાય છે. ગૃહમંત્રી બન્યા પછી અમિત શાહ સૌ પ્રથમ જે રાજ્યની મુલાકાતે એ જમ્મુ-કાશ્મીર હતું.

આર્ટિકલ ૩૭૦ના સંદર્ભમાં પણ ગૃહમંત્રીએ સ્પષ્ટ કરી દીધું છે કે તેનો ભારતીય બંધારણમાં સમાવેશ કરતી વખતે બંધારણના નિર્માતાઓએ અસ્થાયી શબ્દનો પ્રયોગ કર્યો હતો એ સમજીવિચારીને જ કર્યો હતો. હાલ તો કેન્દ્ર સરકારે સ્પષ્ટતા કરી છે કે જમ્મુ-કાશ્મીરમાં મોટા આતંકવાદી હુમલાનો અંદેશો હોવાના કારણે વધારે જવાનો તૈનાત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. એવી અટકળ પણ થઇ રહી છે કે કાશ્મીરમાં આતંકવાદીઓનો કાયમ માટે સફાયો કરી દેવા માટે પણ વધારે જવાનો મોકલવામાં આવી રહ્યાં છે.

ગૃહમંત્રી અમિત શાહે તાજેતરમાં જ કહ્યું હતું કે જે રીતે મોદી સરકારે કાશ્મીરમાં દાયકાઓથી ચાલી આવતી આતંકવાદી સમસ્યાને ખતમ કરવા અને ત્યાંના લોકોને દેશની મુખ્ય ધારામાં જોડવા માટે જે પ્રયાસ કર્યાં એ કેટલાંક લોકોને કડક લાગી શકે છે પરંતુ એનો હેતુ ભારતવિરોધી તાકાતોને તેમનું સ્થાન દેખાડવા માટે છે. હાલ તો એવું લાગી રહ્યું છે કે કાશ્મીરની સમસ્યાનો ઉકેલ લાવવાની દિશામાં મોદી સરકાર નિર્ણાયક રીતે આગળ વધી રહી છે.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો