દુનિયાનાં દસ મહાનગરોમાં ગંભીર જળસંકટ: વર્લ્ડ બેંકે વ્યક્ત કરી ચિંતા
નવી દિલ્હી, તા. 30 જુલાઇ 2019, મંગળવાર
હાલ દેશના ઉત્તર ભારત, દક્ષિણ ગુજરાત અને આસામમાં ભીષણ પૂર આવ્યાં હોવાની અને મૂસળધાર વરસાદ પડી રહ્યાના અહેવાલો પ્રગટ થયા છે પરંતુ વિશ્વ બેંકના એક અહેવાલ મુજબ દુનિયાનાં દસ મહાનગરોમાં અત્યારે ગંભીર જળસંકટ પ્રવર્તે છે.
દેશ પૂરતી વાત મર્યાદિત રાખીએ તો તાજેતરમાં ચેન્નાઇમાં એટલી ગંભીર જળ સમસ્યા હતી કે એક આખી વોટર ટ્રેન ત્યાં મોકલવી પડી હતી. કેટલીક રેસ્ટોરાં અને હૉટલો પાણીની ખેંચના કારણે બંધ કરવી પડી હતી.
વર્લ્ડ બેંક કહે છે કે, માત્ર ચેન્નાઇ, બેંગાલુરૂ કે કોલકાતા પૂરતી વાત મર્યાદિત નથી. દુનિયાના દસ મહાનગરોમાં પાણીની ભયંકર તંગી છે. તત્કાળ પગલાં લેવામાં નહીં આવે તો 2025 સુધીમાં આ મહાનગરો ખંડેર બની જતાં વાર નહીં લાગે. લોકો પાણી માટે આપસમાં એકબીજાનું લોહી રેડવા તૈયાર થઇ જશે. વર્લ્ડ બેંકે જે દસ મહાનગરોનાં નામ જણાવ્યાં છે એ આ પ્રમાણે છે- કેપટાઉન (સાઉથ આફ્રિકા), મેક્સિકો સિટી (મેક્સિકો), ટોકિયો (જપાન), કાહિરા (મિસર), સાઓ પાલો (બ્રાઝિલ), જાકાર્તા (ઇંડોનેશિયા), બીજિંગ (ચીન), મેલબર્ન (ઓસ્ટ્રેલિયા), લંડન (ઇંગ્લેંડ) અને બેંગાલુરુ (ભારત).
Comments
Post a Comment