કર્ણાટકમાં વધુ 14 MLA ગેરલાયક : યેદિના 'વિશ્વાસ'ની જીત નક્કી


બળવાખોર નેતાઓ સ્પિકરના નિર્ણયને સુપ્રીમમાં પડકારશે

(પીટીઆઈ) બેંગ્લુરુ, તા. 28 જુલાઇ, 2019, રવિવાર

કર્ણાટક વિધાનસભાના અધ્યક્ષ કે. આર. રમેશ કુમારે રવિવારે વધુ ૧૪ બળવાખોર ધારાસભ્યોને પક્ષાંતર વિરોધી કાયદા હેઠળ ગેરલાયક ઠેરવ્યા છે. તેમની આ કાર્યવાહીથી વિધાનસભામાં સભ્ય સંખ્યામાં ઘટાડો થયો છે અને નવી ચૂંટાયેલી ભાજપ સરકાર માટે સોમવારે વિશ્વાસ મત મેળવવાનો માર્ગ સરળ થઈ ગયો છે. 

અધ્યક્ષ રમેશ કુમારે કોંગ્રેસના ૧૧ અને જેડીએસના ૩ ધારાસભ્યોને ગેરલાયક ઠેરવ્યા છે જ્યારે ત્રણ ધારાસભ્યોને તેઓ અગાઉ ગેરલાયક ઠેરવી ચૂક્યા છે. આથી ગૃહમાં અસરકારક સભ્યસંખ્યા ૨૦૭ થતાં બહુમતી મેળવવાની મેજિક ફિગર ૧૦૪ થઈ ગઈ છે, જે ભાજપની કુલ સભ્ય સંખ્યા ૧૦૫ કરતાં એક ઓછી છે. વધુમાં ભાજપને એક અપક્ષનો ટેકો હોવાથી પક્ષ ગૃહમાં ૧૦૬નું સંખ્યાબળ ધરાવે છે.

યેદિયુરપ્પા દ્વારા વિશ્વાસ મત મેળવવાની પૂર્વ સંધ્યાએ ઉતાવળે બોલાવાયેલી પ્રેસ કોન્ફરન્સમાં રમેશ કુમારે ૧૪ બળવાખોર ધારાસભ્યોને વર્ષ ૨૦૨૩માં વર્તમાન વિધાનસભાના કાર્યકાળના અંત સુધી ગેરલાયક ઠેરવવાનો નિર્ણય લીધો હોવાની જાહેરાત કરી હતી. તેમણે ૧૭ બળવાખોર ધારાસભ્યોએ આપેલા રાજીનામાની વિનંતી નકારી કાઢી હતી અને તેમને ગેરલાયક ઠેરવવાની કોંગ્રેસ અને જેડીએસની વિનંતી માન્ય રાખી હતી.

વિધાનસભામાં ૧૭ બળવાખોર સહિત કોંગ્રેસ, બસપા અને અપક્ષના એક-એક એમ ૨૦ ધારાસભ્યોની ગેરહાજરીથી કોંગ્રેસ-જેડીએસ ગઠબંધન સરકારમાં મુખ્યમંત્રી કુમારસ્વામી વિશ્વાસનો મત મેળવી શક્યા નહોતા. પરીણામે લગભગ બે પખવાડિયાથી વધુ સમય સુધી ચાલેલા રાજકીય નાટક અને કોર્ટ યુદ્ધને અંતે કુમારસ્વામીએ રાજીનામુ આપવું પડયું હતું.

અધ્યક્ષ રમેશ કુમાર દ્વારા રવિવારે ૧૭ ધારાસભ્યોને ગેરલાયક ઠરાવવા સાથે અધ્યક્ષ સિવાય ૨૨૪ સભ્યોની વિધાનસભામાં અસરકારક સંખ્યા બળ ૨૦૭ થઈ ગયું છે અને યેદિયુરપ્પા માટે વિશ્વાસ મત મેળવવાનો મેજિક ફિગર ઘટીને ૧૦૪ થઈ ગયો છે.

ભાજપનું પોતાનું સંખ્યાબળ ૧૦૫ છે અને તેને એક અપક્ષના ટેકો હોવાથી તેનું કુલ સંખ્યાબળ ૧૦૬ છે. કોંગ્રેસ ૬૬ (નોમિનેટેડ સહિત), જેડી(એસ) ૩૪ અને બસપના એક ધારાસભ્ય છે, જેને વિશ્વાસ મત દરમિયાન કુમારસ્વામી સરકારને મત નહીં આપવા બદલ પક્ષમાંથી હાંકી કાઢવામાં આવેલ છે.

વિધાનસભા અધ્યક્ષ રમેશ કુમારે જણાવ્યું હતું કે મેં મારી ન્યાયિક વિવેકબુદ્ધિને આધારે વિધાનસભ્યોને ગેરલાયક ઠેરવવાનો નિર્ણય લીધો છે. તેમના નિર્ણય અંગે ઊઠેલા સવાલોથી તેમને ખૂબ જ દુખ થયું છે. બળવાખોર ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવા કોંગ્રેસ અને જેડીએસે કરેલી અરજીઓના આધારે તેમણે નિર્ણય લીધો છે.

તેમણે બળવાખોર ધારાસભ્યોની તેમના રાજીનામાના મુદ્દે તેમની સમક્ષ હાજર થવા ચાર સપ્તાહનો સમય માગતી વિનંતી ફગાવી દીધી હતી. તેમણે સ્પષ્ટ કર્યું હતું કે ૧૭ ધારાસભ્યોને પક્ષાંતર વિરોધી કાયદા હેઠળ ગેરલાયક ઠરાવાયા છે અને તેઓ વર્તમાન ગૃહની મુદત પૂરી ન થાય ત્યાં સુધી ચૂંટણી લડી શકશે નહીં. 

તેમના આ નિર્ણયને ભાજપ, બળવાખોર ધારાસભ્યો અને કેટલાક કાયદાકીય નિષ્ણાતોએ અયોગ્ય ગણાવ્યો છે. ભાજપના નેતા ગોવિંદ કારજોલે જણાવ્યું કે અધ્યક્ષે પક્ષના દબાણ હેઠળ ધારાસભ્યોને ગેરલાયક ઠેરવ્યા છે. આ નિર્ણય અયોગ્ય અને કાયદાનો ભંગ કરનારો છે. બળવાખોર નેતાઓ આ નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકારશે અને ત્યાં તેમને 'ન્યાય' મળશે. ધારાસભ્યોએ સ્વેચ્છાએ રાજીનામુ આપ્યું હતું, જે અધ્યક્ષે સ્વીકારવાની જરૂર હતી. કર્ણાટક કોંગ્રેસે ૧૭ ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવાના અધ્યક્ષના નિર્ણયને આવકાર્યો છે.

100 ટકા બહુમતી સાબિત કરીશ : યેદિયુરપ્પા

(પીટીઆઈ) બેંગ્લુરુ, તા. 28 જુલાઇ, 2019, રવિવાર

કર્ણાટક વિધાનસભામાં વિશ્વાસનો મત મેળવવાની પૂર્વ સંધ્યાએ મુખ્યમંત્રી બી.એસ. યેદિયુરપ્પાએ રવિવારે ગૃહમાં બહુમતી સાબિત કરવા અંગે સંપૂર્ણ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે અગાઉની કોંગ્રેસ-જેડીએસ સરકાર દ્વારા રજૂ કરાયેલું નાણાબીલ કોઈપણ ફેરફાર વિના તેઓ સોમવારે વિધાનસભામાં રજૂ કરશે. સોમવારે હું ૧૦૦ ટકા મારી બહુમતી સાબિત કરીશ.

તેમણે જણાવ્યું હતું કે નાંણાં બીલ 'તાત્કાલિક' ગૃહમાં પસાર થાય તે જરૂરી છે. અન્યથા અમે પગાર ચૂકવવા માટે પણ ભંડોળ મેળવી શકીશું નહીં. તેથી વિશ્વાસ મતની દરખાસ્ત રજૂ કર્યા પછી અમે સૌપ્રથમ નાંણાં બીલ રજૂ કરીશું. અગાઉની કોંગ્રેસ-જેડીએસ સરકાર દ્વારા તૈયાર કરાયેલા નાંણાં બિલમાં મેં અલ્પવિરામ અથવા પૂર્ણવિરામનો પણ ફેરફાર કર્યો નથી. યેદિયુરપ્પાએ શુક્રવારે મુખ્યમંત્રી તરીકે શપથ લીધા બાદ તુરંત સોમવારે વિશ્વાસનો મત મેળવવાની જાહેરાત કરી હતી.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો