અમેરિકાની ચેતવણી છતાં ઉત્તર કોરિયા ફરી વખત માથું ઊંચકી રહ્યું છે


- ગયા મહિને ટ્રમ્પે પહેલી વખત ઉત્તર કોરિયાની ધરતી પર પગ મૂક્યો એ પછી ઉત્તર કોરિયા ત્રણ વખત મિસાઇલ પરીક્ષણ કરી ચૂક્યું છે ત્યારે ઉત્તર કોરિયાની હિલચાલનો અમેરિકા કેવો પ્રતિભાવ આપે છે એના પર આખી દુનિયાની નજર છે

ઉત્તર કોરિયાએ ફરી વખત ટૂંકા અંતરની બે બેલાસ્ટિક મિસાઇલનું પરીક્ષણ કરીને કોરિયાઇ ક્ષેત્રમાં શાંતિને જોખમમાં મૂકી છે. એક જ અઠવાડિયાની અંદર બીજી વખત મિસાઇલનું પરીક્ષણ કરવાની સાથે ઉત્તર કોરિયાએ દક્ષિણ કોરિયાને ચેતવણી પણ આપી છે. 

ઉત્તર કોરિયાએ કરેલા મિસાઇલ ટેસ્ટ વિશે દક્ષિણ કોરિયાએ માહિતી આપતા કહ્યું કે ઉત્તર કોરિયાના બોસાન શહેર ખાતેથી શોર્ટ રેન્જની બે બેલાસ્ટિક મિસાઇલોનું પરીક્ષણ કરવામાં આવ્યું. આ મિસાઇલ ટેસ્ટ પૂર્વ તટે કરવામાં આવ્યો જેમાં બંને મિસાઇલો ૩૦ કિલોમીટરની ઊંચાઇ સુધી પહોંચી અને આશરે ૨૫૦ કિલોમીટરનું અંતર કાપ્યું. દક્ષિણ કોરિયાએ આ મિસાઇલ ટેસ્ટ અંગે ચિંતા વ્યક્ત કરતા કહ્યું કે આ પ્રકારના પરીક્ષણોથી કોરિયાઇ ક્ષેત્રમાં તણાવ ઘટાડવાના પ્રયાસોને અસર થશે. એ સાથે જ દક્ષિણ કોરિયાએ ઉત્તર કોરિયાને આવી હરકતોથી દૂર રહેવા પણ વિનંતી કરી છે.

ઉત્તર કોરિયાના આ મિસાઇલ પરીક્ષણોથી ફરી વખત પુરવાર થયું છે કે અમેરિકાની ચેતવણી છતાં તેણે પોતાના મિસાઇલ પ્રોગ્રામ ચાલુ રાખ્યાં છે. આ મિસાઇલ ટેસ્ટ એ વાતનો સંકેત પણ આપે છે કે નજીકના ભવિષ્યમાં તે પોતાના મિસાઇલ કાર્યક્રમ બંધ કરવાનો કોઇ ઇરાદો ધરાવતું નથી. ગયા અઠવાડિયે પણ ઉત્તર કોરિયાએ બે શોર્ટ રેન્જ મિસાઇલ ટેસ્ટ કર્યાં હતાં. જોકે અમેરિકાએ એ વખતે એવી સૂફિયાણી વાત કરી હતી કે ઉત્તર કોરિયાના મિસાઇલ ટેસ્ટથી તેમની સાથેના સંબંધોને કોઇ અસર નહીં થાય. હવે આ નવા મિસાઇલ ટેસ્ટ બાદ અમેરિકા કેવો પ્રતિભાવ આપે છે એના પર દુનિયાની નજર છે.

એ પહેલા ગત ૧૮ એપ્રિલે પણ ઉત્તર કોરિયાએ એક ગાઇડેડ મિસાઇલનું પરીક્ષણ કર્યું હતું. નવા જ પ્રકારના ટેક્ટિકલ ગાઇડેડ વેપનના પરીક્ષણ માટે ખાસ તૈયાર કરવામાં આવેલી નિરીક્ષણ પોસ્ટ પરથી કિમે સમગ્ર અભિયાન પર નજર રાખી હતી. તો મે મહિનામાં પણ ઉત્તર કોરિયાએ ટૂંકા અંતરની બે મિસાઇલો દાગી હતી. એ મિસાઇલો ૨૭૦ અને ૪૨૦ કિલોમીટરનું અંતર કાપ્યું હતું. થોડા વખત પહેલાં જ ઉત્તર કોરિયાના મિસાઇલ રિસર્ચ સેન્ટર અને ઇન્ટર કોન્ટિનેન્ટલ બેલાસ્ટિક મિસાઇલ પરીક્ષણ સ્થળે નવી હિલચાલ થઇ રહી હોવાના રિપોર્ટ બાદ ઉત્તર કોરિયા જે રીતે વારાફરતી મિસાઇલ પરીક્ષણો કરી રહ્યું છે એ આખી દુનિયાને નવેસરથી પરેશાન કરી રહ્યાં છે. દરેક પરીક્ષણ બાદ અમેરિકા તરફથી નિવેદન આવે છે કે તેને અગાઉથી એ પરીક્ષણ વિશે જાણકારી હતી.

દેખીતું છે કે શાંતિના તમામ પ્રયાસો છતાં અમેરિકા અને ઉત્તર કોરિયા વચ્ચેનો તણાવ ફરી વધી રહ્યો છે. વિયેતનામ ખાતે હનોઇ શિખર બેઠક નિષ્ફળ રહ્યાં બાદ ઉત્તર કોરિયાએ પહેલી વખત જાહેરમાં આ રીતે હથિયાર પ્રણાલિનું પ્રદર્શન કર્યું છે. ગયા વર્ષે જૂનમાં સિંગાપોર ખાતે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઉત્તર કોરિયાના સરમુખત્યાર કિમ જોંગ ઉન વચ્ચે યોજાયેલી પહેલી શિખર બેઠક બાદ હમણા સુધી ઉત્તર કોરિયાએ કોઇ પણ પ્રકારનું મિસાઇલ કે પરમાણુ પરીક્ષણ કર્યું નહોતું. હકીકતમાં તો બંને માથાફરેલા નેતાઓ વાતચીત માટે એક ટેબલ પર આવ્યાં એ વાતે જ દુનિયા મોઢાંમાં આંગળા નાખી ગઇ હતી.

બે વર્ષ પહેલાં ટ્રમ્પ અને કિમની સામસામેની બયાનબાજીના કારણે ઉત્તર કોરિયા અને અમેરિકા વચ્ચેનો તણાવ ચરમસીમાએ પહોંચી ગયો હતો. ઉત્તર કોરિયાએ એક પછી એક પરમાણુ અને મિસાઇલ પરીક્ષણો કરીને આખી દુનિયાનો જીવ ઊંચો કરી દીધો હતો. અમેરિકા વારંવાર ઉત્તર કોરિયા ઉપર આર્થિક પ્રતિબંધો મૂકતું રહ્યું પરંતુ ઉત્તર કોરિયાને તેની કોઇ અસર થઇ હોય એમ જણાયું નહીં. આમ પણ ઉત્તર કોરિયા પર છેક ૨૦૦૬થી આર્થિક પ્રતિબંધો લદાયેલા હોવા છતાં તે તાબે થયું નહોતું. પરિસ્થિતિ એટલી તંગ બની ગઇ હતી કે એવું લાગતું હતું કે સૈન્ય કાર્યવાહી અને આર્થિક પ્રતિબંધો સિવાય ઉત્તર કોરિયા સાથે કૂટનૈતિક વાર્તાલાપ કરવાનો વિકલ્પ પણ અત્યંત સીમિત છે.

ટ્રમ્પ અને કિમ વચ્ચે પહેલી મુલાકાત યોજાઇ ત્યારે દુનિયાને એવી આશા જન્મી હતી કે કોરિયાઇ ક્ષેત્રની સમસ્યાનો ઉકેલ આવશે. જોકે પહેલી બેઠક બાદ પરિસ્થિતિ અપેક્ષા પ્રમાણે આગળ ન વધી. એવામાં વિયેતનામ ખાતેની બીજી બેઠક પહેલા એવી આશા વ્યક્ત થઇ રહી હતી કે ટ્રમ્પ અને કિમ વચ્ચેની વાતચીત દ્વારા ઉત્તર કોરિયાના પરમાણુ કાર્યક્રમને નિયંત્રિત કરવામાં સફળતા મળી શકે છે. પરંતુ વિયેતનામની બેઠક પણ કોઇ પરિણામ વિના પૂરી થઇ ગઇ. એ પછી ગયા મહિને બંને નેતાઓ ઉત્તર અને દક્ષિણ કોરિયાની સરહદ વચ્ચેના ડિમિલિટરાઇઝ્ડ ઝોનમાં પણ મળ્યાં હતાં અને ટ્રમ્પ ઉત્તર કોરિયાની ધરતી પર પગ મૂકનારા પહેલાં અમેરિકી રાષ્ટ્રપતિ બન્યાં હતાં.

જોકે બંને નેતાઓ વચ્ચેની ઉમળકાભેર મુલાકાતો છતાં ઉત્તર કોરિયાને પરમાણુ શસ્ત્રોથી મુક્ત કરવાના અમેરિકાના લક્ષ્ય અનુસાર કોઇ નક્કર પરિણામ દેખાતું નથી. તો ઉત્તર કોરિયા એ વાતે નિરાશ છે કે અમેરિકા તેના પર લગાવેલા પ્રતિબંધોમાં છૂટ આપવા તૈયાર નથી. સમસ્યા એ પણ છે કે બંને નેતાઓએ પરમાણુ મુદ્દાને વ્યક્તિગત બનાવી દીધો. ટ્રમ્પ અને કિમ બંને તરૅગી સ્વભાવના નેતાઓ તરીકે જાણીતા છે પરંતુ મજાની વાત એ છે કે બંને નેતાઓ એકબીજા સાથે સીધી વાત કરવાને પસંદ કરે છે. મુલાકાત અગાઉ પણ બંને નેતાઓ વચ્ચે ઉષ્માભર્યા શબ્દોની આપલે થતી રહી હતી. પરંતુ હનોઇ ખાતેની બેઠકમાં ઉત્તર કોરિયાએ પ્રતિબંધોમાં છૂટ માંગી તો ટ્રમ્પે સ્પષ્ટ ઇન્કાર કરી દીધો. જોકે ઉત્તર કોરિયાએ તો યંગબિયમ પરમાણુ અનસંધાન કેન્દ્ર અમેરિકાના નિરીક્ષકોની દેખરેખ હેઠળ સંપૂર્ણ રીતે બંધ કરવાનો પ્રસ્તાવ પણ આપ્યો હતો.

હકીકતમાં પ્રતિબંધોના કારણે ઉત્તર કોરિયાની અર્થવ્યવસ્થા નબળી પડી રહી છે અને ત્યાંના લોકો ભારે હાડમારીભર્યું જીવન જીવી રહ્યાં છે. અમેરિકા ઇચ્છે છે કે ઉત્તર કોરિયા કોઇ પણ જાતની પૂર્વશરત વિના પોતાના તમામ પરમાણુશસ્ત્રો દૂર કરે અને આંતરરાષ્ટ્રીય નિરીક્ષકોને એની પુષ્ટિ કરવાની અનુમતિ આપે. પરંતુ સામે પક્ષે ઉત્તર કોરિયાની પણ માંગ છે કે અમેરિકા પણ આ ક્ષેત્રમાંથી પોતાના પરમાણુ શસ્ત્રો દૂર કરે જેથી કરીને તેને કોઇ ખતરો ન રહે. ટ્રમ્પ તો ત્યાં સુધી કહી ચૂક્યાં છે કે તેઓ દક્ષિણ કોરિયામાંથી અમેરિકી સૈનિકો દૂર કરવા પણ ઇચ્છે છે. ઉત્તર કોરિયાનું કહેવું છે કે તે પરમાણુ બોમ્બની પ્રણાલિને જ નાબૂદ કરવા તૈયાર છે પરંતુ ટ્રમ્પ પ્રશાસન પણ વળતી કાર્યવાહી કરે. કિમ જોંગ ઉન અમેરિકા દ્વારા પ્રતિબંધોમાં છૂટછાટ અને સુરક્ષાની ગેરંટી માંગે છે.

ઉત્તર કોરિયાએ પરમાણુ પરીક્ષણો બંધ જરૂર કરી દીધાં છે પરંતુ શસ્ત્રોનું ઉત્પાદન હજુ બંધ નથી કર્યું. કિમ જોંગ ઉનનું માનવું છે કે તેમના સત્તામાં ટકી રહેવા માટે પરમાણુ શસ્ત્રો અત્યંત જરૂરી છે. ખાસ કરીને અમેરિકા તેમને ઉથલાવવાનો પ્રપંચ કરે એ સ્થિતિમાં પરમાણુ શસ્ત્રો જરૂરી બની જાય છે. સાથે સાથે જ કિમ જોંગ ઉન એવો માહોલ તૈયાર કરવા માંગે છે કે ઉત્તર કોરિયાને પરમાણુ સત્તાનો દરજ્જો મળી જાય. આંતરરાષ્ટ્રીય વિશ્લેષકોનું પણ માનવું છે કે જ્યાં સુધી ઉત્તર કોરિયા પોતાને સંપૂર્ણ સુરક્ષિત નહીં અનુભવે ત્યાં સુધી પરમાણુ શસ્ત્રો દૂર કરવાની દિશામાં પ્રગતિ નહીં થાય.

બીજી બાજુ દક્ષિણ કોરિયા હાઇટેક શસ્ત્રો ખરીદવાની તૈયારી કરી રહ્યું છે. સાથે સાથે તેની સેના આવતા મહિને અમેરિકા સાથે અગાઉથી નક્કી લશ્કરી કવાયત પણ કરવાની છે. આ બંને બાબતો ઉત્તર કોરિયાને ઉશ્કેરી રહી છે. પરમાણુશસ્ત્રો ધરાવતા ઉત્તર કોરિયાએ પરમાણુ નિશસ્ત્રીકરણ માટે શરત જ એ રાખી છે કે અમેરિકા અને દક્ષિણ કોરિયા વચ્ચે કોઇ લશ્કરી અભ્યાસ નહીં થાય. હવે એ શરતની ઉપરવટ જઇને દક્ષિણ કોરિયા અમેરિકા વચ્ચે ડ્રીલ થવાની છે ત્યારે દક્ષિણ કોરિયા વારંવાર મિસાઇલ પરીક્ષણ કરીને દક્ષિણ કોરિયાને ચેતવણી આપી રહ્યું છે.

ઉત્તર કોરિયાના આ મિસાઇલ પરીક્ષણો બાદ અમેરિકા સાથેની તેની મંત્રણા ઘોંચમાં પડે એવી શક્યતા છે. ગયા મહિને ટ્રમ્પ અને કિમની ઐતિહાસિક મુલાકાત બાદ પણ ઉત્તર કોરિયા તેની પાસે મિસાઇલ લોન્ચ કરી શકે એવી સબમરિન હોવાનું પણ જાહેર કરી ચૂક્યું છે. દક્ષિણ કોરિયાના દાવા અનુસાર આ સબમરિન ત્રણ મિસાઇલ લોન્ચ કરવાની ક્ષમતા ધરાવે છે. મિસાઇલ લોન્ચ કરવાની ક્ષમતા ધરાવતી સબમરિન આમ પણ ઘાતક શસ્ત્ર ગણાય છે.

 એમાંયે ઉત્તર કોરિયા પાસે તો પરમાણુ શસ્ત્રો પણ છે ત્યારે આવી સબમરિન વધારે ખતરનાક બની જાય છે. હવે ઉત્તર કોરિયાની ચેતવણીને અનુલક્ષીને દક્ષિણ કોરિયા અમેરિકા સાથેની લશ્કરી કવાયત બંધ રાખે છે કે પછી ઉત્તર કોરિયાને વધારે ઉશ્કેરે છે એ જોવું રહ્યું.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

તાઈવાને તોડી પાડ્યુ ચીનનુ સુખોઈ-35 વિમાન? ચીન-તાઈવાન વચ્ચેનો વિવાદ ઉગ્ર બનશે