ટ્રિપલ તલાકને 'તલાક' આપી રાજ્યસભાએ ઇતિહાસ સર્જ્યો


કોંગ્રેસનો આદેશ છતાં તેના પાંચ સાંસદો ગેરહાજર રહેતા બિલ પસંદગી સમિતિ સમક્ષ મોકલવાની દરખાસ્ત રદ થઈ

કોંગ્રેસે શાહબાનોને ન્યાય અપાવ્યો નહીં, પક્ષ 1986થી 2019 સુધી ત્યાં જ ઊભો છે : કાયદા મંત્રીનો આક્ષેપ

મોદી સરકારને રાજ્યસભામાં મુસ્લિમ વુમન બિલ પસાર કરાવવામાં બીજા પ્રયાસે સફળતા મળી


(પીટીઆઈ) નવી દિલ્હી, તા. 30 જુલાઇ, 2019, મંગળવાર

ત્રણ તલાક બિલ અંગે સંસદે મંગળવારે ઈતિહાસ રચી દીધો. રાજ્યસભામાં બહુમતી ન હોવા છતાં પણ મુસ્લિમ મહિલા (લગ્ન માટે સંરક્ષણનો અધિકાર) બિલ પાસ થઈ જતાં મોદી સરકારને મોટી સફળતા મળી છે. બીજેડીના ટેકા અને એનડીએના સાથી પક્ષો જદ-યુ તથા અન્નાદ્રમુકના વોકઆઉટના પગલે આ બિલ રાજ્યસભામાં પસાર થઈ શક્યું હતું. આ બિલમાં ત્રણ તલાકને ગેરકાયદે ઠેરવતા મુસ્લિમ પુરૂષોને 3 વર્ષની કેદ અને દંડની જોગવાઈ છે. 

રાજ્યસભામાં મુસ્લિમ મહિલા (લગ્ન માટે સંરક્ષણનો અધિકાર) બિલની તરફેણમાં 99 અને વિરોધમાં 84 મતો પડયા હતા. રાજ્યસભામાં આ બિલ પસાર કરાવવામાં બહુમતી નહીં ધરાવતી એનડીએને વિપક્ષ કોંગ્રેસ, સમાજવાદી પક્ષ અને બસપના કેટલાક સભ્યો તેમજ તેલંગાણા રાષ્ટ્ર સમિતિ (ટીઆરએસ)ના છ સભ્ય અને વાયએસઆર કોંગ્રેસના બે સાંસદોની ગેરહાજરીનો પણ લાભ મળ્યો હતો.

આ બિલને પહેલા રાજ્યસભામાં સિલેક્ટ સમિતિ સમક્ષ મોકલવા માટે કોંગ્રેસે દરખાસ્ત કરી હતી, પરંતુ એ દરખાસ્ત પણ 100 વિરૂદ્ધ 84 મતોથી પડી ગઈ હતી. આ બિલ અંગે ગૃહમાં સાડા ચાર ક્લાકથી વધુ સમય સુધી ચર્ચા થઈ હતી અને ત્યાર બાદ મતદાન થયું હતું.

લોકસભામાં આ બિલ 26 જુલાઈએ જ પસાર થઈ ગયું હતું. મોદી સરકાર 2014માં સત્તા પર આવી ત્યાર પછીથી આ બિલ પાસ કરાવવા માટે પ્રયાસ કરતી હતી. અગાઉની લોકસભામાં આ બિલ પાસ થઈ ગયા પછી રાજ્યસભામાં અટકી ગયું હતું, ત્યાર પછી સરકાર તેના માટે વટહુકમ લાવી હતી.

આ લોકસભામાં કેટલાક ફેરફાર સાથે આ બિલ ફરી લવાયું હતું અને લોકસભા પછી રાજ્યસભામાં બિલ પસાર કરાવવામાં સરકાર સફળ રહી હતી. સંસદમાં આ બિલ પસાર થઈ જતાં હવે રાષ્ટ્રપતિના હસ્તાક્ષર સાથે તે કાયદો બની વટહુકમનું સ્થાન લેશે.

બીજેડીના સાત સભ્યોએ બિલને ટેકો આપ્યો હતો જ્યારે જેડી-યુના છ સાંસદો અને અન્નાદ્રમુકના 11 સાંસદોએ મતદાન પહેલાં વોકાઉટ કર્યું હતું, જેથી રાજ્યસભામાં બહુમતી માટેની સંખ્યા ઘટી ગઈ હતી, જે સામાન્ય રીતે 121 હતી. 242 સભ્યોની રાજ્યસભામાં શાસક એનડીએની સભ્ય સંખ્યા 107 હતી. આ વ્યૂહરચનાને પગલે મોદી સરકારે ગયા સપ્તાહે રાજ્યસભામાં તેમની બહુમતી ન હોવા છતાં નબળા પાડેલા વિવાદાસ્પદ રાઈટ ટુ ઈન્ફર્મેશન (આરટીઆઈ) એક્ટને પસાર કરાવી દીધો હતો.

વિપક્ષના સાંસદોની ગેરહાજરીના કારણે પણ એનડીએને મજબૂતી મળી હતી. ઓસ્કાર ફર્નાન્ડીસ અને કોંગ્રેસના અન્ય ચાર સાંસદો તેમજ એનસીપીના  સાંસદો શરદ પવાર અને પ્રફુલ પટેલ ગેરહાજર રહ્યા હતા. સમાજવાદી પક્ષના બે સાંસદ, રાજદના રામ જેઠમલાણી, તૃણમૂલ કોંગ્રેસના બે સાંસદ અને ટીડીપીના એક સાંસદ પણ ગૃહમાં મતદાન સમયે હાજર નહોતા.

રાજ્યસભામાં બિલ અંગે ચર્ચા કરતાં કાયદા મંત્રી રવિપ્રસાદે કહ્યું કાયદા વિના પોલીસ પીડિત મહિલાઓની ફરિયાદ સાંભળવા માટે તૈયાર નહોતી. મુસ્લિમ સમાજ પુત્રીઓ માટે ન્યાય પર જ સવાલ કેમ ઉઠાવે છે, આ સવાલ 1986માં ઊઠયો હતો અને આજે પણ ઊઠે છે. તેમણે કહ્યું કે અમારી સરકારે દેશના હિતમાં ડર્યા વિના નિર્ણયો લીધા છે અને ચૂંટણીમાં હાર-જીત અંગે ક્યારેય વિચાર્યું નથી.

અમે આતંકવાદ સામે લડનારા લોકો છીએ. મુસ્લિમ દેશો પણ મહિલાઓ માટે સુધારાના પ્રયાસ કરી રહ્યા છે તો લોકતાંત્રિક દેશ હોવાથી આપણે કેમ સુધારો ન કરવો જોઈએ? ત્રણ તલાકથી પીડિત 75 ટકા મહિલાઓ ગરીબ પરિવારોની હોય છે અને અમે તેમના અંગે વિશેષરૂપે વિચારવું જોઈએ. તેમણે અગાઉ બિલ ગૃહ સમક્ષ રજૂ કરતા કહ્યું કે આજે ગૃહ માટે ઐતિહાસિક દિવસ છે. 20થી વધુ મુસ્લિમ દેશોએ ત્રણ તલાક પર પ્રતિબંધ મૂક્યો છે અને ભારત જેવા દેશાં હવે તે લાગુ રહી શકે નહીં. તેમણે કહ્યું સુપ્રીમ કોર્ટે પણ તેને ગેરબંધારણીય ઠેરવ્યો છે.

કોંગ્રેસ પર શાહબાનો મોડેલ પર ચાલવાનો આરોપ મૂકતા પ્રસાદે કહ્યું કે કોંગ્રેસ પક્ષે 1986માં શાહબાનો માટે ન્યાયના દરવાજા બંધ કર્યા હતા. 1986થી લઈને 2019 સુધી કોંગ્રેસ પક્ષ ત્યાં જ ઊભો રહ્યો છે. કોંગ્રેસ આજે પણ શાહબાનો મોડેલ પણ કેમ ચાલી રહી છે. સુપ્રીમ કોર્ટના ચૂકાદા પછી મારી પાસે ફાઈલ આવી તો વડાપ્રધાન મોદીએ તુરંત કહ્યું કે ત્રણ તલાકની પીડિતો સાથે ઊભા રહો, આપણે કોર્ટની અંદર અને બહાર આ બહેનો સાથે ઊભા રહીશું.

મુસ્લિમ વુમન બિલનો અમલ કેવી રીતે થશે

નવી દિલ્હી, તા. 30 જુલાઇ, 2019, મંગળવાર

મુસ્લિમ વુમન (લગ્ન અંગે સંરક્ષણનો અધિકાર) કાયદો, જે ત્રણ તલાક બિલ તરીકે ઓળખાય છે તે તલાક-એ-બિદ્દત અથવા એક જ સમયમાં ત્રણ વખત તલાક બોલીને, લખીને અથવા એસએમએસ અથવા વ્હોટ્સએપ મારફત અથવા અન્ય કોઈપણ ઈલેક્ટ્રોનિક ચેટના માધ્યમથી તલાક આપવાની મુસ્લિમ સમાજની પદ્ધતિને ગેરકાયદે ઠરાવે છે. આ બિલની જોગવાઈઓ આવા કૃત્યને ગૂનાઈત ઠરાવે છે. તે પોલીસ અધિકારીને વોરન્ટની જરૂરિયાત વિના ગૂનેગારની ધરપકડ કરવાની સત્તા આપે છે.

જોકે, આ સૂચિત કાયદાના દુરૂપયોગને અટકાવવા બિલમાં સ્પષ્ટ કરાયું છે કે આ પ્રકારના કિસ્સાઓમાં પીડિત મહિલા અથવા તેના લોહીનો સંબંધ અથવા લગ્નથી સંબંધ ધરાવતી વ્યક્તિ ફરિયાદ કરવામાં આવે તો જ પોલીસ કાર્યવાહી કરી શકશે. મેજિસ્ટ્રેટ માત્ર પીડિત મહિલાની સુનાવણી પછી જ આરોપીને જામીન આપી શકશે. બિલ હેઠળ પીડિત મહિલાને તેના અને તેના પર નિર્ભર સંતાનોના ભરણપોષણની માગણી કરવાનો અધિકાર અપાયો છે.

આવા વિરોધનો શું અર્થ ?  કોંગ્રેસ સાથી પક્ષો પર ભડકી 

ટ્રિપલ તલાક બિલને ગુનાઈત કૃત્ય બનાવવું અયોગ્ય : કોંગ્રેસ

નવી દિલ્હી, તા. 30 જુલાઇ, 2019, મંગળવાર

ત્રણ તલાકનો વિરોધ કરનારા પક્ષોની રાજ્યસભામાં મતદાન દરમિયાન ગેરહાજરી અંગે કોંગ્રેસે સવાલ ઉઠાવ્યો હતો. કોંગ્રેસે કહ્યું કે પક્ષ આ બિલ સિલેક્ટ કમિટિમાં મોકલવા માગતી હતી, તેના માટે મતદાન થયું. પરંતુ આ સમયે ત્રણ તલાક બિલનો વિરોધ કરનારા અનેક પક્ષોના સાંસદો ગૃહમાંથી ગેરહાજર રહ્યા. એવામાં તેમના વિરોધનો શું અર્થ છે. કોંગ્રેસના નેતા કપિલ સિબ્બલે કહ્યું, અમે ઈચ્છતા હતા કે આ બિલ સિલેક્ટ કમિટિ પાસે જાય, પરંતુ તેના માટે મતદાન થયું તો તે સમયે અનેક સાંસદો ગેરહાજર હતા.

જે લોકો આ બિલથી દૂર જ રહેવું હતું તો તેમના વિરોધનો શું અર્થ છે? બિલ પર મતદાન સમયે બસપા, પીડીપી, ટીઆરએસ, જેડીયુ, અન્નાદ્રમુક અને ટીડીપી જેવા અનેક પક્ષોએ ભાગ ન લેતાં સરકારને બિલ પાસ કરાવવામાં સરળતા રહી. આ બિલ મંજૂર થતાં બિલનો ઉગ્ર વિરોધ કરનાર કોંગ્રેસ અનેક મહત્ત્વના પક્ષોને સાથે લઈને ચાલવામાં નિષ્ફળ રહી.

દરમિયાન કોંગ્રેસે મંગળવારે કહ્યું કે ત્રણ તલાકને ગુનાઈત કૃત્ય બનાવવાની જરૂર નહોતી. કોંગ્રેસ નેતા અભિષેક મનુ સિંઘવીએ કહ્યું કે, અમે આ બિલને સૈદ્ધાંતિક ટેકો આપ્યો હતો. અમે પણ મુસ્લિમ મહિલાઓના ટેકાની જોગવાઈઓ માટે બિલમાં સુધારા કરવા માગતા હતા. અમારો વિરોધ બે-ત્રણ મુદ્દા પર હતો. સુપ્રીમ કોર્ટે ત્રણ તલાકને ગેરકાયદે ઠેરવ્યા છે તેમ સરકાર પણ તેને ગેરકાયદે ઠેરવી શકી હોત. તેને ગૂનાઈત કૃત્ય બનાવવાની જરૂર નહોતી.

રાજ્યસભામાં વિપક્ષના નેતા ગુલામનબી આઝાદે આ બિલને રાજકીય પ્રેરિત અને ઘરેલુ ઝઘડા બદલ મુસ્લિમ પરિવારોને તોડીપાડવા સમાન ગણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે સરકારે બિલને સિલેક્ટ કમિટિમાં મોકલવાની અને ત્રણ તલાકને દિવાની ગૂનો બનાવવાની તેમની માગ ન સ્વીકારતાં વિપક્ષને બિલના વિરોધમાં મતદાન કરવાની ફરજ પડી હતી.

મધ્યકાલિન કુપ્રથા ઈતિહાસની કચરાપેટીમાં દફન : મોદી

કોંગ્રેસ 400માંથી 44-52 સુધી કેવી રીતે સમેટાઈ તે વિચારે : રવિશંકર પ્રસાદ

નવી દિલ્હી, તા. 30 જુલાઇ, 2019, મંગળવાર

ત્રણ તલાક બિલ રાજ્યસભામાં પસાર થયા પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરી બધા પક્ષો અને સાંસદોને અભિનંદન આપ્યા. મોદીએ ટ્વીટ કરી કહ્યું હું બધા પક્ષો અને સાંસદોને અભિનંદન આપું છં, જેમણે સંસદના બંને ગૃહોમાં મુસ્લિમ મહિલા (લગ્ન અંગે સંરક્ષણનો અધિકાર) બિલ, 2019 પસાર કરવામાં ટેકો આપ્યો છે. તેમનું આ પગલું ભારતના ઈતિહાસમાં હંમેશા યાદ કરાશે.

દેશ માટે આજનો દિવસ ઐતિહાસિક છે. આજે કરોડો મુસ્લિમ માતાઓ-બહેનોનો વિજય થયો છે અને તેમને સન્માનથી જીવવાનો અધિકાર મળ્યો છે.  મધ્યકાલિન યુગથી ચાલી આવતી ત્રણ તલાકની કુપ્રથાને ઈતિહાસની કચરાપેટીમાં દફન કરી દેવાઈ છે. તેનાથી પીડિત મુસ્લિમ મહિલાઓને આજે ન્યાય મળ્યો છે.

આ ઐતિહાસિક પ્રસંગે હું બધા સાંસદોનો આભાર વ્યક્ત કરૂં છું. ત્રણ તલાક બિલનું પસાર થવું મહિલા સશક્તિકરણની દિશામાં એક મોટું પગલું છે. તૃષ્ટિકરણના નામે દેશની કરોડો માતાઓ-બહેનોને તેમના અધિકારીથી વંચિત રાખવાનું પાપ કરાયું હતું. મને એ વાતનું ગૌરવ છે કે મુસ્લિમ મહિલાઓને તેમનો અધિકાર અપાવવી સિદ્ધિ અમારી સરકારને મળી છે.

બીજીબાજુ કાયદા મંત્રી રવિશંકર પ્રસાદે ત્રણ તલાક બિલનો વિરોધ કરનાર વિપક્ષના નેતા ગુલામ નબી આઝાદ પર કટાક્ષ કરતા કહ્યું કોંગ્રેસ પક્ષે 1986માં શાહબાનો માટે ન્યાયના દરવાજા કેમ બંધ કર્યા.

 1986થી 2019 સુધી કોંગ્રેસ પક્ષ ત્યાં જ ઊભો છે. 400થી વધુ બેઠકો લાવીને પણ શાહબાનો કેસમાં દરવાજા બંધ કર્યા પછી પણ કોંગ્રેસ બહુમતીમાં આવી નહીં. આજે સ્થિતિ એ છે કે તે 44થી બાવન વચ્ચે સમેટાઈ ગઈ છે. પક્ષે તે અંગે વિચારવું જોઈએ. હિન્દુ પુરૂષો માટે દહેજ અને બહુવિવાહ બદલ જેલની જોગવાઈ છે તો ત્રણ તલાક આપનાર મુસ્લિમ પુરૂષો માટે પણ ત્રણ વર્ષની જેલની જોગવાઈ ન્યાયિક છે.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો