નવાઝ શરીફની કોટડીમાંથી AC અને TV ખસેડવાના વડાપ્રધાન ઇમરાનખાને આપ્યા આદેશ
ઇસ્લામાબાદ, તા. 29 જુલાઇ 2019, સોમવાર
કહેવાતા ભ્રષ્ટાચારના આક્ષેપ બદલ જેલમાં રહેલા પાકિસ્તાનના ભૂતપૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફના જેલના રૂમમાંથી એરકંડિશનર અને ટીવી ખસેડી લેવાનો આદેશ વડાપ્રધાન ઇમરાન ખાને આપ્યો હતો.
પંજાબના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને પાકિસ્તાન મુસ્લમ લીગ (શરીફ)ના પ્રમુખ શાહબાઝ શરીફે એવો આક્ષેપ કર્યો હતો કે સરકાર મારા ભાઇ નવાઝ શરીફને જેલમાં મારી નાખવા માગે છે. ટ્રાઇબ્યુન ડૉટ કોમના એક રિપોર્ટ મુજબ ઇમરાન ખાનના ગૃહ પ્રધાને 17મી જુલાઇએ જેલ સત્તાવાળાને પત્ર લખીને જણાવ્યું હતું કે વડા પ્રધાનના આદેશથી પંજાબની જેલોમાં રહેલા પોલિટિકલ કેદીઓને કોઇ પણ પ્રકારની વિશેષ સવલત આપવાની નથી, આપી હોય તો તત્કાળ પાછી ખેંચી લેવાની છે.
નવાઝ શરીફ કિડનીની ગંભીર બીમારીનો ભોગ બન્યા છે અને એમને વાતાનુકૂલ રૂમની સગવડ મળી હતી. પરંતુ ઇમરાન ખાને પાકિસ્તાની લશ્કર અને આઇએસઆઇના ઇશારે આ સગવડ પાછી ખેંચી લેવડાવી હતી. નવાઝની પુત્રી મરિયમે ખુલ્લંખુલ્લા પાકિસ્તાની સરકારને પડકારી હતી કે કોર્ટોના જજો પર અમને ત્રાસ આપવા દબાણ કરાઇ રહ્યું હોવાની વિડિયો ક્લીપ્સ મારી પાસે છે. સરકાર કોઇ પણ આડું અવળું પગલું ભરવાની બહાદૂરી દેખાડવા જશે તો હું આ વિડિયો ક્લીપ્સ જાહેર કરી દઇશ.
આમ અત્યારે પાકિસ્તાનનું પોલિટિક્સ નવો વળાંક અને નવી ઉત્તેજના સર્જી રહ્યું છે.
Comments
Post a Comment