કાફે કોફી ડેના માલિક વી જી સિદ્ધાર્થનું શબ 36 કલાક બાદ મળ્યું
બેંગાલુરુ તા.31 જુલાઇ 2019, બુધવાર
કાફે કૉફીના માલિક સિદ્ધાર્થનો મૃતદેહ એના ગૂમ થયા બાદ 36 કલાક પછી મળ્યો હતો.
સોમવારે સાંજે સાડા છની આસપાસ એણે ડ્રાઇવરને મેંગલોર તરફ કાર વાળવાનું કહ્યું હતું અને નેત્રાવતી નદીના પુલ પર કારને રોકીને ડ્રાઇવરને કહ્યું હતું કે તું હવે ઘેર જા. હું પછી આવીશ. છેલ્લે એણે પોતાની કંપનીના ચીફ ફાઇનાન્સ ઑફિસર સાથે વાત કરી હતી. એ પછી એનો મોબાઇલ ફોન પણ સ્વીચ ઑફ આવ્યો હતો.
એણે આપઘાત કર્યો હોવાની શંકા પરથી કન્નડ પોલીસે તરત ડૂબકીમારોની મદદ લઇને નેત્રાવતી નદી ખૂંદી હતી. 200 પોલીસ, ડૂબકીમારો અને નૌકાઓ તેમની તલાશ કરી રહ્યા હતા. તેમનો મૃતદેહ નેત્રાવતી નદીમાંથી મળી આવ્યો હતો. એને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો હતો.
સિદ્ધાર્થ એક ખેડૂતનો પુત્ર હતો. પોતાની પ્રતિભાના જોરે એણે કાફે કૉફીનું કરોડો રૂપિયા સામ્રાજ્ય સ્થાપ્યું હતું. કેન્દ્રના ભૂતપૂર્વ પ્રધાન એસ એમ કૃષ્ણાનો એ જમાઇ હતો. સોમવારે એેણે પોતાના કર્મચારી જોગ એક ચિઠ્ઠી મૂકી હતી કે હું તમારા સૌની અપેક્ષામા ઊણો ઊતર્યો છું. વેપારી તરીકેની મારી કારકિર્દી નિષ્ફળ નીવડી છે. તમને સૌને આ રીતે મૂકી જતાં મને દુખ થાય છે.
સિદ્ધાર્થે કંપનીના ડાયરેક્ટર અને કર્મચારીઓને પત્રમાં કહ્યું ''લડયો પણ હારી ગયો, હું નિષ્ફળ બિઝનેસમેન છું''
પોલીસના જણાવ્યા અનુસાર સિદ્ધાર્થ સોમવારની બપોરે બેંગાલુરૂથી હસ્સાન જિલ્લામાં આવેલા સકલેશપુર જવા નીકળ્યા હતાં પણ રસ્તામાં તેમણે પોતાના ડ્રાઇવરને મેંગાલુરૂ તરફ લઇ જવા જણાવ્યું હતું. નેત્રવતી નદી પરના બ્રિજ પર પહોંચ્યા પછી તે કારમાંથી ઉતરી ગયા હતા અને ડ્રાઇવરને જણાવ્યું હતું કે તે બ્રિજ પર થોડોક સમય ચાલવા માગે છે.
તેમણે પોતાના ડ્રાઇવરને ત્યાં જ ઉભા રહેવા જણાવ્યું હતું. બે કલાક પછી પણ સિદ્ધાર્થ પરત ન ફરતા ડ્રાઇવરે પોલીસનો સંપર્ક સાધ્યો હતો અન લાપતા થયાની ફરિયાદ નોંધાવી હતી તેમ દક્ષિણ કન્નડ જિલ્લાના ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ શશીકાંત સેન્થિલે જણાવ્યું હતું.
મેંગાલુરૂના પોલીસ કમિશનર સંદીપ પાટિલે જણાવ્યું છે કે તપાસ અભિયાનમાં સ્થાનિક માછીમારોની મદદ લેવામાં આવી રહી છે. છેલ્લે તેમણે કોની સાથે ફોન પર વાત કરી તેની પણ તપાસ કરવામાં આવી રહી છે.
કોસ્ટ ગાર્ડે એક નિવેદનમાં જણાવ્યું છે કે અર કુશિયન વેહિકલ(એચ-198)ની મદદથી નેત્રવતી નદીમાં શોધખોળ ચાલી રહી છે. સિદ્ધાર્થના લાપતા થવાના સમાચાર સાંભળ્યા પછી કર્ણાટકના મુખ્યપ્રધાન બી એસ યેદિયુરપ્પા, પૂર્વ મુખ્યપ્રધાન એચ ડી કુમારસ્વામી, પૂર્વ વડાપ્રધાન એચ ડી દેવેગૌડા સહિતના અનેક નેતાઓએ કૃષ્ણાના બેંગાલુરૂના નિવાસસ્થાનની મુલાકાત લીધી હતી.
માર્ચ, 2019ના અંતે કોફી ડ એન્ટરપ્રાઇઝ પર કુલ 6550 કરોડ રૂપિયાનું દેવું હતું. જો કે સિદ્વાર્થે માઇન્ડ ટ્રીમાં પોતાનો હિસ્સો વેચ્યા પછી આ દેવાની રકમમાં મોટા પ્રમાણમાં ઘટાડો થયો હતો. આ દરમિયાન વી જી સિદ્ધાર્થે કોફી ડે એન્ટરપ્રાઇઝના બોર્ડ ઓફ ડાયરેક્ટર અને કર્મચારીઓને લખેલો પત્ર મળી આવ્યો છે.
આ પત્રમાં વી જી સિદ્ધાર્થે જણાવ્યું છે કે હું એન્ટ્રેપ્રેન્યોર તરીકે નિષ્ફળ નિવડયો છું. 37 વર્ષની મહેનત પછી અમારી કંપનીઓ અને સબસિડરી કંપનીઓમાં 30,000 નોકરીઓનું સર્જન તથા ટેકનોલોજી કંપનીમાં 20,000 નોકરીઓનું સર્જન કર્યા પછી મારા શ્રેષ્ઠ પ્રયત્નો કરવા છતાં હું નફાકારક બિઝનેસ મોડેલની રચના કરવામાં નિષ્ફળ નિવડયો છું.
Comments
Post a Comment