કાફે કોફી ડેના માલિક વી જી સિદ્ધાર્થ લાપતા : રૂ. 6550 કરોડનું દેવું હતું
સિદ્ધાર્થે કંપનીના ડાયરેક્ટર અને કર્મચારીઓને પત્રમાં કહ્યું ''લડયો પણ હારી ગયો, હું નિષ્ફળ બિઝનેસમેન છું''
સિદ્ધાર્થને શોધવા નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ, કોસ્ટ ગાર્ડ, હોમ ગાર્ડ, ફાયર સર્વિસ અને કોસ્ટલ પોલીસ તૈનાત
નેત્રવતી નદીના બ્રિજ પર સિદ્ધાર્થે કારમાંથી ઉતરી ડ્રાઇવરને જણાવ્યું હતું કે તે થોડોક સમય બ્રિજ પર ચાલવા માગે છ
બે કલાક પછી પણ સિદ્ધાર્થ પરત ન ફરતા ડ્રાઇવરે પોલીસનો સંપર્ક સાધી લાપતાની ફરિયાદ નોંધાવી હતી
(પીટીઆઇ) મેંગાલુરૂ, તા. 30 જુલાઇ, 2019, મંગળવાર
કાફે કોફી ડેના સ્થાપક વી જી સિદ્ધાર્થ બેંગાલુરૂથી મેંગાલુરૂ જઇ રહ્યાં હતા ત્યારે રસ્તામાં લાપતા થઇ જતા પોલીસે મોટા પાયે તપાસ અભિયાન શરૂ કર્યુ છે. પોલીસના જણાવ્યા અનુસાર કર્ણાટકના પૂર્વ મુખ્યપ્રધાન અને ભાજપ નેતા એસ એમ કૃષ્ણાના જમાઇ છેલ્લે સોમવારની રાતે દક્ષિણ કન્નડ જિલ્લાના કોતેપુરા વિસ્તારમાં નેત્રવતી નદીના બ્રિજ પર જોવા મળ્યા હતાં.
સિદ્ધાર્થને શોધવા માટે નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ, કોસ્ટ ગાર્ડ, હોમ ગાર્ડ, ફાયર સર્વિસ અને કોસ્ટલ પોલીસને કામે લગાડવામાં આવી છે. સ્થાનિક માછીમારો તેમની હોડી સાથે સિદ્ધાર્થને શોધવામાં મદદ કરી રહ્યાં છે.
પોલીસના જણાવ્યા અનુસાર સિદ્ધાર્થ સોમવારની બપોરે બેંગાલુરૂથી હસ્સાન જિલ્લામાં આવેલા સકલેશપુર જવા નીકળ્યા હતાં પણ રસ્તામાં તેમણે પોતાના ડ્રાઇવરને મેંગાલુરૂ તરફ લઇ જવા જણાવ્યું હતું. નેત્રવતી નદી પરના બ્રિજ પર પહોંચ્યા પછી તે કારમાંથી ઉતરી ગયા હતા અને ડ્રાઇવરને જણાવ્યું હતું કે તે બ્રિજ પર થોડોક સમય ચાલવા માગે છે.
તેમણે પોતાના ડ્રાઇવરને ત્યાં જ ઉભા રહેવા જણાવ્યું હતું. બે કલાક પછી પણ સિદ્ધાર્થ પરત ન ફરતા ડ્રાઇવરે પોલીસનો સંપર્ક સાધ્યો હતો અન લાપતા થયાની ફરિયાદ નોંધાવી હતી તેમ દક્ષિણ કન્નડ જિલ્લાના ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ શશીકાંત સેન્થિલે જણાવ્યું હતું.
મેંગાલુરૂના પોલીસ કમિશનર સંદીપ પાટિલે જણાવ્યું છે કે તપાસ અભિયાનમાં સ્થાનિક માછીમારોની મદદ લેવામાં આવી રહી છે. છેલ્લે તેમણે કોની સાથે ફોન પર વાત કરી તેની પણ તપાસ કરવામાં આવી રહી છે.
કોસ્ટ ગાર્ડે એક નિવેદનમાં જણાવ્યું છે કે અર કુશિયન વેહિકલ(એચ-198)ની મદદથી નેત્રવતી નદીમાં શોધખોળ ચાલી રહી છે. સિદ્ધાર્થના લાપતા થવાના સમાચાર સાંભળ્યા પછી કર્ણાટકના મુખ્યપ્રધાન બી એસ યેદિયુરપ્પા, પૂર્વ મુખ્યપ્રધાન એચ ડી કુમારસ્વામી, પૂર્વ વડાપ્રધાન એચ ડી દેવેગૌડા સહિતના અનેક નેતાઓએ કૃષ્ણાના બેંગાલુરૂના નિવાસસ્થાનની મુલાકાત લીધી હતી.
માર્ચ, 2019ના અંતે કોફી ડ એન્ટરપ્રાઇઝ પર કુલ 6550 કરોડ રૂપિયાનું દેવું હતું. જો કે સિદ્વાર્થે માઇન્ડ ટ્રીમાં પોતાનો હિસ્સો વેચ્યા પછી આ દેવાની રકમમાં મોટા પ્રમાણમાં ઘટાડો થયો હતો. આ દરમિયાન વી જી સિદ્ધાર્થે કોફી ડે એન્ટરપ્રાઇઝના બોર્ડ ઓફ ડાયરેક્ટર અને કર્મચારીઓને લખેલો પત્ર મળી આવ્યો છે.
આ પત્રમાં વી જી સિદ્ધાર્થે જણાવ્યું છે કે હું એન્ટ્રેપ્રેન્યોર તરીકે નિષ્ફળ નિવડયો છું. 37 વર્ષની મહેનત પછી અમારી કંપનીઓ અને સબસિડરી કંપનીઓમાં 30,000 નોકરીઓનું સર્જન તથા ટેકનોલોજી કંપનીમાં 20,000 નોકરીઓનું સર્જન કર્યા પછી મારા શ્રેષ્ઠ પ્રયત્નો કરવા છતાં હું નફાકારક બિઝનેસ મોડેલની રચના કરવામાં નિષ્ફળ નિવડયો છું.
હું એ તમામ લોકોની માફી માગુ છું જેમણે મારામાં વિશ્વાસ મૂક્યો હતો. મેં ઘણા લાંબા સમય સુધી લડત આપી પણ હવે હું વધુ દબાણ સહન કરી શકું તેમ નથી. મારા ઇક્વિટી ભાગીદાર પૈકીના એકે શેર બાયબેક કરવા ભારે દબાણ કર્યુ હતું. જેના પગલે મેં મારા મિત્ર પાસેથી મોટી રકમ ઉધાર લઇ કેટલાક શેર બાયબેક કર્યા હતાં.
આ પત્રમાં સિદ્ધાર્થે આવકવેરા વિભાગ દ્વારા કરાયેલી હેરાનગતિનો પણ ઉલ્લેખ કર્યો છે. તેમણે જણાવ્યું છે કે આવકવેરા વિભાગના પૂર્વ ડીજીએ માઇન્ડ ટ્રીની સમજૂતી બ્લોક કરવા માટે બે વખત અમારા શેર ટાંચમાં લીધા હતાં. મારો ઇરાદો કોઇને સાથે છેતરપિડી કરવા કે ગેરમાર્ગે દોરવાનો ન હતો.
સિદ્ધાર્થ 8 વર્ષમાં માઇન્ડ ટ્રીના શેરોમાં રોકાણ કરી 3038 કરોડ કમાયા
નવી દિલ્હી, તા. 30 જુલાઇ, 2019, મંગળવાર
કેફે કોફી ડેના માલિક વી જી સિદ્ધાર્થ લાપતા થવાના સમાચારે સૌને ચોંકાવી દીધા છે. તેમની કંપની પર લગભગ 6547 કરોડ રૂપિયાનું દેવું હતું. તેમણે સમગ્ર દેશમાં કેફે કોફી ડેના 1700થી પણ વધુ સ્ટોર્સ શરૂ કર્યા હતાં. જે યુવાનોમાં ખૂબ જ લોકપ્રિય છે તેમાં હજારો લોકો રોજગારી મેળવી રહ્યાં છે.
તાજેતરમાં આઇટી કંપની માઇન્ડ ટ્રીમાં હિસ્સો વેચવાથી સિદ્ધાર્થને લગભગ 3269 કરોડ રૂપિયા મળ્યા હતાં. તાજેતરમાં એવી ચર્ચા ચાલી રહી હતી કે કોકા કોલા ભારતની આ સૌથી મોટી કોફી ચેનમાં મોટો હિસ્સો ખરીદવા વાતચીત કરી રહ્યું છે. કેફો કોફી ડેને આ સમજૂતીને કારણે 8000 થી 10000 કરોડ રૂપિયાનું વેલ્યુએશન મળવાની આશા હતી.
સિદ્ધાર્થના લાપતા થવાના સમાાચાર સપાટી પર આવતા કેફે કોફી ડેનું સંચાલન કરતી કંપની કોફી ડે એન્ટરપ્રાઇઝના શેર 20 ટકા તૂટીને 154 રૂપિયા થઇ ગયો હતો. તેનું માર્કેટ કેપ 813 કરોડ રૂપિયા ઘટીને 3254 કરોડ રૂપિયા થઇ ગયું છે. તેમણે છેલ્લા આઠ વર્ષમાં માઇન્ડ ટ્રી કંપનીમાં તબક્કાવાર રોકાણ કર્યુ હતું. જેના કારણે માઇન્ડ ટ્રીમાં તેમની હિસ્સેદારી 20.41 ટકા સુધી પહોંચી ગઇ હતી.
સિદ્ધાર્થે માઇન્ડ ટ્રીમાં 410 કરોડ રૂપિયાનું રોકાણ કર્યુ હતું. તાજેતરમાં જ એલ એન્ડ ટીએ સિદ્ધાર્થ પાસેથી માઇન્ડ ટ્રીની આ હિસ્સેદારી 3269 કરોડ રૂપિયામાં ખરીદી હતી. એટલે કે તેમને 2858 કરોડ રૂપિયાનો નફો થયો હતો. આ ઉપરાંત તેમને આઠ વર્ષમાં માઇન્ડ ટ્રીમાંથી કુલ 180 કરોડ રૂપિયાનું ડિવિડન્ડ પણ મળ્યું હતું. એટલે કે તેમને કુલ 3038 કરોડનો નફો થયો હતો.
Comments
Post a Comment