છેવટે ટ્રિપલ તલાક વિરોધી બિલે રાજ્યસભાનો કોઠો પણ વીંધ્યો

- લોકસભામાં બહુમતિ હોવાના કારણે ભાજપે જંગી બહુમતિથી આ બિલ પસાર કરાવ્યું હતું પરંતુ રાજ્યસભામાં બહુમતિ ન હોવા છતાં અનેક પક્ષોના વોકઆઉટના કારણે ભાજપને બિલ પાસ કરાવવામાં સફળતા મળી


ગયા અઠવાડિયે લોકસભામાંથી પસાર થયા બાદ ટ્રિપલ તલાક બિલે રાજ્યસભામાં પણ પાસ થઇને ઇતિહાસ રચી દીધો છે. આમ તો સત્તાધારી એનડીએ પાસે રાજ્યસભામાં બહુમતિ નહોતી પરંતુ ભાજપના ફ્લોર મેનેજરોની કૂનેહના કારણે ટ્રિપલ તલાક વિરોધી બિલ ૯૯ વિરુદ્ધ ૮૪ મતે પસાર કરાવવામાં મોદી સરકારને સફળતા મળી છે. અગાઉ રાજ્યસભામાં ચર્ચા દરમિયાન ટ્રિપલ તલાક બિલને સિલેક્ટ કમિટી પાસે મોકલવાનો પ્રસ્તાવ પણ નિષ્ફળ રહ્યો હતો. 

સુપ્રીમ કોર્ટે તો બે વર્ષ પહેલાં જ મુસ્લિમ પુરુષ પોતાની પત્નીને માત્ર ત્રણ વખત તલાક બોલીને છૂટાછેડા આપી શકે એ કાયદાને ગેરબંધારણીય જાહેર કર્યો હતો. મુસ્લિમ મહિલાઓ લાંબા સમયથી ટ્રિપલ તલાક ઉપર પ્રતિબંધ મૂકવાની માગણી કરતી રહી છે. કોર્ટના આદેશ બાદ પણ ટ્રિપલ તલાકના મામલા ન અટકતા તેને બિનજામીનપાત્ર ગુનો બનાવવા માટે વિરોધ પ્રદર્શનો પણ યોજાયા. એ પછી કેન્દ્રની મોદી સરકારે ટ્રિપલ તલાકના મામલામાં સજાની જોગવાઇની વાત કહી. ટ્રિપલ તલાકના અપરાધ માટે ત્રણ વર્ષની સજા અને દંડની જોગવાઇ પણ કરવામાં આવી છે.

ટ્રિપલ તલાકને લઇને સરકાર અને વિપક્ષ વચ્ચે લાંબા સમયથી આક્ષેપ પ્રતિઆક્ષેપ થતા આવ્યાં છે. ભાજપનો કોંગ્રેસ ઉપર આરોપ હતો કે મહિલાઓને ન્યાય અપાવતા આ બિલનું કોંગ્રેસ સમર્થન કરતી નથી. હકીકતમાં કોંગ્રેસ ટ્રિપલ તલાક બિલની કેટલીક જોગવાઇઓમાં ફેરફાર કરાવવા ઇચ્છતી હતી. વિરોધ પક્ષોની માંગને જોતાં મોદી સરકારે આ બિલમાં કેટલાંક સંશોધન કર્યાં હતાં જે અંતર્ગત જામીન આપવાનો અધિકાર મેજિસ્ટ્રેટ પાસે રહેશે અને કોર્ટની પરવાનગીથી સમાધાન કરવાની જોગવાઇ પણ રહેશે. અગાઉ એવી જોગવાઇ હતી કે આ મામલે કોઇ પણ કેસ દાખલ કરાવી શકે એમ હતું પરંતુ સંશોધન અનુસાર પીડિતા અથવા તેના કોઇ સંબંધી જ કેસ દાખલ કરાવી શકશે. 

આ ઉપરાંત પહેલા એવી જોગવાઇ હતી કે ટ્રિપલ તલાક બિનજામીનપાત્ર અપરાધ હતો અને પોલિસ વોરંટ વિના પણ ધરપકડ કરી શકે એમ હતી પરંતુ હવે નવા સંશોધન અનુસાર મેજિસ્ટ્રેટને જામીન આપવાનો અધિકાર રહેશે. અગાઉ આવા મામલામાં સમાધાનની જોગવાઇ નહોતી જે હવે કરવામાં આવી છે. 

જોકે સરકારે બિલમાં વિપક્ષોની માંગ અનુસાર સુધારા કર્યા છતાં તેઓ આ બિલને પસાર દેવા માટે રાજી નહોતા. બીજી બાજુ સરકારની દલીલ હતી કે તમામ લોકોની ચિંતાઓ દૂર કરી દેવામાં આવી છે તો વિપક્ષે આ મુદ્દે સમર્થન આપવું જોઇએ. પરંતુ કોંગ્રેસનું વલણ જોતા સ્પષ્ટ હતું કે આ બિલ રાજ્યસભામાં આસાનીથી પસાર નહીં થાય.

ઉલ્લેખનીય છે કે છેલ્લા થોડા સમયથી ફોન, એસએમએસ, વ્હોટ્સએપ, સ્કાઇપ અને અખબારમાં જાહેરાત આપીને છૂટાછેડા આપવાના મામલા સામે આવ્યાં બાદ કારણે ટ્રિપલ તલાકનો વિરોધ કરતી ચર્ચાનો જન્મ થયો હતો.

 મામલો છેવટે દેશની સર્વોચ્ચ અદાલત સુધી પહોંચ્યો અને સરકારે પણ ટ્રિપલ તલાક ખતમ કરવા ઉપર જોર મૂક્યું. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ કહી ચૂક્યાં છે કે ટ્રિપલ તલાક મહિલાઓની જિંદગી બરબાદ કરી રહ્યાં છે. બીજી બાજુ મુસ્લિમ પર્સનલ લૉ બોર્ડ જેવા સંગઠનો આને ધાર્મિક મામલાઓમાં દખલગીરી ગણાવે છે. 

તેમ છતાં એ હકીકત છે કે દુનિયાના અનેક દેશોમાં ટ્રિપલ તલાક ઉપર પ્રતિબંધ છે પરંતુ ભારતમાં તે લાંબા સમયથી ચલણમાં રહ્યા છે. ખરું જોતાં તો ભારતનું બંધારણ એ ખાતરી આપે છે કે પ્રત્યેક સ્ત્રી-પુરુષના અધિકાર તમામ ક્ષેત્રોમાં એકસમાન રહેશે. 

હકીકતમાં ધર્મનો સંબંધ વ્યક્તિગત રીતે હોય છે. કોઇ પણ વ્યક્તિને છૂટ છે કે તે પોતાની નિષ્ઠા અને આસ્થા મુજબ કોઇ પણ ધર્મનું પાલન કરે. એનો મૂળ આશય આરાધના કરવાની પદ્ધતિ સાથે છે, સામાજિક વ્યવહારો સાથે નહીં. સમાજમાં એક મુસ્લિમ મહિલાનું પણ એ જ સ્થાન છે જે હિન્દુ મહિલાનું છે. સવાલ એ છે ધર્મ બદલાઇ જવાથી આ દરજ્જામાં અંતર કેવી રીતે આવી જાય? પરંતુ રૂઢિવાદી માનસિકતા મહિલાઓ સાથેના બેવડા ધોરણની તરફેણ કરતી આવી છે. ધાર્મિક રીતિરિવાજો કોઇ મહિલાના મૂળભૂત બંધારણીય અધિકારોને કેવી રીતે છીનવી શકે? કોઇ પણ ધર્મ કોઇ વ્યક્તિના અધિકાર ઉપર પોતાની જંજીર ન જકડી શકે.

એ જ કારણ હતું કે હિન્દુ સમાજમાં સતીપ્રથાને સમાપ્ત કરવામાં આવી. વિધવા વિવાહને માન્યતા આપવામાં આવી અને બાળવિવાહ ઉપર પણ રોક લગાવવામાં આવી. આ તમામ કૂપ્રથાઓ હતી કારણ કે તે માનવતાની વિરુદ્ધ હતી. એવો જ મામલો ટ્રિપલ તલાકનો પણ છે. સૌથી પહેલા ઇસ્લામી દેશોમાં ટ્રિપલ તલાક વિરુદ્ધ અવાજ ઉઠયો અને ત્યાં જરૂરી સંશોધનો કરવામાં આવ્યાં. 

પરંતુ જ્યારે જ્યારે ભારતમાં ટ્રિપલ તલાક વિરુદ્ધ અવાજ ઉઠયો ત્યારે ત્યારે મુસ્લિમ સંગઠનોએ તેને ઇસ્લામની આંતરિક બાબત ગણાવીને એ અવાજ દબાવવાની કોશિશ કરી. જેના પરિણામે સમસ્યા વધતી જ રહી અને પરિણામ એ આવ્યું કે ટ્રિપલ તલાક વિરુદ્ધ મુસ્લિમ મહિલાઓનો વિરોધ એક આંદોલનમાં પરિણમ્યો. 

ભારતના તમામ નાગરિકો ઉપર દંડ સંહિતા એકસમાન રીતે લાગુ પડે છે. એમાં ધર્મ આડો આવતો નથી. એનો અર્થ એ થયો કે કોઇ પણ ધર્મની વ્યક્તિ જો સમાજમાં અવ્યવસ્થા ફેલાવવાનો અપરાધ કરે તો તેને તેના ધર્મથી ઉપર ઉઠીને માત્ર ભારતીય નાગરિક ગણવામાં આવશે.

 સ્ત્રીઓ ઉપર જુલમ કરતા પુરુષોને તે કયા ધર્મનો છે એનાથી ઉપર ઉઠીને દંડ સંહિતા મુજબ સજા કરવામાં આવશે. મુસ્લિમ પુરુષ ગમે ત્યારે ત્રણ વખત તલાક બોલીને તેની પત્નીને ઘરની બહાર કાઢી મૂકી શકે છે તો સવાલ અહીંયા ધર્મ શું કહે છે એ નહીં પરંતુ દેશનો કાયદો શું કહે છે એ છે. 

સુપ્રીમ કોર્ટે પણ ટ્રિપલ તલાકને ગેરબંધારણીય ઠરાવતી વખતે કહ્યું હતું કે ભારતના બંધારણના ક્ષેત્રમાં રહીને આ નિર્ણય લેવામાં આવ્યો છે જેમાં ધાર્મિક આઝાદીની પૂરેપૂરી સ્વતંત્રતા છે અને દરેક વ્યક્તિને પોતાના ધર્મના માર્ગે ચાલવાનો સંપૂર્ણ અધિકાર છે. 

સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કહ્યું હતું કે ધાર્મિક બાબતોમાં દખલ કરવાનો તેનો કોઇ ઇરાદો નથી પરંતુ ભારતના બંધારણમાં કોઇ પણ સ્ત્રી કે પુરુષને સમાન અધિકાર મળ્યાં છે પરંતુ ધાર્મિક સ્વતંત્રતા આ અધિકારોની આડે ત્યારે આવે છે જ્યારેકોઇ ધર્મમાં સ્ત્રી-પુરુષના અધિકારોમાં સંતુલન બનાવીને રહેવાની આઝાદી નથી હોતી. એટલા માટે દેશ અને કાળ અનુસાર ધર્મમાં સંશોધન થવું જોઇએ અને તેમાં કુરિવાજોનું ચલણ બંધ થવું જોઇએ. 

પરોક્ષ રીતે સુપ્રીમ કોર્ટનું એમ પણ કહેવું હતું કે સમાજ સુધારણના પગલાં ધાર્મિક સંપ્રદાયોની અંદરથી જ શરૂ થવા જોઇએ કે જેથી તેને અનુસરતા લોકો સમય સાથે તાલ મિલાવીને ચાલી શકે. એ સાથે એ પણ વિચારવું જરૂરી છે કે ભારતીય બંધારણના મૂળ તત્ત્વો દેશના નાગરિકો ઉપર અલગ અલગ રીતે લાગુ ન થઇ શકે. બેશક ભારત વિવિધતાઓથી ભરેલો દેશ છે અને તેના નાગરિકોની સંસ્કૃતિ વિભિન્ન પરંપરાઓ અને રિવાજોથી ભરપૂર છે પરંતુ એક હકીકત એ પણ છે કે તમામ ભારતના નાગરિક છે અને સૌથી પહેલાં તો માનવી છે.

એટલા માટે બંધારણનો માનવીય પક્ષ તમામ ઉપર એક સમાન રીતે લાગુ થવો જોઇએ. ભારતના બંધારણે ધર્મને વ્યક્તિગત મામલા તરીકે સ્વીકાર્યો છે અને દરેક વ્યક્તિને પોતાની આસ્થા અનુસાર પૂજાપાઠ કે બંદગી કરવાનો અધિકાર છે. એટલું જ નહીં જે લોકો નાસ્તિક હોય તેમને પણ ભારતનું બંધારણ સંપૂર્ણ સંરક્ષણ પ્રદાન કરે છે. એનો અર્થ એ કે આપણે માનવતાને જ સર્વોપરી માની છે. 

ટ્રિપલ તલાકનો વિરોધ કરતા લોકોનું કહેવું છે કે શરીયામાં તલાક-એ-ઇદ્દત અનુસાર ત્રણ મહિનાના ગાળામાં ત્રણ વખત તલાક કહીને પત્નીને છોડવાનું વિધાન છે જે સમય જતાં તલાક-એ-બિદ્દત અર્થાત એક જ વખતમાં ત્રણ વખત તલાક બોલીને કે લખી દેવામાં ફેરવાઇ ગયું.

ટ્રિપલ તલાકે મુસ્લિમ મહિલાઓના જીવનને એ હદે દર્દનાક બનાવી દીધું કે લગ્ન થયા બાદ પણ તેના ઉપર છૂટાછેડાની તલવાર કાયમ માટે લટકતી રહી અને એ જ ડરના પડછાયા હેઠળ તેની સમગ્ર જિંદગી વ્યતિત થવા લાગી. એવામાં ટ્રિપલ તલાકને ગેરકાયદેસર ઠરાવતો કાયદો બન્યા બાદ મુસ્લિમ મહિલાઓની તેમના ઘરની અંદરની સ્થિતિ મજબૂત બનશે એમાં બેમત નથી.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો