ભૂતપૂર્વ વિદેશ પ્રધાન એસ.એમ. કૃષ્ણાના જમાઇ લાપતા થયા
નવી દિલ્હી, તા. 30 જુલાઇ 2019, મંગળવાર
કેન્દ્રના ભૂતપૂર્વ વિદેશ પ્રધાન એસ એમ કૃષ્ણાના જમાઇ અને પ્રસિદ્ધ કાફે કૉફીના માલિક સિદ્ધાર્થ સોમવાર સાંજથી ગૂમ થયા હતા. કન્નડ પોલીસ ચારેકોર તેમની તપાસ કરી રહી હતી.
સોમવારે સાંજે સિદ્ધાર્થ મેંગલોર આવી રહ્યા હતા. સાંજે લગભગ સાડા છ વાગ્યે સિદ્ધાર્થ પોતાની કારમાંથી ઊતરીને આમ તેમ ટહેલી રહ્યા હતા. ત્યારબાદ ગૂમ થયા હતા. ગૂમ થવા અગાઉ તેમણે પોતાની કંપનીના સીએફઓ (ચીફ ફાયનાન્સ ઑફિસર) સાથે ફોન પર વાતચીત કરી હતી. ત્યારબાદ તેમનો ફોન સ્વીચ ઑફ થઇ ગયો હતો. કાફે કૉફી પર 7,000 કરોડની લોન બલે છે. પોલીસને એવી શંકા હતી કે લોનની રકમ પોતે ભરી નહીં શકે એવા ડરથી સિદ્ધાર્થે આત્મહત્યા કરી લીધી હશે.
મેંગલોરના પોલીસ કમિશનર સંદીપ પાટિલે કહ્યું હતુ્ં કે પોતે સકલેશપુર જઇ રહ્યા છે એમ સિદ્ધાર્થે જતી વખતે કહ્યું હતું. જો કે અડધે રસ્તે તેમણે ડ્રાઇવરને મેંગલોર તરફ કાર લેવાનું સૂચવ્યું હતું. કાર નેત્રાવતી નદીના પુલ પર આવી ત્યારે સિદ્ધાર્થ કારમાંથી ઊતરી ગયા હતા અને ડ્રાઇવરને પાછા જવાની સૂચના આપી હતી. એમનો મોબાઇલ ફોન સ્વીચ ઑફ આવે છે. પોલીસ ડૂબકીમારોની મદદથી નેત્રાવતી નદીમાં તપાસ કરી રહી છે.
Comments
Post a Comment