આસામ, બિહાર સહિત રાજસ્થાનમાં પૂરની તબાહી : દેશભરમાં 15ના મોત


નવી દિલ્હી, તા. 28 જુલાઇ, 2019, રવિવાર

દેશભરના વિવિધ વિસ્તારોમાં પૂરની સ્થિતિ હજુ પણ યથાવત છે. ભારે વરસાદ અને પૂરના કારણે કુલ ૧૫ લોકોએ જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. ઉત્તરપૂર્વમાં આસામ અને બિહારના વિસ્તારો હજુ પણ પાણીમાં ડૂબેલા છે. તો આ બાજુ રાજસ્થાનમાં વરસાદે તબાહી મચાવી છે. મધ્ય પ્રદેશ, જમ્મુ કાશ્મીર અને ઉત્તરાખંડમાં પણ ભારે વરસાદને કારણે પૂરની સ્થિતિ સર્જાઇ છે. 

રાજસ્થાનના કોટામાં રવિવારે ૧૫૧.૮ મીમી વરસાદ પડતાં જળબંબાકાર થયો હતો. રાજસ્થાનના વિવિધ વિસ્તારોમાં વરસાદના કારણે નવ લોકોના મોત થયા છે. રાજસ્થાનના કોટા, ચિતોડગઢ, ભિલવાડા વગેરે વિસ્તારો ટાપુમાં ફેરવાયા હતાં. નીચાણવાળા વિસ્તારોમાં ફસાયેલા લોકોને બચાવવા રેસ્ક્યુ ઓપરેશન કરવામાં આવ્યુ હતું.

તો આ બાજુ મધ્યપ્રદેશના શિહોર જિલ્લામાં ૧૦ વર્ષના બાળકનું ડૂબવાના કારણે મોત થયું છે. જમ્મુ અને કાશ્મીરમાં સતત પડી રહેલા ભારે વરસાદને કારણે અમરનાથ યાત્રા રોકવાની ફરજ પડી છે. ઉત્તરાખંડમાં ઋષિકેશ-ગંગોત્રી માર્ગ પર ભૂસ્ખલનમાં એક ગાડી ઝપટમાં આવી ગઇ હતી. નેશનલ હાઇવે ૯૪ પર  થયેલા આ ભૂસ્ખલનમાં ચાર લોકોના મોત થયા છે.

ભારે વરસાદને કારણે આ વિસ્તારમાં સતત ભૂસ્ખલન થઇ રહ્યું છે. આસામ અને બિહારમાં તો લગભગ ૨૦થી ૨૫ દિવસથી સર્જાયેલી ભયંકર પૂરની સ્થિતિ યથાવત છે. જેમાં અત્યાર સુધી ૨૦૯ લોકોનો જીવ ગયો છે. ત્યારે આસામના બારપેટા જિલ્લામાં ભારે વરસાદને કારણે વધુ એક મોત થયું છે. આસામના ૨૧ લાખ અને બિહારના ૮૫ લાખ લોકોને પૂરની અસર થઇ છે.

હવામાન વિભાગ દ્વારા આજે ગુજરાત અને મહારાષ્ટ્રમાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેના પગલે બંને રાજ્યોમાં એનડીઆરએફની ટિમોને એલર્ટ પર રાખવામાં આવી છે. મહારાષ્ટ્રના નાસિકમાં પાછલા ચાર દિવસથી પડી રહેલા વરસાદને કારણે ત્યાં આવેલો ગંગપુર ડેમ ૭૪ ટકા જેટલો ભરાઇ ગયો છે. ત્યારે હવે ભારે વરસાદ પડે તો મોટી સમસ્યા સર્જાવાના એંધાણ છે. તો હવામાન વિભાગે બંગાળની ખાડીમાં પ્રેશર સર્જાવાના કારણે ઓરિસ્સામાં પણ એક અઠવાડિયા સુધી સારા વરસાદની આગાહી આપી છે.

ઉલ્હાસ નદીના પૂરમાં ફાર્મની 18 ગાયોનાં મોત

(પ્રતિનિધિ દ્વારા) કલ્યાણ તા. 28 જુલાઇ, 2019, રવિવાર

અહીના મુરબાડ રોડ પર આવેલા રાયતા ગામના કેડીયા ફાર્મ હાઉસમાં બાંધેલી ૧૮ જેટલી ગાયો ઉલ્હાસનદીમાં આવેલા પુરને કારણે મૃત્યું પામ્યાની ઘટના બની છે. આજે જ્યારે પુરના પાણી ઓછરતાં ફાર્મના માલિકએ મૃત ગાયોને હટાવવાની કામગીરી હાથ ધરી છે. ગઇકાલે રાત્રે આવેલા ઉલ્હાસનદીમાંના પુરને કારણે નદીના કાંઠા નજીક આવેલ કેડીયા ફાર્મમાં ૩૬ જેટલી ગાયો હતી અને રાત્રીના સમયે નદીમાં પાણી વધતાં કહેવાય છે કે ફાર્મમાં કામ કરતા લોકો જીવ બચાવવા ત્યાંથી ચાલ્યા ગયા હતા અને ગાયોને ખીલે બાંધેલી હતી. આજે સવારે જ્યારે પુરનું પાણી ઓસર્યું ત્યારે ૧૮ જેટલી ગાયો મૃત હાલતમાં મળી આવી છે બાકીની ગાયો પાણીમાં તણાઇ છે કે બચીગઇ છે તેની ભાળ મલી નથી.

કલ્યાણથી મુરબાડ જનારા રસ્તામાં રાયતા અને પાંજરાપોળ વચ્ચેના પુલની પાંજરાપોળ તરફનો ભાગ ધોવાઇ જવાથી રસ્તો ખોલી શકાયો નથી તેથી મુરબાડ જવા  અને આવવા માટે લોકોને ટિટવાળા માર્ગે જવુ પડે છે. પુરના પાણીને લીધે ભાતની ખેતીનું અને શાકભાજીના વાવેતરનું ધોવાણ થઇ ખેડૂતોનું ભારે નુકસાન થયું છે. મુંબઇ પાંજરાપોળની રાયતા શાખાએ નદીમાં પુરની સપાટી વધતાં ખબરદારી લઇ નિચેની ગૌશાળાને ઉપર ટેકરાની ગૌશાળામાં સિફ્ટ કરાતાં પાંજરાપોળને કોઇ નુકસાન થયું નથી તેવું ત્યાંના મેનેજર જણાવે છે.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો