શેરબજારમાં કડાકો : રોકાણકારોએ રૂ. 4.83 લાખ કરોડ ગુમાવ્યા
વિવિધ દેશોમાં કોરોનાએ માથું ઉંચકતા વૈશ્વિક અર્થતંત્રની વૃદ્ધિ રૂંધાવાની ભીતિ
સેન્સેક્સ 1158 પોઈન્ટ ઘટી 60,000 અને નિફટી 354 પોઈન્ટ તૂટી 18,000ની સપાટીથી નીચે ઉતર્યા
વિદેશી રોકાણકારોની રૂા. 3818 કરોડની વેચવાલી : સેન્સેક્સ 59984, નિફટી 17857
અમદાવાદ : સ્થાનિક તેમજ વૈશ્વિક સ્તરના પ્રતિકૂળ અહેવાલો પાછળ ભારતીય શેરબજારમાં ચોમેરથી આવેલ વેચવાલીના ભારે દબાણ પાછળ શેરોની જોતજોતામાં ગાબડા નોંધાતા દિવાળીના તહેવારો પૂર્વે બજારમાં માતમ છવાઈ જવા પામ્યો હતો ભારે વેચવાલીના દબાણે આજે સેન્સેક્સે 60000 અને નિફટીએ 18000 પોઈન્ટની મહત્ત્વની સપાટીઓ ગુમાવી દીધી હતી. તેની સાથોસાથ રોકાણકારોની સંપત્તિમાં એક જ દિવસમાં રૂા. 4.83 લાખ કરોડનું ધોવાણ થવા પામ્યું હતું.
વિશ્વના અનેક દેશોમાં કોરોનાએ ફરી માથું ઊંચક્યું છે. જેમાં રશીયા અને ચીનમાં પુન: લોકડાઉનનો અમલ કરાયો છે. તો બીજી તરફ યુરોપના દેશોમાં કેસોમાં વધારો નોંધાતા વૈશ્વિક અર્થતંત્રની વૃદ્ધિ રૂંધાવાની ભીતિ ઉદ્ભવી છે. યુરોપીયન સેન્ટ્રલ બેંકની બેઠક પૂર્વે આજે એશિયાઈ અને યુરોપીયન બજારો તૂટયા હતા. દરમિયાન મોર્ગન સ્ટેન્લીએ ભારતીય ઇક્વિટીને ડાઉન ગ્રેડ કર્યાના અહેવાલોની પણ પ્રતિકૂળ અસર હતી.
તો બીજી તરફ ઘરઆંગણે રિઝર્વ બેંક દ્વારા બજારમાંથી લિક્વિડીટી પાછી ખેંચવાનો રજૂ કરાયેલ સંકેત, પેટ્રોલ-ડીઝલના ભાવમાં સતત વધારા પાછળ મોંઘવારીમાં વૃદ્ધિ, તેમજ તાજેતરમાં આગેવાન કંપનીઓ દ્વારા જાહેર કરાયેલા નબળા પરિણામો સહિતના અન્ય પ્રતિકૂળ અહેવાલોની બજાર પર નેગેટીવ અસર જોવા મળી છે.
આ અહેવાલો પાછળ મુંબઈ શેરબજાર ખાતે આજે કામકાજનો પ્રારંભ નીચા મથાળે થયા બાદ ચોમેરની વેચવાલી પાછળ સેન્સેક્સ ઇન્ટ્રાડે 60,000ની સપાટી ગુમાવી 59777 સુધી પટકાયા બાદ છેલ્લે બાઉન્સ બેક થઈ કામકાજના અંતે 1158.63 પોઈન્ટ તૂટી 59984.70ના મથાળે ઊતરી આવ્યો હતો.
એનએસઈ ખાતે પણ આજે કામકાજનો પ્રારંભ નીચા મથાળે થયા બાદ ચોમેરની વેચવાલી પાછળ નિફટી ઇન્ટ્રાડે 18000ની સપાટી ગુમાવીને 17799ના તળિયે પટકાયા બાદ કામકાજના અંતે 353.70 પોઈન્ટ તૂટીને 17857.25ની સપાટીએ નરમ રહ્યો હતો. સેન્સેક્સમાં બોલેલા કડાકાના પગલે આજે એક જ દિવસમાં રોકાણકારોની સંપત્તિમાં (બીએસઈ માર્કેટ કેપ) રૂા. 4.83 લાખ કરોડનું ધોવાણ થતાં કામકાજના અંતે રૂા. 260.48 લાખ કરોડ રહ્યું હતું. વિદેશી રોકાણકારોએ આજે રૂા. 3818 કરોડની વેચવાલી હાથ ધરી હતી.
દિવાળી પૂર્વે IPOના ઘોડાપૂરની બજાર પર અસર
શેરબજારના આજના કડાકા પાછળ આઇપીઓનું ઘોડાપુર પણ જવાબદાર છે. ઉપલબ્ધ ડેટા મુજબ આગામી તા. 11 નવેમ્બર સુધી દસેક કંપનીના આઇપીઓ બજારમાં આવનાર છે. જેમાં જાણીતી કંપનીઓ સામેલ છે. આ આઇપીઓમાં રોકાણ કરવા આજે રીટેલ રોકાણકારો દ્વારા પણ કેશ સેગમેન્ટમાં મોટાપાયે વેચવાલી હાથ ધરાઈ હતી. આમ, આઇપીઓના ઘોડાપૂરની પણ બજાર પર અસર જોવા મળી હતી.
Comments
Post a Comment