જો તાલિબાને ભારત તરફ જોયું તો એર સ્ટ્રાઈક તૈયાર રહેશેઃ CM યોગી
- વિપક્ષને ડર છે કે મહારાજ સુહેલદેવને યાદ કરવાથી લોકો મોહમ્મદ ઘોરી અને ગાજી જેવા ઘૂસણખોરોને ભૂલી જશે
નવી દિલ્હી, તા. 01 નવેમ્બર, 2021, સોમવાર
ઉત્તર પ્રદેશની ચૂંટણીમાં અફઘાનિસ્તાન અને તાલિબાનનો મુદ્દો ઉઠાવવામાં આવી રહ્યો છે. પાકિસ્તાન અને તેના આતંકવાદી કનેક્શન અંગે પણ વાત થઈ રહી છે. આ મુદ્દે સૌથી વધારે નિવેદનો ભાજપ તરફથી આવી રહ્યા છે. હવે ફરી એક વખત મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે તાલિબાનનો ઉલ્લેખ કર્યો છે. એક કાર્યક્રમ દરમિયાન તેમણે તાલિબાનને ખુલ્લો પડકાર ફેંક્યો હતો.
સામાજીક પ્રતિનિધિ સંમેલનમાં પોતાના સંબોધન દરમિયાન યોગી આદિત્યનાથે પાકિસ્તાન અને તાલિબાનનો ઉલ્લેખ કર્યો હતો. સીએમ યોગીએ ભાર આપીને કહ્યું હતું કે, તાલિબાન જેવા સંગઠનો ભારત તરફ આંખ ઉઠાવીને નથી જોઈ શકતા. તેમના મતે જો આવી હિંમત પણ કરવામાં આવશે તો ઉચિત જવાબ આપવામાં આવશે.
યોગી આદિત્યનાથે કહ્યું હતું કે, આજે પીએમ મોદીની લીડરશિપમાં દેશ મજબૂત બની રહ્યો છે, શક્તિશાળી બની રહ્યો છે. તેમના રહેતા કોઈ પણ દેશ ભારત તરફ આંખ ઉઠાવીને ન જોઈ શકે. આજના સમયમાં પાકિસ્તાન અને અફઘાનિસ્તાન તાલિબાનના કારણે પરેશાન થઈ ગયા છે. પરંતુ તાલિબાન જાણે છે કે, જો તેણે ભારત તરફ મોઢું કર્યું તો એર સ્ટ્રાઈક તેની રાહ જોશે.
આ ઉપરાંત તેમણે મહારાજા સુહેલદેવને યાદ કરતા કહ્યું કે, ભાજપ સરકારે તેમના નામે મેડિકલ કોલેજ ખોલી છે પરંતુ વિપક્ષ તેમને એટલા માટે સન્માન નથી આપતું કારણ કે, તેમને ડર છે કે તેનાથી લોકો મોહમ્મદ ઘોરી અને ગાજી જેવા ઘૂસણખોરોને ભૂલી જશે.
Comments
Post a Comment