હરિયાણાઃ બહાદુરગઢ ખાતે પૂરપાટ ઝડપે ધસી આવેલા ટ્રકે મહિલા ખેડૂત પ્રદર્શનકારીઓને કચડ્યા, 3ના મોત
- મૃતક આંદોલનકારી મહિલાઓ રોટેશન અંતર્ગત પોતાના ઘરે જઈ રહી હતી પરંતુ અકસ્માતનો ભોગ બની હતી
નવી દિલ્હી, તા. 28 ઓક્ટોબર, 2021, ગુરૂવાર
હરિયાણાના બહાદુરગઢ ખાતે સવાર-સવારમાં એક ભારે મોટી દુર્ઘટના સર્જાઈ હતી જેમાં પૂરપાટ ઝડપે ધસી આવેલા એક ટ્રકે મહિલા ખેડૂત પ્રદર્શનકારીઓને કચડી નાખ્યા હતા. આ દુર્ઘટનામાં 3 આધેડ મહિલાઓના મોત થયા છે અને અન્ય 3ની સ્થિતિ ગંભીર હોવાનું જણાવવામાં આવ્યું છે. ઘટના સ્થળે પહોંચેલી પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી દીધી છે.
જાણવા મળ્યા મુજબ સવારે 6:30 વાગ્યા આસપાસના સમયે ઝજ્જર રોડ પર આ અકસ્માત થયો હતો. આધેડ મહિલાઓ ડિવાઈડર પર બેઠેલી હતી તે સમયે અચાનક જ એક ટ્રક તેમના પર ફરી વળ્યો હતો. આ કારણે બે મહિલાઓના ઘટના સ્થળે જ મોત થયા હતા જ્યારે અન્ય એક મહિલાએ હોસ્પિટલમાં દમ તોડી દીધો હતો. તે સિવાય અન્ય 3 મહિલાઓની સ્થિતિ ખૂબ જ ગંભીર છે.
તે મહિલાઓ ખેડૂત આંદોલનમાં સામેલ હતી અને મૃતક મહિલાઓ પંજાબના માનસા જિલ્લાની રહેવાસી હતી. તેઓ વહેલી સવારે ઘરે જવા માટે ઓટોની રાહ જોતાં ડિવાઈડર પર બેઠા હતા તે સમયે ઝજ્જર રોડ પર ફ્લાઈઓવરની નીચે એક ટ્રકે તેમને કચડી નાખ્યા હતા. આ દુર્ઘટના બાદ તે વિસ્તારમાં ભારે હડકંપ મચ્યો છે.
હકીકતે કેન્દ્ર સરકારના 3 કૃષિ કાયદાઓ વિરૂદ્ધ નવેમ્બર 2020થી દિલ્હીની સરહદોએ ખેડૂત આંદોલન ચાલી રહ્યું છે. મૃતક મહિલાઓ પણ આ આંદોલન સાથે સંકળાયેલી હતી. તેઓ રોટેશન અંતર્ગત પોતાના ઘરે જઈ રહી હતી પરંતુ અકસ્માતનો ભોગ બની હતી.
Comments
Post a Comment