આર્યન ડ્રગ કેસમાં સાક્ષી કિરણ ગોસાવીની ધરપકડ, પુણે પોલીસે છેતરપિંડી કેસમાં ઝડપ્યો
- ગોસાવીએ પોતાની ધરપકડ પહેલા એક વીડિયો બહાર પાડીને પ્રભાકર પર આરોપો લગાવ્યા હતા
નવી દિલ્હી, તા. 28 ઓક્ટોબર, 2021, ગુરૂવાર
મુંબઈ ક્રૂઝ ડ્રગ્સ કેસમાં નારકોટિક્સ કંટ્રોલ બ્યુરો (એનસીબી)ના વિવાદિત સાક્ષી કિરણ ગોસાવીની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. પુણે પોલીસે ગોસાવીની ધરપકડની પૃષ્ટિ કરી છે. ગોસાવી વિરૂદ્ધ છેતરપિંડીના અનેક કેસ નોંધાયેલા છે અને તે પૈકીના એક કેસ મામલે પોલીસને તેની તલાશ હતી. પુણે પોલીસના કહેવા પ્રમાણે મોડી રાતે ગોસાવીની ધરપકડ કરવામાં આવી હતી.
પુણેના ફરસખાના થાણામાં ગોસાવી વિરૂદ્ધ છેતરપિંડીનો કેસ નોંધાયેલો છે અને આ કેસ 2018ના વર્ષનો છે. તેના વિરૂદ્ધ લુક આઉટ નોટિસ પણ જાહેર કરવામાં આવી હતી અને તે અનેક દિવસોથી ફરાર હતો. ગોસાવીને પકડવા માટે પુણે પોલીસની બે ટીમને યુપી મોકલવામાં આવી હતી.
પોલીસના કહેવા પ્રમાણે 2018ના વર્ષમાં કિરણ ગોસાવી અને શેરબાનો કુરૈશીએ પુણેના ચિન્મય દેશમુખ નામના એક યુવકને મલેશિયામાં નોકરી અપાવવાની લાલચ આપી હતી. આ રીતે તેમણે યુવક પાસેથી 3 લાખ રૂપિયાની ઠગાઈ કરી હતી. પોલીસે આ મામલે શેરબાનો કુરૈશીની મુંબઈ ખાતેથી અગાઉ ધરપકડ કરેલી છે અને હવે ગોસાવીની પણ ધરપકડ કરી દેવાઈ છે.
કિરણ ગોસાવી આર્યન ખાન સાથે સેલ્ફી લઈને ચર્ચામાં આવ્યો હતો. ગોસાવી આર્યન કેસમાં એનસીબીનો સાક્ષી પણ છે. ક્રૂઝ ડ્રગ્સ કેસમાં પ્રભાકર સૈલે આરોપ લગાવ્યો છે કે, આર્યન ખાનને છોડવા માટે ગોસાવીએ 25 કરોડ રૂપિયાની ડીલ કરી હતી. પ્રભાકર ગોસાવીનો બોડીગાર્ડ રહી ચુક્યો છે. આ તરફ ગોસાવીએ પોતાની ધરપકડ પહેલા એક વીડિયો બહાર પાડીને પ્રભાકર પર આરોપો લગાવ્યા છે. વીડિયોમાં ગોસાવીએ કહ્યું હતું કે, પ્રભાકરને છેલ્લા 5 દિવસમાં કેટલી ઓફર મળી છે તે તેના મોબાઈલ રેકોર્ડથી ખબર પડી જશે.
Comments
Post a Comment