દિલ્હીની સરહદો ખેડૂતોએ બેરિકેડ્સ મૂકી ફરી બંધ કરી


નવી દિલ્હી, તા.૩૦
કેન્દ્ર સરકારના ત્રણ કૃષિ કાયદાના વિરોધમાં દિલ્હીની ટીકરી અને ગાઝીપુર સરહદો ખોલી નાંખવાના મુદ્દે શનિવારે સાંજે નવો વળાંક આવ્યો છે. દિલ્હીની સરહદો ખોલી નાંખવાના સુપ્રીમ કોર્ટના આદેશ પછી દિલ્હી પોલીસે શનિવારે સવાર સુધીમાં ટિકરી અને ગાઝીપુર સરહદો પરથી સિમેન્ટના બેરિકેડ્સ, કાંટાળી તારની વાડ અને રસ્તા પર લગાવેલા ખીલ્લા સહિતના અવરોધો દૂર કરી દીધા હતા અને નાના વાહનોનો પરિવહન શરૂ કર્યો હતો. પરંતુ સાંજ સુધીમાં અચાનક ખેડૂતોએ આ રસ્તાઓ પર બેરિકેડ્સ મૂકી રસ્તા બંધ કરી દીધા હતા. સંયુક્ત કિસાન મોરચાએ એવી પણ જાહેરાત કરી કે, કેન્દ્ર સરકાર કૃષિ કાયદા પાછા ન ખેંચે ત્યાં સુધી દિલ્હીની સરહદો ખોલવામાં નહીં આવે અને ધરણા ચાલુ રહેશે.
 સુપ્રીમ કોર્ટે ખેડૂત નેતાઓની ઝાટકણી કાઢ્યા પછી અંતે પોલીસે શુક્રવારે ગાઝીપુર સરહદે દિલ્હી-મેરઠ એક્સપ્રેસ વેના એક કેરેજ વે પરથી અને શનિવારે સવાર સુધીમાં ટીકરી બોર્ડર પરથી સિમેન્ટના બેરિકેડ્સ, કાંટાળી તારની વાડ અને રસ્તા પર લગાવેલા ખીલ્લા સહિતના અવરોધો દૂર કરી દીધા હતા. આ અંગેની તસવીરો મીડિયા અને ઈન્ટરનેટ પર વાઈરલ થઈ હતી. આ સમયે સંયુક્ત કિસાન મોરચા સહિત તમામ ખેડૂત સંગઠનોએ કશું જ કહ્યું નહોતું. જોકે, ટીકરી સરહદે પોલીસે બેરિકેડ્સ દૂર કર્યા પછી ખેડૂત સંગઠનો સક્રિય થયા અને લોખંડના બેરિકેડ લગાવીને પોતે જ બંને જગ્યાઓ પર રસ્તા બંધ કરી દીધા. આ સાથે જ તેમણે એવી પણ જાહેરાત કરી કે કેન્દ્ર સરકાર કૃષિ કાયદાઓ પાછા ન ખેંચે અને ખેડૂતોનું આંદોલન પૂરું થયા પછી જ દિલ્હીની બધી જ સરહદો ખૂલશે.
અગાઉ ગાઝીપુર અને ટીકરી સરહદે અવરોધો દૂર કરાયા પછી અંતે ૧૧ મહિને રસ્તાઓ ખુલતા સ્થાનિક લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. ખેડૂત નેતાઓ અને પોલીસ વચ્ચેની બેઠક પછી ટિકરી સરહદેથી પોલીસે સિમેન્ટના બેરીકેડ્સ સહિતના અવરોધો દૂર કર્યા હતા. દિલ્હીની સરહદો પર ખેડૂત નેતાઓએ આ રસ્તાઓ પર ટુ-વ્હિલર, થ્રી-વ્હિલર અને ફોર વ્હિલર જેવા નાના વાહનોને જવાની છૂટ આપી છે.  નાયબ પોલીસ કમિશનર (આઉટર) પરવિંદર સિંહે જણાવ્યું હતું કે, ખેડૂત નેતાઓ સાથેની બેઠક પછી સિમેન્ટના બેરીકેડ્સ, લોખંડના ખીલ્લા અને કાંટાળી તારની વાડ સહિતના અવરોધો દૂર કરાયા પછી દિલ્હીથી હરિયાણા તરફ જતો રસ્તો ખોલવામાં આવ્યો છે અને અહીં ટ્રાફિક હિલચાલ શરૂ થઈ ગઈ છે.
તેમણે ઉમેર્યું કે, ખેડૂત નેતાઓનું કહેવું છે કે ટુ-વ્હિલર, થ્રી-વ્હિલર અને ફોર વ્હિલર સહિત નાના વાહનોના ટ્રાફિકને સવારે ૭થી રાતે ૮ વાગ્યાના સમય માટે જ આ માર્ગ પરથી પસાર થવાની મંજૂરી અપાશે. જોકે, અમે ૨૪ કલાક માટે આ માર્ગ ખોલી નાંખ્યો છે. આ રસ્તા પરથી નાના વાહનો સાથે લોકો પસાર થઈ શકશે.
ટિકરી સરહદ ખૂલતા બહાદુરગઢ અને દિલ્હીના હજારો વાહનચાલકો તેમજ હરિયાણાથી દિલ્હી અને રાજસ્થાન વચ્ચે પરિવહન કરનારા હજારો લોકોને રાહત મળશે. પોલીસે નેશનલ હાઈવે-૯ દિલ્હી-મેરઠ એક્સપ્રેસ વે ફ્લાય ઓવર પરથી મોટાભાગના અવરોધો હટાવી લીધા હતા, પરંતુ દેખાવકારોના ટેન્ટ અને અન્ય કામચલાઉ સ્ટ્રક્ચર હજી પણ યથાવત્ છે.
બીકેયુના નેતા રાકેશ ટિકૈતે જણાવ્યું હતું કે, આંદોલનના ભાવી કાર્યક્રમો ખેડૂત સંગઠનની સર્વોચ્ચ સંસ્થા સંયુક્ત કિસાન મોરચા દ્વારા નક્કી કરાશે. જોકે, કેટલાક ખેડૂત નેતાઓએ જણાવ્યું હતું કે, દિલ્હીની સરહદો પરના અવરોધો સંપૂર્ણપણે દૂર થઈ જાય એટલે ખેડૂતો ટ્રેક્ટર લઈને દિલ્હી જવા માગે છે. આ સાથે તેમણે કેન્દ્ર સરકાર સાથે વાટાઘાટોનો માર્ગ ખૂલ્લો હોવાનું જણાવ્યું હતું. બીકેયુના પ્રવક્તા સૌરભ ઉપાધ્યાયે જણાવ્યું કે, સરકાર મડાગાંઠનો ઉકેલ લાવવા માગતી હોય તો તેણે ખેડૂતો સાથે ચર્ચા કરવી જોઈએ અને અમે તેના માટે તૈયાર છીએ. પરંતુ તે ખેડૂતોનું આંદોલન ચાલુ રાખવા માગતી હોય તો અમે વધુ લાંબો સમય તેના માટે પણ તૈયાર છીએ. આ આંદોલનને ૧૧ મહિના થઈ ગયા છે.
સુપ્રીમ કોર્ટે ૨૧મી ઑક્ટોબરે દિલ્હીની સરહદે આંદોલન કરી રહેલા ખેડૂતોને જણાવ્યું હતું કે તેમને આંદોલનનો અધિકાર છે, પરંતુ તેઓ અનિશ્ચિત સમય સુધી રસ્તાઓ બ્લોક કરી શકે નહીં. આ સાથે સુપ્રીમ કોર્ટે ખેડૂત નેતાઓ અને પોલીસને રસ્તા પરના અવરોધો દૂર કરવા નિર્દેશ આપ્યા હતા.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો