કુલ્લુના મલાણા ગામ ખાતે આગનું તાંડવ, એક ડઝન કરતા વધારે મકાનો બળીને રાખ, એક ઘાયલ
- અગાઉ પણ મલાણા ખાતે આશરે 100 ઘરો સળગીને રાખ થઈ ગયા હતા
નવી દિલ્હી, તા. 27 ઓક્ટોબર, 2021, બુધવાર
વિશ્વની સૌથી પ્રાચીન લોકશાહીવાળું મલાણા ગામ બુધવારે સવારના સમયે આગની લપેટમાં આવી ગયું હતું. હિમાચલ પ્રદેશના કુલ્લુમાં વસેલા આ ગામમાં 12થી 15 મકાનો સળગી ગયા હોવાની અને એક વ્યક્તિ ઘાયલ થઈ હોવાની સૂચના મળી છે. મલાણા પંચાયતના પ્રધાન રાજૂ રામે ભીષણ અગ્નિકાંડમાં 25થી 30 ઘર સળગી ગયા હોવાની માહિતી આપી હતી.
બુધવારે સવારે 3:30 કલાકે ગામમાં આગ ફાટી નીકળવાના કારણે અફરા તફરી મચી ગઈ હતી. અગ્નિની જ્વાળાઓએ ભયાનક સ્વરૂપ ધારણ કરતા અનેક મકાનો તેની લપેટમાં આવી ગયા હતા. આખી રાત મકાનોને આગથી બચાવવાનો પ્રયત્ન ચાલ્યો હતો. આ દુર્ઘટનામાં કરોડો રૂપિયાનું નુકસાન થયું છે.
હિમાચલ પ્રદેશ સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરના કહેવા પ્રમાણે 12થી 15 ઘર સળગીને સંપૂર્ણપણે રાખ થઈ ગયા છે અને એક વ્યક્તિ ઘાયલ થઈ ગઈ છે. પીડિત પરિવારોને રાહત સામગ્રી વિતરિત કરવામાં આવી છે.
અગાઉ પણ મલાણા ખાતે આશરે 100 ઘરો સળગીને રાખ થઈ ગયા હતા. આગ લાગવાની દુર્ઘટના બાદ જિલ્લા પ્રશાસનની એક ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. જોકે હજુ સુધી આગ લાગવાનું ચોક્કસ કારણ સામે નથી આવ્યું પરંતુ નુકસાનનું આકલન હાથ ધરવામાં આવ્યું છે.
Comments
Post a Comment