'જશ્ન-એ-રિવાજ' એડ વિવાદ મુદ્દે જાવેદ અખ્તરે કહ્યું- વિજ્ઞાપન પર સવાલ ઉઠાવવો પાગલપન છે
- યુઝર્સે જ્યારે ફેબઈન્ડિયાની આ એડ મુદ્દે સોશિયલ મીડિયા પર હોબાળો શરૂ કર્યો ત્યારે કંપનીએ તેને ડીલિટ કરી દીધી હતી
નવી દિલ્હી, તા. 29 ઓક્ટોબર, 2021, શુક્રવાર
સોશિયલ મીડિયા એક એવી જગ્યા છે જ્યાં સૌ કોઈ પોતાનું મંતવ્ય રજૂ કરવા માટે સ્વતંત્ર છે. તાજેતરમાં જ ફેબઈન્ડિયાની દિવાળી એડને લઈ ચર્ચા જાગી છે. યુઝર્સને આ એડના ઉર્દુ શબ્દ 'જશ્ન-એ-રિવાજ' સામે વાંધો હતો. કેટલાક લોકોના કહેવા પ્રમાણે દિવાળીના ફેસ્ટિવ કલેક્શનને 'જશ્ન-એ-રિવાજ' નામ શા માટે આપવામાં આવ્યું જ્યારે તે હિંદુઓનો તહેવાર છે. જાવેદ અખ્તરે આ મુદ્દે મૌનભંગ કરીને પોતાનું મંતવ્ય રજૂ કર્યું છે. ઉલ્લેખનીય છે કે, જાવેદ અખ્તર હંમેશા દરેક મુદ્દે પોતાનો પક્ષ રજૂ કરતા જોવા મળે છે.
જાવેદ અખ્તરે ટ્વિટમાં લખ્યું હતું કે, 'મને નથી સમજાઈ રહ્યું કે, ફેબઈન્ડિયાના જશ્ન-એ-રિવાજ સામે આખરે કેમ આટલો વાંધો છે. આ ઉર્દુ શબ્દને જો આપણે અંગ્રેજીમાં ટ્રાન્સલેટ કરીએ તો તેનો અર્થ થાય છે પરંપરાગત સેલિબ્રેશન. કોઈને આનાથી કઈ રીતે વાંધો હોઈ શકે, આ ખૂબ ક્રેઝી દેખાઈ રહ્યું છે.' ઉલ્લેખનીય છે કે, યુઝર્સે જ્યારે ફેબઈન્ડિયાની આ એડ મુદ્દે સોશિયલ મીડિયા પર હોબાળો શરૂ કર્યો ત્યારે કંપનીએ તેને ડીલિટ કરી દીધી હતી.
I failed to understand why some people have any problem with FabIndia’s Jashn- e- Riwaj . Which in English means nothing but “ a celebration of tradition” how and why anybody can have problem with that . It is crazy .
— Javed Akhtar (@Javedakhtarjadu) October 28, 2021
ભારતીય જનતા પાર્ટી અને રાઈટ વિંગના અનેક ગ્રુપ્સે પણ આના પર કોમેન્ટ્સ કરી હતી. કંપનીએ એડ હટાવ્યા બાદ વિવાદ મુદ્દે કહ્યું હતું કે, ફેબઈન્ડિયામાં તેઓ હંમેશા ભારત અને તેની અસંખ્ય પરંપરાઓ સેલિબ્રેટ કરે છે. સત્ય એ છે કે, અમારી ટેગલાઈન જ છે ફેબઈન્ડિયા-સેલિબ્રેટ ઈન્ડિયા. હકીકતે જશ્ન-એ-રિવાજ અંતર્ગત જે પણ પ્રોડક્ટ્સ આવી છે તે ભારતીય પરંપરાઓનું સેલિબ્રેશન છે. આ દિવાળી કલેક્શન નથી.
Comments
Post a Comment