મિશન UP: પ્રિયંકા ગાંધી ટ્રેન દ્વારા બુંદેલખંડ પ્રવાસે નીકળ્યા, લખનૌ સ્ટેશન પર કુલીઓ સાથે મુલાકાત
- પ્રિયંકા ગાંધીએ તેમને (કુલીઓને) પોતાની સરકાર રચાશે તો તમામ સંભવિત મદદ કરવાનો વિશ્વાસ આપ્યો હતો
નવી દિલ્હી, તા. 29 ઓક્ટોબર, 2021, શુક્રવાર
આગામી વિધાનસભા ચૂંટણીને લઈ કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી ખૂબ જ સક્રિય બની ગયા છે. તેઓ પોતાના રાજકીય કાર્યક્રમો દરમિયાન સમાજના દરેક વર્ગની મુલાકાત લઈને તેમની હાલચાલ જાણવા પ્રયત્ન કરી રહ્યા છે. બારાબંકી ખાતે તેમણે ખેતરમાં મહિલા ખેડૂતોની મુલાકાત લીધી હતી. ત્યારે હવે લખનૌના ચારબાગ સ્ટેશન પર તેમણે કુલીઓના એક સમૂહની મુલાકાત લીધી હતી.
પ્રિયંકા ગાંધી લખનૌથી ટ્રેન દ્વારા લલિતપુર પહોંચ્યા હતા. તેના પહેલા તેમણે લખનૌના ચારબાગ રેલવે સ્ટેશન પર કુલીઓના એક ગ્રુપની મુલાકાત લીધી હતી. આ દરમિયાન તેમણે સૌની ખબર પુછી હતી. કુલીઓએ પ્રિયંકા ગાંધીને પોતાના નિર્વાહ સંબંધી મુશ્કેલીઓ જણાવી હતી અને સાથે જ લોકડાઉન દરમિયાન સ્ટેશન બંધ હોવાથી તેમને જે આર્થિક અસર પહોંચી તેની જાણકારી પણ આપી હતી. પ્રિયંકા ગાંધીએ તેમને પોતાની સરકાર રચાશે તો તમામ સંભવિત મદદ કરવાનો વિશ્વાસ આપ્યો હતો.
પ્રિયંકા ગાંધી ટ્રેન દ્વારા લલિતપુર પહોંચીને મૃતક ખેડૂતના પરિવારજનોની મુલાકાત લેશે. હકીકતે લલિતપુરમાં ખાતર માટે લાઈનમાં ઉભેલા એક ખેડૂતનું હાર્ટ એટેકના કારણે મૃત્યુ થયું હતું. બુંદેલખંડમાં ખેડૂતોને ખાતરની તંગીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યાં લોકોએ 2-2 દિવસ સુધી લાઈનમાં ઉભા રહેવું પડે છે.
Comments
Post a Comment