જાસૂસી મંજૂર નથી : પેગાસસ મુદ્દે તપાસનો સુપ્રીમનો આદેશ



- મીડિયાની આઝાદી લોકશાહીનો ચોથો મહત્વપૂર્ણ સ્તંભ : સુપ્રીમ

- પૂર્વ ન્યાયાધીશની આગેવાનીમાં ત્રણ સાયબર નિષ્ણાતોની કમિટી તપાસ કરશે, આઠ સપ્તાહમાં રિપોર્ટ સુપ્રીમમાં રજુ કરાશે

- રાષ્ટ્રની સુરક્ષાના નામે જાસૂસી ન કરી શકાય, અમે મુક દર્શક બનીને ન બેસી શકીએ : સુપ્રીમે સરકારને ઝાટકી

નવી દિલહી : પેગાસસ જાસૂસી વિવાદ મુદ્દે સ્વતંત્ર તપાસની માગણી કરતી અનેક અરજીઓ સુપ્રીમ કોર્ટમાં થઇ હતી, સુપ્રીમ કોર્ટે આખરે આ માગણીઓને સ્વિકારી લીધી છે અને હવે આ જાસૂસી મામલે સ્વતંત્ર તપાસના આદેશ આપી દીધા છે. જેને પગલે સુપ્રીમ કોર્ટમાં કેન્દ્ર સરકારને મોટો ફટકો લાગ્યો છે. વિપક્ષના નેતાઓનો આરોપ છે કે સરકારે તેમના મોબાઇલ ફોન ટેપ કરાવ્યા છે અને તેથી તેની તપાસ થવી જોઇએ. સુપ્રીમ કોર્ટે આ તપાસ માટે વિશેષ નિષ્ણાતોની કમિટીની રચનાનો આદેશ આપ્યો છે. 

સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે આકરુ વલણ અપનાવ્યું હતું અને સરકારની ઝાટકણી પણ કાઢી હતી. કોર્ટે કહ્યું હતું કે લોકોની જાસૂસી કરવામાં આવે તેને કોઇ પણ કિમતે ન ચલાવી શકાય. આ સમગ્ર મામલે હવે ત્રણ નિષ્ણાત સભ્યોની કમિટી દ્વારા તપાસ કરવામાં આવશે. કમિટીને તપાસ માટે આઠ સપ્તાહનો સમય પણ આપ્યો છે. સુપ્રીમ કોર્ટમાં પત્રકાર એન રામ અને શશિ કુમાર તેમજ એડિટર્સ ગિલ્ડ ઓફ ઇંડિયા તરફથી પેગાસસ જાસૂસી મામલે તપાસની માગણી કરતી અરજીઓ કરવામાં આવી છે. 

ભારતમાં ૩૦૦ જેટલા ફોન નંબરનું ટેપિંગ કરવામાં આવ્યું હતું, આ જાસૂસી કે પેટિંગ માટે પેગાસસ સોફ્ટવેરનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાના આરોપો છે. હાલ સુપ્રીમ કોર્ટે જે તપાસ કમિટીની રચના કરી છે તેના અધ્યક્ષ પૂર્વ ન્યાયાધીશ આરવી રવીંદ્રનને બનાવવામાં આવ્યા છે. સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ એન વી રમન્ના અને ન્યાયાધીશ સુર્યકાંત તેમજ હીમા કોહલી દ્વારા આ અરજીઓની સુનાવણી કરવામાં આવી હતી. કોર્ટમાં સરકારે એવી દલીલ કરી હતી કે અમે અમારી રીતે આ મામલે તપાસ માટે પોતાની કમિટીની રચના કરીશું. જોકે આ દલિલોને કોર્ટે ફગાવી હતી અને કહ્યું હતું કે ન્યાય થઇ રહ્યો છે તેવું દેખાવું પણ જરુરી છે.

સરકાર રાષ્ટ્રની સુરક્ષાના નામે કોઇની જાસૂસી કરે તે ન ચલાવી લેવાય, સુપ્રીમ કોર્ટ મુક દર્શક બનીને ન બેસી શકે. લોકોને પ્રાઇવેસીનો અધિકાર બંધારણે આપ્યો છે જેનો ભંગ ન થવો જોઇએ.  સુપ્રીમે કહ્યું હતું કે આ કમિટી સંપૂર્ણપણે સ્વતંત્ર છે, ન્યાય થવો જરુરી સાથે ન્યાય થઇ રહ્યો છે તેવું દેખાવું પણ જરુરી છે. પ્રાઇવેસીના અધિકારોનો પણ ઉલ્લેખ કરતા સુપ્રીમે કહ્યું હતું કે દરેક વ્યક્તિ ઇચ્છે છે કે તેની પ્રાઇવેસીના અધિકારોનું રક્ષણ થાય. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે મીડિયાની સ્વતંત્રતા લોકશાહીનો ચોથો મહત્વપૂર્ણ સ્તંભ છે.  એવામાં દેશની સુરક્ષાના નામે નાગરિકોની જાસૂસી ન કરી શકાય. સુપ્રીમ કોર્ટે રાઇટ ટૂ પ્રાઇવેસી અંગે સેમ્યૂઅલ વોરને ૧૮૯૦ના સમયમાં લખેલા લેખનો પણ ઉલ્લેખ કર્યો હતો. હાલ સુપ્રીમ કોર્ટે મામલાની તપાસ જે કમિટીને સોપી છે તેઓ પાસે ઘણો અનુભવ છે, આઠ સપ્તાહની અંદર આ કમિટી પોતાનો રિપોર્ટ સોપશે. તેથી પછી જ સમગ્ર આરોપો પરથી પડધો હટશે. 

સુપ્રીમ કોર્ટની હાઇ લેવલની તપાસ કમિટીમાં સામેલ નિષ્ણાતો

સુપ્રીમ કોર્ટ દ્વારા રચાયેલી તપાસ કમિટીના અધ્યક્ષની જવાબદારી નિવૃત ન્યાયાધીશ આરવી રવીંદ્રનને સોપવામાં આવી છે. તેમની અધ્યક્ષતામાં જે કમિટીની રચના કરવામાં આવી છે તેમાં હરિયાણાના પૂર્વ આઇપીએસ આલોક જોશી અને આંતરરાષ્ટ્રીય સ્ટાન્ડર્ડડાઇઝેશન તેમજ ઇલેક્ટ્રો ટેકનીકલ કમિશનના ચેરમેન સંદીપ ઓબેરોય , ફોરેંસિક નિષ્ણાત ડો નવીન કુમાર ચૌધરીનો પણ સમાવેશ કરાયો છે. 

આલોક જોશીને વર્ષ ૨૦૧૨માં રોમાં સેક્રેટરી નિમવાનો આદેશ જારી થયો હતો. તેઓએ પાકિસ્તાન અને નાપળને લઇને વિશેષ કામ કર્યું છે. ઉપરાંત હરિયાણામાં અનેક જિલ્લાઓમાં એસપી પણ રહ્યા હતા. વિદેશમાં પણ તેઓ કામ કરી ચુક્યા છે. જોકે તેઓએ રોમાં રહીને વધુ કામગીરી કરી છે. ૨૦૧૪માં રોમાંથી નિવૃત થયા બાદ તેઓને એનટીઆરઓમાં ચેરમેન પદની જવાબદારી સોપવામાં આવી હતી. 

અન્ય સભ્ય ડો. સંદીપ ઓબેરોય માહિતી અને સાયબર ક્ષેત્રમાં નિષ્ણાત છે. તેઓ ત્રણ દસકા સુધી ઉધ્યોગ, અનુસંધાનના મહત્વપૂર્ણ પદો પર રહીને કામ કરી ચુક્યા છે. તેઓને સાયબર સુરક્ષાના માસ્ટર માનવામાં આવે છે. 

ત્રીજા સભ્ય ડો. નવીન કુમાર ચૌધરીને આઇઓટી સિક્યોરિટી એંડ ફોરેંસિક એક્સપર્ટ માનવામાં આવે છે. તેઓ ગાંધીનગર સ્થિત રાષ્ટ્રીય ફોરેંસિક વિજ્ઞાાન યુનિ.ના ડીન તરીકે હાલ સેવા આપી રહ્યા છે. તેમની પાસે ડિજિટલ ફોરેંસિક, સાયબર સિક્યોરિટી, ઇ-ગવર્નેંસ, ડ્રોન ફોરેંસિક, નેક્સ્ટ જનરેશન નેટવર્ક, કોમ્યૂનિકેશન એન્જિનિયરિંગનો બહોળો અનુભવ છે. 

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

તાઈવાને તોડી પાડ્યુ ચીનનુ સુખોઈ-35 વિમાન? ચીન-તાઈવાન વચ્ચેનો વિવાદ ઉગ્ર બનશે