ડ્રગ્સ કેસઃ આરોપોથી ઉશ્કેરાયા BJP નેતા મોહિત કંબોજ, મલિક સામે માંડ્યો 100 કરોડનો દાવો


- મોહિતે કોર્ટને વિનંતી કરી છે કે, ઓર્ડર જાહેર કરીને નવાબ મલિકને તેમના વિરૂદ્ધ પાયાવિહોણા નિવેદનો આપતા અટકાવવામાં આવે

નવી દિલ્હી, તા. 31 ઓક્ટોબર, 2021, રવિવાર

મુંબઈ ડ્રગ્સ કેસ મામલે શાહરૂખ ખાનના દીકરા આર્યન ખાનને ભલે જામીન મળી ગયા હોય પરંતુ મહારાષ્ટ્ર સરકારના મંત્રી નવાબ મલિકના નિવેદનોના કારણે આ કેસ ચર્ચામાં છવાયેલો છે. ભારતીય જનતા યુવા મોરચાના પૂર્વ અધ્યક્ષ મોહિત કંબોજે હવે નવાબ મલિક સામે 100 કરોડ રૂપિયાનો માનહાનિ કેસ માંડી દીધો છે. 

નવાબ મલિક છેલ્લા કેટલાક દિવસોથી સતત ભાજપના નેતા મોહિત કંબોજ અને તેમના પરિવારો પર ગંભીર આરોપો લગાવી રહ્યા હતા. મુંબઈ ડ્રગ્સ કેસમાં પણ સતત તેમના પરિવારનું કનેક્શન લાવવામાં આવતું હતું. આ કારણે 9 ઓક્ટોબરના રોજ મોહિતે મલિકના નામે એક નોટિસ મોકલી હતી. તે નોટિસમાં ભાર આપીને કહેવામાં આવ્યું હતું કે, કોઈ પણ જાતના પુરાવા વગર માનહાનિકારક નિવેદનો આપવા ખોટું છે. જોકે તે નોટિસ છતાં પણ મલિકે પોતાની નિશાનબાજી ચાલુ રાખી હતી અને 11 ઓક્ટોબરના રોજ ફરી તેમના પરિવાર પર નિશાન સાધ્યું હતું. 

ત્યારે હવે ભાજપના નેતાએ મલિક વિરૂદ્ધ લીગલ એક્શનની તૈયારી કરી લીધી છે. મુંબઈ પોલીસમાં ફરિયાદ પણ નોંધાવી દેવાઈ છે અને હાઈકોર્ટમાં જઈ નવાબ મલિક સામે 100 કરોડ રૂપિયાનો માનહાનિ કેસ પણ ઠોકી દેવામાં આવ્યો છે. બોમ્બે હાઈ કોર્ટમાં દાખલ કરાવેલી અરજીમાં મોહિતે પોતે જણાવ્યું હતું કે, તેઓ ભાજપના સદસ્ય છે અને તેમનો એક કારોબાર પણ છે. પરંતુ નવાબ મલિકના તથ્યહીન આરોપોએ તેમની છબિને ધૂમિલ કરવાનું કામ કર્યું છે. 

મોહિતે કોર્ટને વિનંતી કરી છે કે, ઓર્ડર જાહેર કરીને નવાબ મલિકને તેમના વિરૂદ્ધ પાયાવિહોણા નિવેદનો આપતા અટકાવવામાં આવે. હકીકતે નવાબ મલિકે કહ્યું હતું કે, દરોડાના દિવસે ક્રૂઝ પરથી 8 નહીં પણ 11 લોકોને કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા પરંતુ ભાજપના નેતાના ફોન બાદ 3 લોકોને છોડી દેવામાં આવેલા. મલિકે ત્યાં સુધી દાવો કર્યો હતો કે, છોડી દેવામાં આવ્યા તે લોકોમાં મોહિતનો સાળો પણ હતો. 

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો