ક્લાઈમેટ ચેન્જના કારણે વૈશ્વિક તાપમાન વધ્યુ તો ભારત પર તોળાશે ભયંકર મોટુ ખેતી સંકટ, 40 વૈજ્ઞાનિકોની આગાહી
નવી દિલ્હી,તા.30 ઓક્ટોબર 2021,શનિવાર
જી-20 બેઠક પહેલા ભારતમાં ક્લાઈમેટ ચેન્જના કારણે કયા પ્રકારની તબાહી મચી શકે છે તેની આગાહી કરતો એક અહેવાલ 40 આંતરરાષ્ટ્રિય વૈજ્ઞાનિકોની પેનલે જાહેર કર્યો છે.
આ પેનલની આગાહી છે કે, જો તાપમાનમાં બે ડિગ્રીનો વધારો થયો તો 2036 થી 2065 સુધીના સમયગાળામાં હીટ વેવનો સમય પાંચ ગણો વધી જશે. જો ગ્રીન હાઉસ એમિશન ઓછુ રહ્યુ અને તાપમાનમાં 1.5 ડિગ્રીથી વધારો ના થયો તો હીટ વેવનો સમય દોઢ ગણો વધશે.
આ આગાહી યુરો મેડિટેરિયન સેન્ટર ઓન ક્લાઈમેટ ચેન્જના રિપોર્ટમાં કરવામાં આવી છે. જે અનુસાર ક્લાઈમેટ ચેન્જના કારણે ભારતમાં શેરડી, ડાંગર, ઘઉં અને બાજરાના ઉત્પાદનમાં ઘટાડો થશે. ઉપરાંત 2050 સુધીમાં ખેતી માટે પાણીની માંગમાં 29 ટકાનો વધારો થઈ શકે છે. આમ પાણીના અભાવે ખેતીને નુકસાન વધારે થવાની શક્યતા પણ છે.
વૈજ્ઞાનિકોનુ કહેવુ છે કે, વૈશ્વિક સ્તરે તાપમાન જો 4 ટકા વધ્યુ તો 2036 થી 2065 સુધીમાં ખેતીને અસર કરતા દુકાળમાં 48 ટકાનો વધારો થશે. બે ડિગ્રી ટાપમાન વધશે તો દુકાળની શક્યતા 20 ટકા ઓછી થશે. બીજી તરફ મત્સ્ય ઉદ્યોગ પર પણ તેની અસર પડી શકે છે અને 2050 સુધીમાં માછલી પકડવામાં 17 ટકાનો ઘટાડો થઈ શકે છે.
ગ્રીન હાઉસ એમિશન વધારે રહે તો ભારતમાં પૂરના ખતરાનો વ્યાપ 13 લાખ લોકોથી વધીને 1.8 કરોડ લોકો સુધી પહોંચી જશે.
Comments
Post a Comment