યુક્રેનના એક હજાર સૈનિકો રશિયા સામે ઘૂંટણિયે

- રશિયાએ યુક્રેનમાં નરસંહાર કર્યો છે : બાઇડેન
- રશિયા-યુક્રેન યુદ્ધમાં 4,500 નાગરિકો માર્યા ગયા હોવાનો યુએન : યુએસે 75 કરોડ ડોલરની વધુ લશ્કરી સહાય મંજૂર કરી
- ખાર્કિવમાં રશિયાના તોપમારામાં સાત લોકોના મોત થયા કીવમાં 720 નાગરિકોના મૃતદેહ મળ્યા, હજી 200 લાપતા
- સેટેલાઇટ તસ્વીરોએ યુક્રેનમાં મોટું રશિયન લશ્કર ઘૂસી રહ્યું હોવાનું દેખાયું
ડેસ મોનિસ : યુક્રેનના શહેર મારિયુપોલમાં રશિયાના સૈનિકોના ધસારા સામે યુક્રેનના સૈનિકોે શરણાગતિ સ્વીકારી લીધી છે. લગભગ ૧,૦૨૬ સૈનિકોએ એટલે કે એક બ્રિગેડે રશિયા સમક્ષ શરણાગતિ સ્વીકારી છે. જ્યારે અમેરિકન પ્રમુખ બાઇડેને જણાવ્યું છે કે રશિયાએ સમગ્ર યુક્રેનને ખતમ કરવા માટે નરસંહાર આદર્યો છે. તેની સાથે તેમણે યુક્રેનને લશ્કરી સહાય પેટે ૭૫ કરોડ ડોલર મંજૂર કર્યા છે.
યુક્રેન-રશિયા યુદ્ધમાં મારિયુપોલમાં રશિયાની સેનાએ મોટી સફળતાનો દાવો કર્યો છે. મારિયુપોલમાં યુક્રેનની પૂરી બ્રિગેડે આત્મસમર્પમણ કર્યુ છે. યુક્રેનની ૩૬મી મરીન બ્રિગેડે આત્મસમર્પણ કર્યુ છે.આ આત્મસમર્પણ હેઠળ ૧૦૨૬ સૈનિકોએ શસ્ત્રો નાખી દીધા છે. તેમા ૧૬૨ યુક્રેની અધિકારી પણ સામેલ છે. રશિયાનો દાવો છે કે ડોનેત્સ્કના બળવાખોરો સાથે રશિયાના લશ્કરે જે ઘેરાબંધી કરી હતીતેમા તેને મહત્ત્વની સફળતા મળી છે. આ પહેલા આમને-સામને લાંબી લડાઈ ચાલી. તેના પછી રશિયાએ ૯૫ ટકા વિસ્તાર પોતાના કબ્જામાં લઈ લીધો છે.
રશિયાનું લશ્કર હવે ખેરસોનની નજીક આવેલા વિસ્તાર કીવરીને લક્ષ્યાંક બનાવી રહ્યું છે. તે હાલમાં કીવરીથી ૫૦ કિ.મી. દૂર છે. કીવરી ઇકોનોમિક હબ છે અને ઇસ્પાત સેન્ટર પણ છે. તેથી તેને લક્ષ્યાંક બનાવવામાં આવી રહ્યું છે.
ખાર્કિવમાં રશિયાના તોપમારામાં સાતના મોત થયા હોવાનું શહેરના ગવર્નરે જણાવ્યું હતું. કીવમાં ૭૨૦ નાગરિકોના મૃતદેહ મળી આવ્યા છે. જ્યારે બીજા ૨૦૦ નાગરિકો ગુમ છે. આમ યુક્રેનના વિવિધ શહેરોમાંથી મૃતદેહ મળવાનું જારી છે.
રશિયાએ હવે બૂચામાં કરેલા નરસંહારની બાબતો જાહેર થતાં આ પ્રકારે ફરીથી સ્થિતિ ન સર્જાય તે માટે મોબાઇલ અગ્નિદાહ વાનો ફરતી કરી છે. આવી તેર જેટલી વાનો જોવા મળી છે. તેના હેઠળ કોઈપણ રશિયાના નાગરિકોના મૃતદેહ રસ્તા પર ન દેખાય અને દેખાય તો તેની તાત્કાલિક નિકાલ કરવામાં આવે તેવી તાકીદ કરી છે. રશિયા બુચા જેવા નરસંહારના આરોપોથી બચવા માટે કોઈપણ પ્રકારનો પુરાવો છોડવા માંગતું નથી. બાઇડેને પત્રકારે પૂછેલા સવાલના જવાબમાં જણાવ્યું હતું કે પુતિન યુક્રેનના અસ્તિત્વને જ સ્વીકારતા નથી અને તેથી જ તેને ખતમ કરવા માંગે છે. આ માટે તેમણે રીતસરનો નરસંહાર જ આદર્યો છે. જો કે તેમણએ આ નરસંહારની વિગતો આપી ન હતી.
યુક્રેનના પ્રમુખ ઝેલેન્સ્કીએ જણાવ્યું હતું કે રશિયા બીજા દેશો પર હુમલો કરે તે પહેલા યુરોપે કાર્યવાહી કરવી જોઈએ. યુએને જણાવ્યું છે કે કમસેકમ સાડા ચાર હજાર યુક્રેનિયન નાગરિક યુદ્ધમાં માર્યા ગયા છે.
રશિયાએ આ ઉપરાંત નીપર ઓબ્લાસ્ટમાં સેન્ટ્રલ યુક્રેનના રેલવે સ્ટેશન પર મિસાઇલ હુમલો કર્યો છે. બે દિવસ પહેલા એરપોર્ટ પર પણ હુમલો કર્યો હતો. યુકે સરકારે ડોનેત્સ્ક અને લુહાંત્સ્કમાં પુતિનના સમર્થકો પર પણ પ્રતિબંધ મૂક્યો છે. રશિયા બંને વિસ્તારોને યુક્રેનથી અલગ પાડવા માંગે છે. આ ઉપરાંત રશિયન અબજપતિઓને પણ લક્ષ્યાંક બનાવવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત સેટેલાઇટ તસ્વીરોએ યુક્રેનમાં રશિયાનું વધુ એક મોટું લશ્કર ઘૂસી રહ્યું હોવાનું બતાવ્યું હતું.
પશ્ચિમી પ્રતિબંધોને અવગણી ચીને રશિયા સાથેના વેપારમાં 12 ટકા વધારો કર્યો
યુક્રેન પર આક્રમણ બાદ અમેરિકા સહિત વિશ્વના અનેક દેશોએ રશિયા સાથે વેપાર વ્યવહાર ઘટાડી નાંખ્યો છે ત્યારે માર્ચમાં ચીનના રશિયા સાથેના એકંદર વેપારમાં ૧૨ ટકા વૃદ્ધિ જોવા મળી છે. રશિયા પરના પ્રતિબંધોની ચીન સતત ટીકા કરતું રહ્યું છે.
વર્તમાન વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં વેપારમાં વાર્ષિક ધોરણે ૩૦.૪૫ ટકા વધારો થયોછે. માર્ચમાં બન્ને દેશો વચ્ચેનો વેપાર આંક ૧૧.૬૭ અબજ ડોલર રહ્યો હતો એમ ચીનના કસ્ટમ્સ વિભાગના આંકડા જણાવે છે.
ચીનને તેની ઓઈલ, ગેસ, કોલસા તથા કૃષિ જણશોની આવશ્યકતા માટે રશિયા મુખ્ય પૂરવઠેદાર દેશ છે. પશ્ચિમના દેશો દ્વારા રશિયા પર લાગુ કરાયેલા પ્રતિબંધોમાં જોડાવાનું ચીને નકારી કાઢ્યું છે.
યુક્રેન પર આક્રમણના કેટલાક સપ્તાહો પૂર્વે ચીન તથા રશિયાએ અમર્યાદ વ્યૂહાત્મક ભાગીદારી જાહેર કરી હતી. રશિયા પર જેમ જમે પ્રતિબંધો વધતા જાય છે, તેમ ચીન તેની પાસેથી વધુને વધુ ખરીદી કરીને તેની પીડા હળવું કરી રહ્યું છે.
યુદ્ધ વચ્ચે પણ ચીનના રશિયા તથા યુક્રેન સાથેના આર્થિક તથા વેપાર સંબંધો સામાન્ય જળવાઈ રહ્યા છે.
યુક્રેન યુદ્ધ ભારતના જીડીપીમાં 1.3 ટકાનો ઘટાડો નોતરશે
- કોરોનાની અસરમાંથી બહાર આવવા મથી રહેલા ભારત માટે આર્થિક મોરચે કપરા ચઢાણ
રશિયાનું યુક્રેન સાથેનું યુદ્ધ ભારતના જીડીપીમાં ૧.૩ ટકાનો અને આવકવૃદ્ધિમાં ૨.૩ ટકાનો ઘટાડો નોતરે તેવી સંભાવના છે, એમ વિશ્વ બેન્કના ટોચના અધિકારીએ જણાવ્યું હતું. આમ ભારત કોવિડ-૧૯ કટોકટીમાંથી મજબૂત રીતે બહાર આવી રહ્યું હતું ત્યારે તેને આ યુદ્ધ ફટકો મારશે.
વિશ્વ બેન્કના સાઉથ એશિયા રિજયનના મુખ્ય અર્થશાસ્ત્રી હેન્સ ટિમરે જણાવ્યું હતું કે લાંબા ગાળા માટે ભારતે તેના અશ્મિજન્ય ઇંધણ પરના અવલંબનમાં ઘટાડો કરવા પર કામ કરવું પડશે. તેના માટે તેણે અક્ષય ઊર્જા તરફ વળવું પડશે. તેની સાથે શ્રમબળમાંમહિલાઓની ભાગીદારી વધારવી પડશે. હાલમાં ભારતીય શ્રમબળમાં મહિલાઓની ભાગીદારી ૨૦ ટકા છે.
વિશ્વ બેન્કના સાઉથ એશિયા ઇકોનોમિક ફોકસ રિપોર્ટમાં જણાવાયું છે કે ૨૦૨૧-૨૨માં ભારતનો વૃદ્ધિદર ૮.૩ ટકા અંદાજાયો હતો અને ૨૦૨૨-૨૩ માટે તે ૮ ટકા તથા ૨૦૨૩-૨૪ માટે ૭.૧ ટકા અંદાજાયો છે.
અહેવાલમાં જણાવાયું હતું કે ભારત કોરોનાની અસરમાંથી બહાર આવી રહ્યુ છે. તેનો વૃદ્ધિદર રોગચાળા પૂર્વેની સ્થિતિમાં પહોંચી ગયો છે. પણ હવે ભારતના આર્થિક વૃદ્ધિદર પર યુક્રેન યુદ્ધ અસર પાડી શકે છે.
તેમા કહેવાયું હતું કે ડિજિટલ સર્વિસિસના મોરચે ભારત સુખદ આશ્ચર્ય પૂરુ પાડી શકે છે. તાજેતરના ક્વાર્ટરોમાં ભારતે આ મોરચે નોંધપાત્ર વૃદ્ધિ દર્શાવી છે અને તેની નિકાસ પણ કરી છે. આંતરરાષ્ટ્રીય સ્તરે આ સર્વિસની ભારે માંગે છે અને ભારત આ માંગ અમે ધારતા હતા તેના કરતાં વધારે સારી રીતે પૂરી કરી શકે છે. તેમણે જણાવ્યું હતું કે ભારત સબસિડાઇઝ ફૂડ ચલાવે છે તેના બદલે તેણે ડાયરેક્ટ કેશ ટ્રાન્સફર કરવી જોઈએ. બીજા કોઈપણ ફોર્મેટ કરતાં તે વધારે અનુકૂળ છે.
Comments
Post a Comment