રામનવમી હિંસાઃ હિંમતનગર-ખંભાતમાં શોભાયાત્રા પર હુમલો, એક નું મોત


અમદાવાદ, તા. 11 એપ્રિલ 2022, સોમવાર

રામનવમીની શોભાયાત્રા દરમિયાન હિંમતનગર અને આણંદના ખંભાતમાં કેટલાંક અસામાજીક તત્વોએ શાંતિ ડહોળવા માટે રથયાત્રા પર પથ્થરમારો કર્યો હતો. જેમાં  બંને શહેરોમાં તંગદિલી સર્જાતા પોલીસે બળપ્રયોગ કરવો પડયો હતો. જેમાં હિંમતનગરમાં ટોળાને કાબુમાં લેવા માટે 150થી વધુ ટીયર ગેસના સેલ છોડવા પડયા હતા. આ બંને ઘટનાઓમાં 25થી વધુ લોકો ઘવાયા હતા. જેમાંના એકનું મોત નીપજ્યું હતું.

હિંમતનગરમાં જિલ્લા પોલીસ વડા સહિત 3 પોલીસ કર્મચારીઓને ઇજાઓ પહોંચી હતી. આ દરમિયાન ઉશ્કેરાયેલા ટોળા દ્વારા બંને શહેરોમાં દુકાનો અને વાહનો સળગાવી દેવામાં આવ્યા હતા. હાલની સ્થિતિને ધ્યાનમાં રાખીને બંને શહેરોમાં પોલીસનો કાફલો ખડકી દેવામાં આવ્યો છે. 

આણંદ જિલ્લાના ખંભાતમાં રામનવમીની શોભાયાત્રાનું આયોજન કરાયું હતું. જેમાં બપોરના ત્રણેક વાગ્યાના સુમારે શોભાયાત્રા સિધ્ધેશ્વરી સોસાયટીના રૂટથી આગળ વધી રહી હતી તે સમયે કેટલાંક લોકોએ પથ્થરમારો કરતા વાતાવરણ તંગ બન્યુ હતું. જેના કારણે ટાવર બજાર વિસ્તારમાં દોડધામ મચી ગઇ હતી અને 5 જેટલી દુકાનોમાં તોડફોડ કરીને આગ લગાવી હતી. આ ઘટનામાં 7થી 8 લોકોને ઇજાઓ પહોંચી હતી. જેમાં એક આઘેડને માથામાં ગંભીર ઇજાઓ થતા સારવાર માટે પેટલાદ લઇ જવામાં આવ્યા હતા. જો કે રસ્તામાં જ તેમનું મોત નીપજ્યું હતું. બીજી તરફ સ્થિતિ વધુ તંગ બનતા અંતે પોલીસે સ્થિતિને કાબુમાં લેવા માટે 5થી વધારે  ટીયર ગેસના સેલ છોડયા હતા તેમજ અનેક લોકોની અટકાયત કરી હતી. 

જ્યારે  હિંમતનગરમાં રામનવમીની ઉજવણીના ભાગરૂપે આંતરરાષ્ટ્રીય વિશ્વ હિંદુ પરિષદ  અને અન્ય સંગઠનો દ્વારા શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બપોરના 2:00 વાગ્યાના સુમારે શહેરના છાપરીયા વિસ્તારમાંથી શોભાયાત્રા પસાર થઇ રહી હતી તે સમયે અસામાજીક તત્વો દ્વારા શાંતિ ડહોળવાના બદઇરાદે શોભાયાત્રા પર પથ્થરમારો કરાયો હતો. આ સમયે પોલીસ અને શોભાયાત્રામાં જોડાયેલા લોકો કંઇ સમજે તે પહેલા ચારેતરફથી થતા પથ્થરમારાને કારણે નાસભાગ મચી ગઇ હતી. જેથી ત્યાં હાજર પોલીસ દ્વારા પથ્થરમારો કરી રહેલા તત્વોને પકડવાનો પ્રયાસ કરાતા તેમના પર હુમલો થયો હતો. એટલું જ નહીં, શોભાયાત્રામાં જોડાયેલા લોકોને પણ નાની મોટી ઇજાઓ પહોંચી હતી. શોભાયાત્રા પર પથ્થરમારોનો મેસેજ મળતા રેંજ IG, જિલ્લા પોલીસ વડા તેમજ  LCB, SOGની ટીમને બોલાવી લેવામાં આવી હતી. આ સમયે ટોળાએ પોલીસના  2 વાહનો સહિત 5 જેટલા વાહનોમાં આગ ચાંપી દીધી હતી. જ્યારે કેટલાંક લોકોએ  7થી 8 દુકાનોને સળગાવી દીધી હતી. આ સમયે લગભગ દોઢથી બે કલાકની જહેમત બાદ સ્થિતિને કાબુમાં લેવામાં આવી હતી અને બંદોબસ્ત ગોઠવી દીધો હતો. 

હિંમતનગરમાં વિશ્વ હિંદુ પરિષદ દ્વારા પણ બીજી શોભાયાત્રા કાઢવામાં આવી હતી. જેનો રૂટ પણ છાપરીયા વિસ્તારમાંથી પસાર થતો હોવાથી પોલીસ બંદોબસ્ત વચ્ચે શોભાયાત્રાને પસાર કરવાનો નિર્ણય લેવાયો હતો. જો કે આ સમયે પણ છાપરીયા વિસ્તારમાંથી પસાર થતા સમયે અચાનક પથ્થરમારો શરૂ થતાં ફરીથી તંગદિલી સર્જાઈ હતી. જેમાં જિલ્લા પોલીસ વડા વિશાલ વાઘેલાને પણ ઇજાઓ પહોંચી હતી. 

પોલીસે સ્થિતિને કાબુમાં લેવા માટે 150થી વધુ ટીયર ગેસના સેલ છોડયા હતા અને 20થી વધુ લોકોની ધરપકડ કરી હતી. સાથે સાથે આ વિસ્તારમાં બંદોબસ્ત ગોઠવી દીધો હતો. બીજી તરફ ગૃહ રાજ્ય મંત્રી અને DGPએ પણ આ મામલે નોંધ લઇને સ્થિતિ સામાન્ય ન બને ત્યાં સુધી સઘન બંદાબસ્ત યથાવત રાખવા તેમજ જવાબદાર લોકો સામે આકરી કાર્યવાહી કરવા માટે તાકીદ કરી હતી.

Comments

Popular posts from this blog

LIC Listing - તમામ રોકાણકારોને નુકશાન

જગખ્યાત જગદીપ .

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો