ક્રૂડ 10 મહિનાના તળિયે : પ્રજાને પેટ્રોલ, ડિઝલ સસ્તા થવાની પ્રતિક્ષા


- ક્રૂડના ઊંચા ભાવના દિવસો પૂરા થયા પણ ગ્રાહકો ઉપર બોજ ક્યારે ઘટશે એ અનિશ્ચિત

- સ્થાનિક ગ્રાહકોને રશિયાના સસ્તા ક્રૂડની રાહત પણ સરકાર આપી રહી નથી : ઓક્ટોબરમાં દૈનિક 9.5 લાખ બેરલ રશિયન ક્રૂડની આયાત કરી

- સ્થાનિક સસ્તા ક્રૂડ અને રિટેલ ભાવ નક્કી કરવાની પદ્ધતિના કારણે ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ રૂ.21,228 કરોડની ખોટ જાહેર કરી હતી

અમદાવાદ : આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવ સતત ઘટી રહ્યા હોવા છતાં પેટ્રોલ અને ડિઝલના ભાવમાં કોઈ ઘટાડો જોવા મળ્યો નથી અને તેના કારણે ભારતીય ગ્ર્રાહકો ઉપર મોંઘવારીનો બોજ પડી રહ્યો છે. જૂન ૨૦૨૨માં સરેરાશ ભારતીય કંપનીઓને ખરીદેલા ક્રૂડની કિંમત ૧૧૬.૦૧ ડોલર પ્રતિ બેરલ હતી જયારે અત્યારે ક્રૂડની ખરીદી ૮૯.૫૭ ડોલર પ્રતિ બેરલના ભાવે થઇ રહી છે. લગભગ ૨૩ ટકા સસ્તું ક્રૂડ ઓઈલ મળી રહ્યું હોવા છતાં ગ્રાહકો એપ્રિલ ૨૦૨૨ના ભાવે જ પેટ્રોલ અને ડિઝલની ખરીદી કરી રહ્યા છે અને બોજ  સહન કરી રહ્યા છે. 

ભારતમાં અત્યારે ઓઈલ માર્કેટિંગ કંપનીઓ ક્રૂડ ઓઈલની ખરીદી ૮૯.૫૭ ડોલરના ભાવે કરી રહ્યા છે. આ ભાવ ફેબુ્રઆરી ૨૦૨૨ પછી એટલે કે ૧૦ મહિનામાં સૌથી નીચા સ્તરે છે એટલું જ નહી પણ જૂન ૨૦૨૨ના વિક્રમી ઊંચા ભાવ ૧૧૬.૦૧ પ્રતિ બેરલના ભાવે હતા. ઊંચા ભાવ સમયે વૈશ્વિક ભાવનું બહાનં્ આગળ ધરી સ્થાનિક ઓઈલ માર્કેટિંગ કંપનીઓ રિટેલ ભાવમાં વૃદ્ધિ કરતી હતી. ભારતમાં પેટ્રોલ અને ડિઝલના ભાવ સરકારી અંકુશ મુક્ત હોવાની વાત પણ ચાલી રહી છે પણ અત્યારે પેટ્રોલીયમ કંપની કે સરકાર બન્ને સસ્તા ક્રૂડ ઓઈલનો ભાવ ગ્રાહકોને આપી રહી નથી. 

છેલ્લે, એપ્રિલમાં સરકારે પેટ્રોલના ભાવમાં વૃદ્ધિ કરી હતી ત્યારે ક્રૂડ ઓઈલના ભાવ ૧૦૨.૯૭ ડોલર પ્રતિ બેરલ હતા એ પછી ભાવમાં કોઈ ફેરફાર જોવા મળ્યો નથી. તા.૨૨ માર્ચથી ૬ એપ્રિલ વચ્ચે સતત વધારાના કારણે ભાવમાં કુલ રૂ.૯.૨૦ પ્રતિ લીટરનો વધારો ગ્રાહકો ઉપર ઝીંકાયો હતો પણ એ પછી તેમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. 

સસ્તા રશિયન ક્રૂડનો લાભ પણ નહી

રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ પછી અમેરિકા અને પશ્ચિમી દેશોના પ્રતિબંધના કારણે મોસ્કો વિશ્વના દરેક દેશને ક્રૂડ વેંચી શકતું નથી. ભારત તેની કુલ જરૂરિયાતના ૮૦ ટકા આયાત સાથે વિશ્વમાં ક્રૂડ ઓઈલ વપરાશમાં ત્રીજા ક્રમે આવે છે. રશિયા અને ભારતની મૈત્રીના કારણે રશિયાએ ભારતને વૈશ્વિક ભાવ કરતા ૨૦ ટકાથી ૩૦ ટકા ડિસ્કાઉન્ટમાં સસ્તું ક્રૂડ વેચવાનું શરુ કર્યું છે. ઓક્ટોબરની સ્થિતિએ ભારત તેની કુલ આયાતના ૨૩ ટકા કે દૈનિક ૯.૫ લાખ બેરલ ક્રૂડની રશિયાથી આયાત કરી રહ્યું છે. વિશ્વબજારમાં સસ્તા ભાવ, ઉપરથી રશિયન ક્રૂડના ડિસ્કાઉન્ટનો લાભ પણ ભારતીય ગ્રાહકોને મળી રહ્યો નથી. 

સ્થાનિક ક્રૂડ સસ્તું પણ ભાવ ગણતરીમાં બાકાત

ભારત સરકાર ક્રૂડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવ નક્કી કરે છે તેમાં બ્રેેન્ટ ક્રૂડનું પ્રમાણ ૭૨ ટકા અને બાકીના ૨૮ ટકા દુબઈ ઓમાન ગ્રેેડના ક્રૂડના છે. ભારત તેની જરૂરીયાતના ૨૦ થી ૨૫ ટકા સ્થાનિક ઉત્પાદન કરે છે પણ રીફાઈન્ડ પ્રોડક્ટ - ખાસ કરીને પેટ્રોલ, ડિઝલ, રાંધણ ગેસ કે એવિએશન ટર્ર્બાઈન ફ્યુઅલ - ના ભાવ નક્કી કરવા માટે સ્થાનિક ક્રૂડની કોઈ ગણતરી કરવામાં આવી નથી.

સરકારી આંકડા અનુસાર વર્ષ ૨૦૧૯-૨૦માં ઇન્ડીયન બાસ્કેટ ઓફ ક્રૂડ ઓઈલનો ભાવ ૬૦.૪૭ ડોલર પ્રતિ બેરલ હતો પણ ઓએનજીસીનો સ્થાનિક ક્રૂડનો ઉત્પાદન ખર્ચ માત્ર ૩૯.૨ ડોલર પ્રતિ બેરલ હતો. વર્ષ ૨૦૨૦-૨૧માં જયારે ઇન્ડિયન બાસ્કેટનો ભાવ ઘટી સરેરાશ ૪૪.૮૨ ડોલર થયો ત્યારે ઓએનજીસીના ક્રૂડનો ભાવ પણ ઘટી ૩૧.૯૩ ડોલર થયો હતો. વર્ષ ૨૦૧૯-૨૦માં ભારતીય ક્રૂડ ૩૫ ટકા અને પછીના વર્ષે ૨૮.૭૫ ટકા સસ્તું હોવા છતાં તેના નરમ ભાવનો લાભ ભારતની પ્રજાને મળ્યો નથી.આ  માહિતી પેટ્રોલીયમ મંત્રાલયે લોકસભામાં એક સવાલના જવાબમાં આપી હતી.

ઓઈલ માર્કેટિંગ કંપનીઓની જંગી ખોટ

પેટ્રોલીયમ મંત્રાલયની સ્થાનિક ભાવ નક્કી કરવાની ફોર્મ્યુલાના કારણે ચોપડે ઓઈલ માર્કેટિંગ કંપનીઓ જંગી ખોટ કરી રહી છે. ભારત સ્થાનિક બજારમાં બ્રિટીશ અને ઓમાન ક્રૂડના ભાવના આધારે ક્રૂડની પડતર ગણી તેની સામે સિંગાપોરમાં હાજરીમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ સામે રિટેલ પ્રાઈસ ગણી સ્થાનિક કિંમત નક્કી કરે છે. આ કિંમત નક્કી કરવામાં ૨૦ ટકા સ્થાનિક ક્રૂડ ઉત્પાદન અને સસ્તા રશિયન ક્રૂડની કોણ ગણતરી થતી નથી. જુલાઈથી સપ્ટેમ્બર ક્વાર્ટરમાં ભારતની ત્રણ સરકારી ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ રૂ.૨૧,૨૨૮ કરોડની ખોટ જાહેર કરી હતી.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો