ઈન્ડિયન સ્પેસ પ્રોગ્રામમાં નવા યુગનો પ્રારંભ : પહેલું ખાનગી રોકેટ વિક્રમ એસ લોન્ચ કરાયું
- રોકેટનું નામ વિક્રમ સારાભાઈ ઉપરથી રખાયું છે તેનું નિર્માણ 'સાઈ-રૂટ-એરો-સ્પેસ' કર્યું છે
શ્રી હરિકોટા : ઈન્ડીયન સ્પેસ પ્રોગ્રામમાં એક નવા યુગનો પ્રારંભ થઈ ચૂક્યો છે. શુક્રવારે શ્રી હરિકોટા ઉપરથી દેશનું પહેલું ખાનગી રોકેટ વિક્રમ એસ આજે સવારે ૧૧.૩૦ કલાકે સફળતાપૂર્વક સતીશ ધવન અંતરિક્ષ કેન્દ્ર ઉપરથી લોન્ચ કરાયું હતું. ભારતના આ સર્વપ્રથમ ખાનગી રોકેટનું નામ વિક્રમ સારાભાઈના નામ ઉપરથી રખાયું છે, તેનું નિર્માણ સ્કાઈ-રૂટ-એરો-સ્પેસ કંપનીએ કર્યું છે.
લોન્ચ કરાયા પછી રોકેટ હાઈપર સ્પીડે એટલે કે અવાજ કરતાં પાંચ ગણી ઝડપે અંતરિક્ષ તરફ ગયું હતું.
આ રોકેટ રચનાર કંપની સ્ક્રાઈરૂટ એરો સ્પેસ કંપની ૪ વર્ષની જ છે. આ રોકેટ લોન્ચ કરવામાં ઈસરોએ મદદ કરી હતી. આ મિશનને મિશન પ્રારંભ તેવું નામ અપાયું છે.
આ સ્કાઈરૂટ કંપનીએ આ પ્રકારના રોકેટસની ત્રણ આવૃત્તિ વિકસિત કરી છે. જેનું નામ ભારતીય અંતરિક્ષ કાર્યક્રમના સંસ્થાપક ડૉ. વિક્રમ સારાભાઈનાં નામ ઉપરથી રખાયું છે.
વિક્રમ-Iપૃથ્વીની નીચલી કક્ષામાં ૪૮૦ કી.ગ્રા. પે લોડ લઈ જઈ શકે છે. વિક્રમ-II ૫૯૫ કી.ગ્રા. કાર્ગો લઈ જઈ શકે છે. જ્યારે વિક્રમ-III ૮૧૫ કી.ગ્રા. કાર્ગો લઈ જઈ શકે છે. તેની સૌથી નીચી ભ્રમણકક્ષા ૫૦૦ કી.મી.ની રહેશે.
કેન્દ્રીય મંત્રી ડૉ. જિતેન્દ્રસિંહ શુક્રવારે શ્રી હરિકોટા પહોંચ્યા હતા. ટ્વિટર પર તેમણે 'સ્કાઇ-રૂટ-સ્પેસ'ની ટીમના સભ્યો સાથે એક તસ્વીર પણ પડાવી તે પછી તે રોકેટ વહેતું મુકવાનું 'કાઉન્ટ-ડાઉન્ટ' શરૂ થઈ ગયું.
ઉલ્લેખનીય છે કે વિક્રમ-એસનું લોન્ચિંગમાં અંતરિક્ષ ક્ષેત્રે ભારતે કરેલા નવા પ્રારંભનું પ્રતીક છે.
આ પૂર્વે આ પ્રકારના કાર્યક્રમો એક માત્ર 'ઈસરો' દ્વારા જ હાથ ધરવામાં આવતા હતા. જોકે આ રોકેટ (વિક્રમ એસ)ની રચનામાં તેણે ઘણી મદદ પણ કરી છે.
હવે તે ક્ષેત્રમાં ખાનગી કંપની 'સ્કાઈટ એસે સ્પેસ કંપની મેદાનમાં આવી છે.' ૧૯૧૮માં મુકેશ બંસલે IIT ખડગપુરના પૂર્વ વિદ્યાર્થી પવન ચંદના અને IIT મદ્રાસના પૂર્વ વિદ્યાર્થી ભરત-ડાકાની સાથે રહી સ્થાપી છે.
તેમણે સીરીઝ-એ ફંડીંગમાં ૧૧ મિલિયન ડોલરનું રોકાણ કર્યું. આ કંપનીએ ૨૦૨૧માં 'ઈસરો' સાથે કરારો કર્યા હતા. તેણે રચેલાં વિક્રમ એસ રોકેટમાં થ્રી-ડી-પ્રિન્ટેડ ક્રાયોજેનિક એન્જિન છે, તેનું પરીક્ષણ ગત વર્ષે ૨૫ નવેમ્બરે નાગપુર સ્થિત સોલર ઈન્ડસ્ટ્રીઝ લી.ની 'ટેસ્ટ ફેસીલીટીમાં' કરાયું હતું.
આ રોકેટ દ્વારા સેટેલાઇટ્સ અંતરિક્ષમાં નિર્ધારિત કક્ષામાં સ્થાપિત કરવામાં આવશે.
Comments
Post a Comment