પુણેમાં બેકાબૂ ટ્રેલરે 47 વાહનોને અડફેટે લીધાઃ લગભગ 50 ઘાયલ
- કાત્રજ ટનલ પાસેના ઢોળાવ પર વિચિત્ર અકસ્માત
મુંબઈઃ પુણેના નવલે બ્રિજ પાસે આજે બનેલી એક વિચિત્ર દુર્ઘટનામાં ભૂમકર પુલથી નીચે ઉતરી રહેલા એક ટ્રેલરે 47 વાહનોને અડફેટમાં લીધા હતા. આ ઘટનામાં 50થી 60 જણ ઈજા પામ્યા હોવાનું જાણવા મળ્યું હતું. આ દુર્ઘટના સાતારા- મુંબઈ હાઈવે પર નરહે સ્મશાનભૂમિ નજીક રાત્રે સાડા આઠ વાગ્યે બની હતી. આ ઘટનાને લીધે ખળભળાટ મચી ગયો હતો.
આ સંદર્ભે વધુ વિગતાનુસાર નવી કાત્રજ ટનલ પાસેથી શરૂ થતા તીવ્ર ઢોળાવ પર છેલ્લા થોડા સમયમાં ઘણા અકસ્માત બન્યા છે. આ સ્પોટ ડેન્જર બની જીવલેણ પૂરવાર થઈ રહ્યું છે.
આજે આંધ્રપ્રદેશથી મુંબઈ તરફ જઈ રહેલ એક ટ્રેલર પરનું નિયંત્રણ ડ્રાઈવરે ગુમાવતા આ ટ્રેલર બેકાબુ બની ઢોળાવ પરથી તેજ ગતિએ નીચે ધસી ગયું હતું. આ ઘટનામાં 400થી 500 મીટરના અંતરમાં પસાર થઈ રહેલ 47 જેટલા વાહનોને અડફેટમાં લીધા હતા.
આ ઘટનામાં અમુક કાર ઉંધી વળી ગઈ હતી. આ ઘટનાની જાણ થતા જ પોલીસ, ફાયર બ્રિગેડ, પીએમઆરડીએ, ફાયર બ્રિગેડ, રેસ્કયુ વાહનો ઘટનાસ્થળે દોડી ગયા હતા અને બચાવ તેમજ રાહત કાર્ય હાથ ધર્યું હતું.
આ ઉપરાંત સ્થાનિકો પણ મદદ માટે દોડી ગયા હતા અને જખ્મીઓને તેમના વાહનમાંથી બહાર કાઢી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ દુર્ઘટનાને લીધે બન્ને તરફનો વાહન વહેવાર ઠપ્પ થઈ ગયો હતો. મોડી રાત સુધી બચાવ- રાહત કામગીરી હાથ ધરવામાં આવી હતી.
Comments
Post a Comment