પાટીલના ગઢમાં જ ભાજપને ઝટકો, ડાયમંડ યુનિયને આપી ચીમકી, બીજી બાજુ આપના 2 મોટા મેદાનમાં
અમદાવાદ,તા.26 નવેમ્બર-2022, શનિવાર
ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા હાલ સત્તાધારી ભાજપ માટે સારા સંકેત જોવા મળી રહ્યા નથી. ગુજરાત ડાયમંડ માટે જાણીતું છે, જોકે હવે ડાયમંડ એશોસિએશને ભાજપને બૉયકોટ કરવાની જાહેરાત કરી છે. રાજ્યમાં હિરાના કર્મચારીઓ માટે ડાયમંડ વર્કર્સ યુનિયન (DWUG) સૌથી મોટું સંગઠન છે, ત્યારે આ યુનિયને વિધાનસભા ચૂંટણીમાં ભાજપનો બહિષ્કાર કરવાનું જણાવ્યું છે. DWUGએ કહ્યું કે, હીરા કામદારો, ઘણા સમયથી ચાલી રહેલા પડતર પ્રશ્નોના સરળતાથી નિરાકરણ માટે ઈચ્છા ધરાવતી રાજકીય પક્ષને મત આપે. તાજેતરમાં યુનિયને કરેલી જાહેરાત ભાજપ માટે ઝટકો હોવાનું મનાઈ રહ્યું છે. ડાયમંડ સિટી સુરત ઉપરાંત સૌરાષ્ટ્રમાં પણ મોટી સંખ્યામાં હીરા કામદારો છે. યુનિયનની આ જાહેરાત બાદ મોટી સંખ્યામાં પાટીદાર વસ્તી ધરાવતા વિસ્તારોમાં ભાજપને ગંભીર નુકસાન થઈ શકે છે.
યુનિયને બે લાખથી વધુ લોકો સુધી પહોંચી વાત પહોંચાડી
ભાજપના બહિષ્કાર મુદ્દે યુનિયને સમગ્ર ગુજરાતમાં તેના લગભગ 25000 સભ્યોને પત્ર મોકલ્યો. આ ઉપરાંત 150થી વધુ વૉટ્સઅપ ગ્રૂપ પર 40 હજારથી વધુ હીરા કામદારોને, DWUGના ફેસબુક પર જોડાયેલા 80 હજાર કર્મચારીઓ અને ટેલીગ્રામ ગ્રૂપ સાથે જોડાયેલા 60 હજારથી વધુ સભ્યોને પણ પત્ર મોકલી ભાજપનો બહિષ્કાર કરવા અનુરોધ કર્યો છે. આમ યુનિયને ભાજપના બહિષ્કારની વાત બે લાખથી વધુ સભ્યો સુધી પહોંચાડી છે. પત્રમાં સભ્યોને, કર્મચારીઓને વિનંતી કરી છે કે, સુરત અને સૌરાષ્ટ્ર ક્ષેત્રમાં હીરા કામદારો સામે આવેલા મુદ્દાઓના સમાધાનની ગેરંટી આપે, તે પક્ષને જ વોટ આપે. DWUGના પ્રમુખ રમેશ જીલરીયાએ જણાવ્યું કે, મુખ્ય સંગઠન તરીકે અમે હીરાના કામદારોને પડતી વિવિધ સમસ્યાઓ અને મુદ્દાઓ ભાજપ સરકાર સમક્ષ મુકી રહ્યા છીએ, પરંતુ ભાજપ હજુ સુધી અમારા પ્રશ્નોનું નિરાકરણ લાવ્યું નથી. સુરત, નવસારી અને સૌરાષ્ટ્ર વિસ્તારના 30 લાખથી વધુ હીરાના કારીગરો છેલ્લા 12 વર્ષથી સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે, તેથી જો પ્રશ્નોનું નિરાકરણ નહીં કરાય તો ભાજપને ક્યારે મત આપીશું નહીં.
આમ આદમી પાર્ટીએ તેના મુખ્ય ચેહરાઓ ઉતાર્યા
જીલરીયાએ વધુમાં કહ્યું કે, ભાજપ સરકારે હીરા ઉદ્યોગમાં શ્રમ કાયદાને લાગુ કર્યો નથી અને કંપનીના માલીકો કામદારોનું શોષણ કરી રહ્યા છે. તેમણે કહ્યું કે, સુરતમાં હીરા કામદારો પર છેલ્લા એક દાયકાથી લદાયેલો પ્રોફેશનલ ટેક્સ દૂર કરવાની બાબતનું નિરાકરણ કરાયું નથી. સુરત વિશ્વની સૌથી મોટી ડાયમંડ કટિંગ અને પૉલિશિંગ ઉદ્યોગ છે. કતારગામ અને વરાછા જેવા જિલ્લાઓમાં આ ઉદ્યોગના 4500થી વધુ નાના-મોટા અને મધ્યમ હીરાના કારખાનાઓ આવેલા છે અને આ કારખાનાઓમાં 6 લાખથી વધુ હીરા કામદારો રોજગારી મેળવી રહ્યા છે. આ બંને વિધાનસભા બેઠકો પર આમ આદમી પાર્ટીના મુખ્ય ચહેરા મેદાનમાં છે. ગુજરાત AAPના અધ્યક્ષ ગોપાલ ઈટાલિયાને કતારગામથી અને પૂર્વ પાટીદાર અનામત આંદોલનના કન્વીનર અલ્પેશ કથિરિયાને વરાછા બેઠક પરથી મેદાનમાં ઉતારાયા છે.
ભરવાડ સમાજે પણ ભાજપનો બહિષ્કાર કરવાની જાહેરાત કરી
તાજેતરમાં જ ભરવાડ સમુદાયના એક જૂથ માલધારીએ ચૂંટણીમાં ભાજપનો બહિષ્કાર કરવાની હાકલ કરી હતી. આ સમુદાયે ભાજપ પર માંગણીઓ પૂરી ન કરવાનો આક્ષેપ કર્યો હતો. કોંગ્રેસ સાથે સંકળાયેલા સમુદાયના પ્રવક્તા નાગજીભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે, સમુદાયે ચૂંટણીમાં ભાજપને સબક શિખવાડવાનું નક્કી કર્યું છે. દેસાઈએ જણાવ્યું હતું કે સમુદાય દ્વારા કરાયેલી કેટલીક માંગણીઓમાં બરદા અને એલેચના વિસ્તારોમાં રહેતા સમુદાયના સભ્યોને અનુસૂચિત જનજાતિનો દરજ્જો આપવો, સમુદાયના સભ્યો સામેના ખોટા કેસ પાછા ખેંચવા અને સમુદાયના સભ્યો માટે ખેડૂતોનો દરજ્જો જેવા પ્રશ્નો સામેલ છે.
Comments
Post a Comment