દિલ્હી એક્સાઇઝ કેસમાં સાત સામે ચાર્જશીટ, મનીષ સિસોદિયાનું નામ નહીં
- સાત સામે ગુનાહિત કાવતરુ, ભ્રષ્ટાચારના આરોપો
- ચાર્જશીટમાં નામ ન હોવાથી સાબીત થાય છે કે મનીષ સિસોદિયાને બદનામ કરવા કાવતરું ઘડાયું હતું : કેજરીવાલ
નવી દિલ્હી : દિલ્હી સરકારની એક્સાઇઝ નીતિને લઇને સીબીઆઇ તપાસ કરી રહી છે. આ મામલે સીબીઆઇ દ્વારા સાત લોકોની સામે ચાર્જશીટ ફાઇલ કરવામાં આવી છે. જેમાં આ સાતેય લોકોને આરોપી બનાવવામાં આવ્યા છે. સીબીઆઇ દ્વારા દિલ્હીની રાઉજ એવેન્યૂ કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી. જેમાં આપના કામ્યુનિકેશન ઇંચાર્જ વિયન નાયર, અભિષેક બોઇનપલ્લી, સમીર મહેંદ્ર, અરુણ પિલ્લઇ, મુત્થુ ગૌતમ અને બે લોક સોવકેનો આરોપી બનાવવામાં આવ્યા છે.
દારુના લાઇસેંસ સાથે સંકળાયેલા આ મામલામાં સીબીઆઇ દ્વારા દાખલ કરવામાં આવેલી ચાર્જશીટમાં દિલ્હીના ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયાના નામનો ઉલ્લેખ નથી, જેને પગલે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે આ ચાર્જશીટમાં મનીષ સિસોદિયાનું નામ નથી. જેથી સાબિત થાય છે કે આ સમગ્ર કેસ જુઠો છે. દરોડા દરમિયાન પણ એજન્સીને કઇ જ હાથ નથી લાગ્યું. ૮૦૦ અધિકારીઓ દ્વારા ચાર મહિના સુધી તપાસ કરવામાં આવી છતા હાથમાં કઇ જ ન આવ્યું. મનીષે શિક્ષણ ક્રાંતિથી દેશના કરોડો ગરીબ બાળકોને સારા ભવિષ્યની આશા આપી છે. કેજરીવાલે કહ્યું હતું કે મને દુ:ખ છે કે મનીષ જેવા પ્રામાણિક વ્યક્તિને જુઠા કેસમાં ફંસાવીને બદનામ કરવામાં આવી રહ્યા છે.
નોંધનીય છે કે ૧૦ દિવસ પહેલા ૧૪મી નવેંબરના રોજ રાઉજ એવેન્યૂ કોર્ટે વિજય નાયર અને અભિષેક બોઇનપલ્લીની જામીન અરજીને સ્વીકાર કરી લીધી હતી. બન્નેને વ્યક્તિગત બોન્ડ અને પ્રત્યેકને ૨ લાખ રૃપિયાની જામીન રકમ પર રાહત મળી હતી. જોકે ઇડીની પૂછપરછ ચાલી રહી છે તેથી હાલ તેઓ ઇડીની કસ્ટડીમાં છે. આ સમગ્ર કેસમાં સીબીઆઇએ જે એફઆઇઆર દાખલ કરી હતી તેમાં મનીષ સિસોદિયા, ત્રણ પૂર્વ સરકારી અધિકારીઓ, ૯ વેપારીઓ અને બે કંપનીઓને આરોપી બનાવવામાં આવ્યા હતા. સીબીઆઇએ આરોપીઓ પર આપરાધીક કાવતરુ ઘડવા અને ભ્રષ્ટાચાર સાથે જોડાયેલી કલમો હેઠળ કેસ દાખલ કર્યો હતો. જેમાં પૂર્વ એક્સાઇઝ કમિશનરનો પણ સમાવેશ થાય છે.
Comments
Post a Comment