સૌરાષ્ટ્રમાં ત્રિપાંખિયો જંગ નિશ્ચિત થયો, ઉમેદવારી પાછી ખેંચાયા બાદ ચિત્ર સ્પષ્ટ

- ભાજપ,કોંગ્રેસ,આપ ઉપરાંત અનેક બેઠકો ઉપર બ.સ.પા. લડશે, મોટાભાગે બળવો નહીં 

- જામનગર જિ.માં ૪૫, જુનાગઢ જિ.માં ૩૪, રાજકોટ જિ.માં ૬૫ અને મોરબી જિ.માં ૨૭ ઉમેદવારો  મેદાનમાં 

રાજકોટ,ગુરુવાર

એક પણ રાજકીય પક્ષનો ગઢ નથી રહ્યો તેવા સૌરાષ્ટ્રની ૪૮ બેઠકો પર આજે ઉમેદવારી પરત ખેંચવાના અંતિમ દિવસે ચિત્ર સ્પષ્ટ થયું હતું અને મુખ્યત્વે ત્રિપાંખિયો જંગ નિશ્ચિત બન્યો હતો. બેઠકો પર ખાસ કરીને શાસન વિરોધી મતોનું કેટલું વિભાજન થશે, કોણ કોના કેટલા મતો કાપશે અને મોંઘવારી અને વિકાસ સહિતના મુદ્દાની ચૂંટણી પર કેટલી અસર તે ચૂંટણી પરિણામ નક્કી કરશે તેવુ ચિત્ર ઉપસ્યું છે. ચિત્ર સ્પષ્ટ થતા ચૂંટણી તંત્રે હવે ઈવીએમમાં નામ છપાવવાની કાર્યવાહી હાથ ધરી છે. ઉમેદવારોના નામ ઉપરાંત કોઈ પસંદ ન પડે તો નોટા (નોન ઓફ ધ એબાઉવ)નો વિકલ્પ પણ મતદારોને અપાશે. 

તમામ બેઠકો પર ભાજપ,કોંગ્રેસ અને આપના ઉમેદવારો ઉભા રહ્યા છે. અનેક બેઠકો પર બસપાના ઉમેદવાર પણ છે અને દરેક બેઠક પર અપક્ષો પણ નસીબ અજમાવી રહ્યા છે. એકંદરે પ્રથમવાર જ સૌરાષ્ટ્રમાં ત્રિપાંખિયો જંગ દેખાઈ રહ્યો છે. કોઈ પણ ઉમેદવારે જીતવા માટે કૂલ મતદારોના ૩૫ ટકાથી વધુ મતો પોતાના તરફી કરવા જરૂરી છે. આ મતોમાં અપક્ષ કે હરીફ ભાગ પડાવે તો જીત મૂશ્કેલ બની શકે છે. 

રાજકોટ જિલ્લામાં આજે જસદણમાં બસપાના એક સહિત ૮ બેઠકો પર મુખ્યત્વે અપક્ષો અને આપના ડમી ઉમેદવાર સહિત કૂલ  ૧૩ ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચતા હવે ૬૫ ઉમેદવારો જંગમાં રહ્યા છે. સૌથી વધુ ઉમેદવારો ભાજપ માટે પ્રતિષ્ઠાભરી બેઠક રાજકોટ પશ્ચિમમાં ૧૩ છે જ્યારે સૌથી ઓછા જ્યાં બે બળિયા વચ્ચે ટિકીટ માટે ભારે વિવાદ સર્જાયો હતો તે ગોંડલ બેઠક પર માત્ર ૪ ઉમેદવાર જંગમાં છે.રાજકોટ પૂર્વમાં ૮,દક્ષિણમાં ૮, ગ્રામ્યમાં ૧૧, જસદણમાં ૬, ધોરાજીમાં ૭, જેતપુરમાં ૮ ઉમેદવારો સહિત જિલ્લામાં ૬૫ ઉમેદવારો મેદાનમાં રહ્યા છે. 

મોરબી જિલ્લાની ૩ બેઠકોમાં માળિયામાં હવે ૧૩ અપક્ષ અને ભાજપ,કોંગ્રેસ,આપ,બસપા સહિત ૧૭ ઉમેદવારો મેદાનમાં છે જેમાં ૮ ઉમેદવારો મુસ્લિમ સમાજમાંથી ઉભા છે. ટંકારા બેઠક પર ચાર મુખ્યપક્ષો અને એક વ્યવસ્થા પરિવર્તન પાર્ટીના નામે એમ પાંચ ઉમેદવારો વચ્ચે જંગ છે. વાંકાનેર બેઠક ઉપર પણ પાંચ રાજકીય પક્ષો અને ૮ અપક્ષો સહિત ૧૩ ઉમેદવારો નસીબ અજમાવી રહ્યા છે. 

અમરેલી જિ.માં ધારી,બગસરા,ખાંભામાં આજે કોઈ ઉમેદવારી પરત ખેંચાઈ નથી, લાઠીમાં ૨, સાવરકુંડલામાં ૩, રાજુલા મતક્ષેત્રમાં ૩ અમરેલીમાં ૨ સહિત ૧૦ ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા છે. 

જામનગર જિલ્લામાં ૫ બેઠક માટે આજે ૨૭ ઉમેદવારોએ ફોર્મ પાછા ખેંચતા હવે ૪૫ ઉમેદવારો ઉભા છે. જેમાં સૌથી વધુ જામનગર દક્ષિણમાં ૧૪ ઉમેદવારો અને જામનગર ઉત્તરમાં ૧૧ ઉમેદવારો છે. જ્યારે કાલાવડ ૬, જામનગર ગ્રામ્ય ૬, જામજોધપુર ૯ ઉમેદવારો મેદાનમાં છે. 

જુનાગઢ જિલ્લામાં આજે ફોર્મ ખેંચવાના અંતિમ દિવસે ૫ બેઠકો માટે ૩૪ ઉમેદવારો મેદાનમાં રહ્યા છે. જુનાગઢમાં ચાર પક્ષો ,અપક્ષો સહિત ૯ ઉમેદવારો જિલ્લામાં સર્વાધિક છે. કેશોદ અને માણાવદર બેઠક પર સાત-સાત, માંગરોળમાં ૬ અને વિસાવદરમાં મુખ્ય ૪ પક્ષો સહિત ૫ ઉમેદવારો છે. 

ગીર સોમનાથ જિલ્લામાં ઉના બેઠક પર આજે એક ફોર્મ પરત ખેંચાતા ૧૦ ઉમેદવારો વચ્ચે જંગ થશે. સોમનાથ મતક્ષેત્રમાં ચાર રાજકીય પક્ષો સહિત ૯ ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ થયું હતું. તાલાલામાં ૧૦, 

દ્વારકા જિલ્લાની ખંભાળિયા બેઠક માટે ૩ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચતા ૧૧ વચચ્ચે, જ્યારે દ્વારકામાં ૧૩ ઉમેદવારો વચ્ચે ચૂંટણી લડાશે. ખંભાળિયામાં મુળુભાઈ, વિક્રમ માડમ, ઈસુદાન વચ્ચે  મુખ્ય જંગ છે. બ.સ.પા, એઆઈએમઆઈએમ, નવનિર્માણ સેના વગેરેએ પણ ઉમેદવારી નોંધાવી છે. 

પોરબંદરમાં ૨ ફોર્મ પરત ખેંચાતા હવે ૧૧ ઉમેદવારો વચ્ચે જંગ છે જેમાં મુખ્યત્વે ભાજપ,કોંગ્રેસ વચ્ચે ટક્કર થશે, ઉપરાંત આપના ઉમેદવાર પણ છે. કુતિયાણા બેઠકક પર એક ફોર્મ પાછુ ખેંચાતા ૧૩ ઉમેદવારોમાં મુખ્યત્વે ભાજપ, કોંગ્રેસ, સમાજવાદી પાર્ટી અને આમ આદમી પાર્ટી વચ્ચે ચતુષ્કોણીય જંગ થશે. 

સુરેન્દ્રનગર જિલ્લાના રાજકારણમાં મહત્વના ચોટીલામાં ૯ ઉમેૈદવારો મેદાનમાં રહ્યા છે. ત્રણ ઉમેદવારોપત્રકો પરત ખેંચાયા છે. ઈ.૨૦૧૭માં બળવો કરનાર શામજી ચૌહાણને આ વખતે ભાજપે  ટિકીટ આપી છે. 

મુખ્યત્વે દરેક બેઠક પર કોંગ્રેસ,ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે ત્રિપાંખિયો અને કુતિયાણા સહિત કેટલીક બેઠકો પર ચતુષ્કોણીય જંગ દેખાઈ રહ્યો છે.

આજે મુખ્યમંત્રી માણાવદરમાં, રાજકોટમાં ભાજપના અધ્યક્ષ

ચૂંટણી ચિત્ર સ્પષ્ટ થતા જ પ્રચારનો ધમધમાટ શરુ થયો છે, રાજકોટમાં આવતીકાલે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા, પ્રદેશ ભાજપ પ્રમુખ  સહિત નેતાઓ, જુનાગઢ જલ્લાના માણાવદરમાં આવતીકાલે મુખ્યમંત્રી અને માંગરોળમાં પૂર્વ મુખ્યમંત્રી તથા જુનાગઢમાં નાયબ મુખ્યમંત્રીની સભા યોજાઈ છે.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો