રશિયા સામે યુદ્ધ જીતવું સહેલું નથી : અમેરિકાની યુક્રેનને શીખ


- સળંગ ત્રીજા દિવસે રશિયાનો યુક્રેન પર મિસાઈલમારો, ચારનાં મોત, પાંચ ઘાયલ

- યુક્રેનમાં હાડગાળતી ઠંડીમાં વીજળીની કટોકટી સર્જાતા લોકોની હાલાકી વધી : ચારેબાજુ અંધારપટ્ટની સ્થિતિ

- યુક્રેન કાળા સમુદ્રના માર્ગે અનાજની નિકાસ કરી શકે તે માટે સંયુક્ત રાષ્ટ્રની રશિયન અધિકારીઓ સાથે વાતચીત થઈ

કીવ : યુક્રેન પર રશિયાએ સતત ત્રીજા દિવસે બેફામ મિસાઈલમારો કર્યો હતો. એ હુમલામાં ચારનાં મોત થયા હતા અને પાંચને ઈજા પહોંચી હતી. યુક્રેનમાં હાડગાળતી ઠંડી વચ્ચે વીજળીની ગંભીર કટોકટી સર્જાઈ ગઈ છે અને તેના કારણે ચારેબાજું અંધારપટ્ટની સ્થિતિ થઈ ગઈ છે. એ કારણે લોકોની હાલાકી વધી છે. સતત હુમલા દરમિયાન અમેરિકાએ યુક્રેનને સાનમાં સમજાવ્યું હતું કે રશિયા સામે યુદ્ધ જીતવાનું સહેલું નથી. અમેરિકન લશ્કરના વડાએ યુક્રેન-રશિયા વચ્ચે વાટાઘાટોથી વિવાદ ઉકેલવાની ભલામણ કરી હતી.

રશિયન સૈન્યએ સતત ત્રીજા દિવસે યુક્રેન પર મિસાઈલમારો ચાલુ રાખ્યો હતો. અસંખ્ય મિસાઈલો છોડીને રશિયાએ યુક્રેનના વીજમથકો, એપાર્ટમેન્ટ્સ, ઈમારતો વગેરે તોડી પાડયા હતા. રશિયન સૈન્યએ યુક્રેનના દક્ષિણમાં આવેલા ઓડેસા પ્રાંત ને તેના નીપ્રો શહેર પર પહેલી વખત હુમલા કર્યા હતા. રશિયાએ મોટા પાયે મિસાઈલ હુમલાં કરતાં યુક્રેનના તમામ નાના-મોટા શહેરોમાં એલર્ટ સાયરન વાગી હતી. યુક્રેનના પાટનગર કિવના અધિકારીએ કહ્યું હતું કે યુક્રેનની એર ડિફેન્સ સિસ્ટમે ઈરાની બનાવટના પાંચ ડ્રોન અને બે રશિયન ક્રૂઝ મિસાઈલો તોડી પાડી હતી.

રશિયાએ યુક્રેનના ઉર્જા મથકો તોડી પાડયા હોવાથી યુક્રેનના અનેક શહેરોમાં વીજળી ગૂલ થઈ ગઈ છે. વીજ કટોકટી સર્જાતા ચારેબાજુ અંધારપટ્ટ સર્જાયો છે. એક તરફ હાડગાળતી ઠંડી શરૂ થઈ ગઈ છે ને બીજી તરફ અંધારપટ્ટ થઈ જતાં લોકોની હાલાકી વધી છે.

હુમલા વચ્ચે સંયુક્ત રાષ્ટ્રસંઘે રશિયન ટીમ સાથે જીનિવામાં અનાજની નિકાસ બાબતે વાટાઘાટો કરી હતી. વિશ્વમાં અનાજની અછત ન સર્જાય તે માટે રશિયા કાળા સમુદ્રના માર્ગે યુક્રેનના ઘઊંની નિકાસ કરવા દે તે માટે વાટાઘાટો થઈ હતી. બરાબર એ જ વખતે યુક્રેન પર બેફામ મિસાઈલમારો કરીને રશિયાએ મિજાજ બતાવ્યો હતો. યુએને એવી પણ કટિબદ્ધતા બતાવી હતી કે ખેતી ને ખાતરને લગતી રશિયાની નિકાસ પર લાગેલો પ્રતિબંધ યુએન ઉઠાવી લેશે. અગાઉ તુર્કીના ઈસ્તામ્બૂલમાં આ અંગેની વાટાઘાટો યુએન-તુર્કીની મધ્યસ્થીમાં થઈ હતી, પરંતુ તેનું ખાસ પરિણામ આવ્યું ન હતું.

દરમિયાન રશિયા સામે યુદ્ધ જીતવાનું સહેલું નથી એવું અમેરિકાને સમજાઈ ગયું છે. અમેરિકન સૈન્યના વડા જનરલ માર્ક મિલે યુક્રેનને સાનમાં સમજાવતા કહ્યું હતું કે રશિયા પાસે મોટું સૈન્ય છે. સૈન્યબળ ઉપરાંત હથિયારોની બાબતમાં પણ રશિયા ઘણું સમૃદ્ધ છે. યુક્રેનનું સૈન્ય રશિયાને તમામ ક્ષેત્રોમાંથી ભગાડી શકે એવી શક્યતા નથી. એ કામ ખૂબ મુશ્કેલ છે. યુક્રેનનો વિજય ત્યારે જ થઈ શકે, જ્યારે યુક્રેનના તમામ વિસ્તારોમાંથી રશિયાના સૈન્યને ખદેડવામાં આવે, પરંતુ એ દિવસ લાવવો કપરો છે. અમેરિકન લશ્કરના અધિકારીએ સલાહ આપી હતી કે યુક્રેન-રશિયાના યુદ્ધનો નિવેડો વાટાઘાટોથી જ લાવવો જોઈએ. યુદ્ધના મોરચે તેનો ઉકેલ લાવવાને બદલે રાજનૈતિક ઉકેલ આવે તે વધારે યોગ્ય ગણાશે. જનરલ મિલેએ કહ્યું હતું કે અમેરિકા હંમેશા યુક્રેનનું સમર્થન કરશે, છતાં જે રીતે રશિયા બેફામ હુમલા કરે છે તેનાથી જે ખુંવારી થાય છે તે ભયાવહ છે એટલે આ યુદ્ધનો નિવેડો આવે તે જરૂરી છે. 

યુક્રેન પર હુમલા : યુદ્ધ અટકાવવા જી-20ની અપીલ સામે પુતિનનો જવાબ

ઈન્ડોનેશિયાના બાલીમાં જી-૨૦ દેશોના નેતાઓની બેઠક મળી હતી. એમાં જી-૨૦ દેશોના હાજર રહેલા નેતાઓએ યુદ્ધ અટકાવવાની રશિયા-યુક્રેનને અપીલ કરી હતી. 

ખાસ તો પુતિન આ યુદ્ધ રોકી દે અને હુમલા બંધ કરે એવી ભલામણ આ દેશોએ કરી હતી. જી-૨૦ના નેતાઓને પુતિને હુમલાથી જવાબ આપ્યો હતો. હુમલા રોકવાની અપીલનો જવાબ પુતિને વધારે આક્રમક થઈને હુમલા કરીને આપ્યો હતો. 

પુતિને જી-૨૦ બેઠક શરૂ થઈ ત્યારથી સતત મિસાઈલો છોડવાનો આદેશ આપ્યો છે. તેના કારણે યુક્રેન કફોડી સ્થિતિમાં મૂકાઈ ગયું છે. 

યુદ્ધ રોકવા રશિયા-યુક્રેનના નાગરિકો વારાણસીમાં મહાદેવના શરણે

- યુરોપિયન દેશોના નાગરિકોની એક ટૂકડીએ વેદ મંદિરમાં મહારૂદ્રાભિષેક કરાવ્યો

યુક્રેનની ઓલેના તારાસોવા નામની મહિલા ભારતીય સંસ્કૃતિમાં ઊંડી શ્રદ્ધા ધરાવે છે. અગાઉ તેણે જૂના અખાડા ની દીક્ષા પણ લીધી હતી. તેના નેતૃત્વમાં રશિયા-યુક્રેન-જર્મની સહિતના યુરોપિયન દેશોના નાગરિકોનું એક જૂથ વારાણસીના મહાદેવ મંદિરમાં આવ્યું હતું અને યુક્રેન-રશિયા યુદ્ધ અટકી જાય તે માટે પ્રાર્થના કરીને આ વિદેશી નાગરિકોએ મહારૂદ્રાભિષેક કરાવ્યો હતો. વારાણસીના છિત્તૂપુર સંચાલિત વેદ મંદિરમાં વૈદિક વિધિ કરાવીને આ નાગરિકોએ બંને દેશોમાં શાંતિ સ્થપાય તે માટે મહાદેવના શરણોમાં શિશ નમાવ્યું હતુ ને પ્રાર્થના કરી હતી.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો