ચીનના હેનાન પ્રાંતમાં ફેક્ટરીમાં આગજની, 36ના મોત અને 2 લાપતા


- દુર્ઘટના સ્થળ પર 200થી વધુ જવાનોએ શોધ અને બચાવ કામગીરી હાથ ધરી હતી

બેઈજિંગ, તા. 21 નવેમ્બર 2022, મંગળવાર

ચીનના હેનાન પ્રાંતમાં આવેલી એક કંપનીમાં લાગેલી ભીષણ આગમાં 36 લોકોના મોત થયા છે. સ્થાનિક સરકારે મંગળવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, આ ઘટનામાં બે લોકો ઘાયલ થયા છે જ્યારે અન્ય બે લાપતા છે. જે કંપનીમાં આગ લાગી ત્યાં કેમિકલ અને અન્ય ઔદ્યોગિક સામાન બનાવવામાં આવે છે. વેનફાંગ જિલ્લા સરકારના જણાવ્યા પ્ર્માણે આગ સોમવારે સાંજે 4:00 વાગ્યાની આસપાસ લાગી હતી અને લગભગ ચાર કલાકની જહેમત બાદ અગ્નિશામકો દ્વારા આગ કાબૂમાં લેવામાં આવી હતી. દુર્ઘટના સ્થળ પર 200થી વધુ જવાનોએ શોધ અને બચાવ કામગીરી હાથ ધરી હતી. ફાયર બ્રિગેડના 60 જવાનોને પણ ઘટનાસ્થળે મોકલવામાં આવ્યા હતા.

આગના કારણે આ દુર્ઘટનામાં કંપનીના કેટલા કર્મચારીઓના મોત થયા તે અંગે હજુ સુધી કોઈ માહિતી આપવામાં આવી નથી. જોકે, ચીનમાં વધતી સ્પર્ધા અને ભ્રષ્ટાચારને કારણે સુરક્ષા પગલાંમાં શિથિલતા સામાન્ય બની ગઈ છે. 2015માં ઉત્તરીય બંદર શહેર તિયાનજિનમાં એક કેમિકલ વેરહાઉસમાં એક વિશાળ વિસ્ફોટમાં 173 લોકો માર્યા ગયા હતા. મૃતકોમાં મોટાભાગના અગ્નિશામકો અને પોલીસ અધિકારીઓ હતા.

આ વર્ષે સપ્ટેમ્બરમાં ચીનના ચાંગશા શહેરમાં એક મોટી દુર્ઘટના બની હતી. ત્યાં એક 42 માળની ઈમારતમાં ભીષણ આગ લાગી હતી. આગ એટલી ઝડપથી ફેલાઈ હતી કે, બિલ્ડિંગના તમામ માળ તેની લપેટમાં આવી ગયા હતા. જે બિલ્ડીંગમાં આગ લાગી તેમાં ચીનની ટેલિકોમ્યુનિકેશન કંપની ચાઈના ટેલિકોમની ઓફિસ આવેલી છે. આગ બુઝાવવા માટે ફાયર બ્રિગેડની 36 ગાડીઓ લગાવવામાં આવી હતી. 

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો