નાસાની 50 વર્ષ બાદ ફરી ચંદ્ર યાત્રા : સૌથી ભારે-શક્તિશાળી અર્ટેમીસ-1 રોકેટનું લોન્ચિંગ
- ચંદ્ર પર કાયમી માનવ વસાહત બનાવવા અમેરિકાની યોજના
- ઓરાયન કેપ્સુલ ચંદ્રથી 70,000 કિ.મી. દૂર રહીને સંશોધન કરશે : હજારો અમેરિકનોએ સફળતાને વધાવી
કેપ કેનાવેરલ : અમેરિકાની અંતરીક્ષ સંશોધન સંસ્થા નેશનલ એરોનોટિસક્સ એન્ડ સ્પેસ એડિમિનિસ્ટ્રેશને (નાસા) બરાબર ૫૦ વર્ષ બાદ ફરીથી અંતરીક્ષ સંશોધન ક્ષેત્રે નવો ઇતિહાસ લખવા પોતાનું અર્ટેમીસ-૧ રોકેટ આજે ૨૦૨૨ની ૧૬, નવેમ્બરે બરાબર ૧૨ઃ૧૭ કલાકે (અમેરિકન સમય) ચંદ્ર ભણી રવાના કર્યું છે. અર્ટેમીસ-૧ અમેરિકાના કેન્નેડી સ્પેસ સેન્ટર(ફ્લોરીડા)ના ૩૯-બી લોન્ચ પેડ પરથી રવાના થયું છે. જોકે અર્ટેમીસ-૧ને અમુક ટેકનિકલ ખામી સહિત ખરાબ હવામાન અને હરીકેન ઝંઝાવાત જેવા અવરોધ નડયા હોવાથી તેના મૂળ કાર્યક્રમ મુજબ વિલંબ થયો છે.
અર્ટેમીસ -૧ રોકેટ નાસાનું અત્યારસુધીનું સૌથી ભારેભરખમ અને સૌથી શક્તિશાળી રોકેટ છે. આધુનિક સ્પેસ લોન્ચ સિસ્ટમ(એસ.એલ.એસ.)થી બનેલું અર્ટેમીસ-૧ રોકેટ ૯૮ મીટર(૨૯૪ ફૂટ) ઉંચું છે.
૧૯૬૯ના એપોલો-૧૧ની પહેલી અને સફળ સમાનવ ચંદ્રયાત્રાનાં બરાબર ૫૩ વરસ બાદ નાસાએ ફરીથી તેનું અર્ટેમીસ -૧ રોકેટ ચંદ્ર ભણી રવાના કર્યું છે. છેલ્લે નાસાનું એપોલો-૧૭ અવકાશયાન ૧૯૭૨ની ૭ ,ડિસેમ્બરે ચંદ્ર યાત્રાએ ગયું હતું. આમ નાસાની ચંદ્ર યાત્રા ૫૦ વરસ બાદ ફરીથી શરૂ થઇ છે.
અર્ટેમીસ-૧ ને આકાશમાં પ્રવાસ કરતું નિહાળવા માટે લોન્ચિંગ સાઇડ પર લગભગ ૧૫,૦૦૦ કરતાં પણ વધુ નાગરિકો ભેગાં થયાં હતાં. ઉપરાંત, ફ્લોરીડાના સમુદ્ર કિનારા પર પણ જમા થયેલાં હજારો લોકોએ તાળીઓના ગડગડાટથી અને આનંદની કિકિયારીથી આ યાદગાર પ્રસંગને વધાવી લીધો હતો.
નાસાનાં સૂત્રોએ એવી માહિતી આપી હતી કે અમારા ત્રણ સપ્તાહના કાર્યક્રમ મુજબ બધું સમુંસૂતરું પાર પડશે તો અર્ટેમીસ-૧ રોકેટ તેમાં ગોઠવેલી ઓરાયન નામની અત્યાધુનિક કેપ્સુલને ચંદ્રમાની ભ્રમણકક્ષામાં ગોઠવી દેશે. ઓરાયન કેપ્સુલ ચંદ્રની ધરતી પર નહીં ઉતરે પણ શશી(ચંદ્રનું સંસ્કૃત નામ)થી ૭૦,૦૦૦ કિલોમીટર દૂર જઇને નવી અને ઉપયોગી માહિતી મેળવશે. ત્યારબાદ ઓરાયન બરાબર ૪૨ દિવસ બાદ ૧૦, ડિસેમ્બરે પૃથ્વી પર પાછી આવશે.પેસિફિક મહાસાગરમાં ઉતરશે.
અર્ટેમીસ-૧ ના લોન્ચ ડાયરેક્ટર ચાર્લી બ્લેકવેલ થોમ્પ્સને એવી માહિતી આપી હતી કે આજે અર્ટેમીસ-૧ લોન્ચ થયું ત્યારે તેને ૪૦ લાખ કિલોગ્રામ્સનો પ્રચંડ ધક્કો વાગ્યો હતો.આટલા પ્રચંડ ધક્કાથી રોકેટ એક સેકન્ડમાં ૧૬૦ કિલોમીટર(પ્રતિ કલાક)ની અતિ તીવ્ર ગતિએ આકાશમાં ઉડયું હતું.
રાકેટ ગગનમાં ઉડયું તેની બરાબર આઠમી મિનિટે રોકેટનો મુખ્ય હિસ્સો છૂટો પડી ગયો હતો. ત્યારબાદ રોકેટના સૌથી આગળના હિસ્સામાં ગોઠવાયેલી ઓરાયન કેપ્સુલને ઇન્ટરીમ ક્રાયોજેનિક પ્રપલ્ઝન સ્ટેજ(આઇ.સી.પી.એસ.)નો મોટો ધક્કો વાગ્યો હતો અને તે પૃથ્વીની ભ્રમણકક્ષામાંથી બહાર નીકળી જઇને અફાટ અંતરીક્ષમાં ચંદ્રની ભ્રમણકક્ષા તરફ તીવ્ર ગતિએ આગળ વધી હતી.
ચાર્લી થોમ્પ્સને અર્ટીમીસ-૧ના સફળ અને સલામત લોન્ચિંગ માટે તેની ટીમને અભિનંદન આપીને કહ્યું હતું કે હવે ૨૦૨૫માં એક મહિલા અવકાશયાત્રી સાથે ફરીથી ચંદ્ર યાત્રા થશે.
Comments
Post a Comment