આફતાબ સીરિયલ કિલર હોવાની આશંકાઃ પોલીસે બધી ગર્લ્સની તપાસ આદરી
'આફતાબે મારપીટ કરી હોવાથી આખું શરીર દુખે છે, હું ઓફિસ નહીં આવી શકુ' : શ્રદ્ધાની ટીમ લીડર સાથેની ચેટ વાયરલ
શ્રદ્ધાએ બ્લડ પ્રેશર લૉ થયાની તેમ જ શરીરમાં એનર્જી ન હોવાની ફરિયાદ કરી હતી : વાતચીતમાં આફતાબના પેરેન્ટ્સનો પણ ઉલ્લેખ
શ્રદ્ધા મર્ડર કેસની તપાસ દરમિયાન પોલીસને નવી જાણકારી મળી રહી છે. પોલીસને હવે શ્રદ્ધાના જૂના ફોટા અને એક વોટ્સએપ ચેટ મળી આવી છે. જેમાં શ્રદ્ધાએ આફતાબ મારપીટ કરતો હોવાનું કહ્યું હતું. તપાસ દરમિયાન આફતાબની પૂછપરછ પછી હવે પોલીસને તો એવી પણ આશંકા છે કે આફતાબ સીરિયલ કિલર હોઈ શકે છે. તેના સંપર્કમાં આવેલી અન્ય છોકરીઓ સુધી પહોંચવાની તજવીજ પણ પોલીસે શરૃ કરી છે. તેની ડિજિટલ ફૂટ પ્રિન્ટના આધારે પોલીસ આગળની તપાસ કરી રહી છે. આફતાબ ડેટિંગ એપ્સના માધ્યમથી છોકરીઓને ફસાવતો હતો એટલે પોલીસે એની હિસ્ટરી ચકાસવાનું શરૃ કર્યું છે.
શ્રદ્ધાની હત્યા કર્યા બાદ ૩૫ ટૂકડાં કરી નાખીને તેને જંગલમાં ફેંકી દેનારા નરાધમ આફતાબની પૂછપરછ દરમિયાન સતત નવી નવી વિગતો પોલીસને પણ ચોંકાવી રહી છે. આફતાબના નિવેદનોમાં સતત વિસંગતતા હોવાથી પોલીસને શંકા પડી રહી છે કે હજુય આફતાબ કંઈક છૂપાવી રહ્યો છે. પોલીસને તો એવીય દહેશત છે કે આફતાબ સીરિયલ કિલર હોય તો નવાઈ નહીં. તેની વર્તણૂક અને નિવેદનો પરથી જણાઈ રહ્યું છે કે તેણે શ્રદ્ધા સાથે જેવું કર્યું એવું કદાચ અગાઉ પણ કર્યું હશે. પોલીસે તેની ડિજિટલ ફૂટપ્રિન્ટ ફંફોસીને તેના સંપર્કમાં આવેલી છોકરીઓ સુધી પહોંચવાની કોશિશ શરૃ કરી છે. ડેટિંગ એપ્સના માધ્યમથી આ નરાધમ છોકરીઓના સંપર્કમાં આવતો હતો. આફતાબ શ્રદ્ધા સાથે લિવ ઈનમાં રહેવા લાગ્યો તે પહેલાં પણ ઘણી છોકરીઓ સાથે અફેર કરી ચૂક્યો હતો. શ્રદ્ધાની હત્યા બાદ તુરંત જ ડેટિંગ એપ્સથી નવી ગર્લફ્રેન્ડ બનાવી લીધી હતી અને પછીય અન્ય છોકરીઓ સાથે ચેટ કરતો હતો.
દરમિયાન શ્રદ્ધાની એક જૂની ચેટ પણ વાયરલ થઈ છે. શ્રદ્ધાએ ૨૦૨૦માં તેના ટીમ લીડર કરણ ભક્કીને વોટ્સએપમાં કહ્યું હતુંઃ મને આફતાબે સખત મારી હોવાથી હું આજે નહીં આવી શકું. મને શરીર દુખે છે અને શરીરમાં બિલકુલ એનર્જી નથી. અમે આફતાબના પેરેન્ટ્સના ઘરે ગયા પછી બધા મુદ્દા ઉકેલાઈ ગયા છે. હવે એ બહાર આવી રહ્યો છે. હવે બધું બરાબર થઈ ગયું છે. આગળ શ્રદ્ધાએ લખ્યું હતુંઃ મારપીટના કારણે મારું બ્લડ પ્રેશર લો થઈ ગયું છે. ચેટ ઉપરાંત શ્રદ્ધાની એક તસવીર પણ સામે આવી છે. શ્રદ્ધાએ જ એ તસવીર શેર કરી હતી, જેમાં તેના ચહેરા, ગરદન, કાન, નાકમાં મારપીટના નિશાન દેખાઈ રહ્યાં છે. ૨૦૨૦માં આફતાબે અતિશય મારપીટ કરી હોવાથી શ્રદ્ધા ત્રણ દિવસ સુધી હોસ્પિટલમાં દાખલ પણ થઈ હતી. મુંબઈ જે હોસ્પિટલમાં દાખલ થઈ હતી તેની વિગતો પણ પોલીસને મળી છે. એમાં ડોક્ટરે લખ્યું હતું કે આવા નિશાન મારપીટ કે પડી જવાથી થાય છે.
શ્રદ્ધા અને આફતાબ મુંબઈમાં જે ઘરમાં રહેતા હતા ત્યાં પણ પોલીસે તપાસ કરી હતી. એમાં મકાન માલિકે નિવેદન આપ્યું હતું કે બંને ઘરમાં રહેતા હતા ત્યારે અનેક વખત ઝઘડા થતા હતા. એનો મતલબ એ થયો કે બંને દિલ્હીમાં રહેવા ગયા તે પહેલાંથી જ બંને વચ્ચે અણબનાવ થઈ ગયો હતો. શ્રદ્ધાના દોસ્તોના કહેવા પ્રમાણે મારપીટ પછી શ્રદ્ધા આફતાબ સાથે રહેવા માંગતી ન હતી, પરંતુ આફતાબે તેને ફોન કરીને પોતાની સાથે રહેવા મનાવી લીધી હતી. આફતાબ શ્રદ્ધાને ઈમોશનલ બ્લેકમેઈલ કરતો હતો કે જો તું પાછી નહીં આવે તો હું આપઘાત કરી લઈશ. તેની આપઘાતની ધમકીથી ડરી જઈને શ્રદ્ધા તેની સાથે રહેતી હતી.
Comments
Post a Comment