માનવ અધિકારના વિવાદ વચ્ચે આજથી ફૂટબોલ વર્લ્ડકપ


- કતારમાં શ્રમિકોનું સ્ટેડિયમ નિર્માણ દરમ્યાન પાશવી શોષણ: 6500ના મૃત્યુની આશંકા

- આઠેય સ્ટેડિયમમાં દારૂ-બિયર પીવા પર પ્રતિબંધ જાહેર થતા વૈશ્વિક પ્રવાસીઓ રોષે ભરાયા 

- વર્લ્ડકપનું આયોજન થતું હોય તેવો કતાર સૌપ્રથમ મુસ્લિમ દેશ: કડક નિયંત્રણો જારી રહેશે

કતાર : ઓલિમ્પિક કરતા પણ જેનો વિશ્વવ્યાપી ક્રેઝ વધુ જોવા મળતો હોય છે તેવા ઓલિમ્પિકની જેમ જ દર ચાર વર્ષે યોજાતા વર્લ્ડકપ ફૂટબોલનો આવતીકાલથી કતારમાં પ્રારંભ થઈ રહ્યો છે. વિશ્વની ૩૨ ટીમો આ વર્લ્ડકપમાં ભાગ લેશે અને વિશ્વના ટોચના ફૂટબોલ સ્ટાર્સ વચ્ચેનો રોચક મુકાબલો ચાહકો જોશે ત્યારે જમીન પર સિતારા ઉતરી આવ્યા હોય તેવો રોમાંચ અનુભવશે. જોકે આ વર્લ્ડકપ અગાઉ માનવ અધિકાર ભંગના એક કરતા વધુ કારણોને લીધે વૈશ્વિક હોબાળો પણ મચ્યો છે.

કતારમાં ૬૦ જ કિલોમીટરની ત્રિજીયામાં અદ્યતન આઠ સ્ટેડિયમ તો નિર્માણ પામ્યા જ છે પણ તેના નિર્માણ દરમ્યાન ભારતના કેરાલા સહિત અન્ય દેશના ૬,૫૦૦ જેટલાં શ્રમિકો પણ મૃત્યુ પામ્યા હોઈ માનવ અધિકાર સંસ્થાઓ ઠેર ઠેર બેનર સાથે વૈશ્વિક બહિષ્કારનો પ્રચાર કરી રહી છે.

કતારના ફૂટબોલ સંઘે તો આ મૃત્યુને છુપાવ્યા જ હતા પણ ઘણા અઠવાડિયાઓથી તેમના વતનમાં કોઈ સંદેશો નહોતો તેથી પરિવારજનોને શંકા ગઈ અને તેમાંથી મૃત્યુ થયાનું બહાર આવ્યું. આ ઉપરાંત જે શ્રમિકો ત્યાં રહ્યા તેઓને બંધકની જેમ રાખવામાં આવ્યા હતા અને ભારે શોષણ કરવામાં આવ્યું છે.કતાર પ્રથમ મુસ્લિમ દેશ છે જ્યાં વર્લ્ડકપનું આયોજન થયું હોય. વિશ્વભરના ૧૨ લાખથી વધુ પ્રવાસીઓ વર્લ્ડકપ દરમ્યાન કતાર આગમન કરશે. જેમાંના મોટાભાગના દેશમાં મદ્યપાન નિષેધ નથી. બીયર પીતા જ ફૂટબોલ મેચ માણવાની તેઓને ખરી મજા આવતી હોય છે. હવે બે દિવસ પહેલાં જ આયોજકોએ જાહેરાત કરી છે કે આઠેય સ્ટેડિયમમાં મદ્યપાન પર મનાઈ રહેશે. ત્યાં તે વેચાશે જ નહીં. હજારો વૈશ્વિક પત્રકારોને પણ મદ્યપાન વગર તકલીફ થશે.

કતારમાં મહિલાઓના પહેરવેશ પર તો નિયંત્રણ છે જ પણ સજાતિય સબંધ રાખતા સમુદાય પણ માન્ય નથી. કતારની સરકારે ચુસ્તપણે તેમના દેશના કાયદા અને નીતિ વિષયક દ્રષ્ટિકોણમાં બદલાવ લાવવાનો સ્પષ્ટ ઈન્કાર કર્યો છે જેના લીધે પ્રવાસીઓ અને વૈશ્વિક હયુમન રાઈટ્સ સંસ્થાઓ ભારે નારાજ છે. જુદા જુદા સંગઠનોએ ફૂટબોલ વિશ્વ મહાસંઘ (ફીફા) અને યુનાઇટેડ નેશન્સ સુધી રીપોર્ટ મોકલ્યા છે.

આયોજકોને વર્લ્ડકપને લીધે છ અબજ ડોલરનો નફો થશે તેમાંથી નિયમ મુજબ શ્રમિક વેલ્ફર જુથને પણ અનુદાન આપવાનું હોય છે. પણ આયોજકોએ આવા કોઈ કરારમાં હજુ સહી જ નથી કરી.

માનવ અધિકાર સંગઠનો કતાર પર વર્લ્ડકપનું આયોજન કરવા માટેની પસંદગી ઉતારાઈ ત્યારથી જ તેને રદ કરવા દેખાવો કરતા રહ્યાં છે. તેઓનું કહેવું છે કે કતાર કે એવા કોઈપણ દેશને વર્લ્ડકપના આયોજનની મંજૂરી ન આપવી જોઈએ જ્યાં મહિલાનું સમાન દરજ્જા સાથે સન્માન ન થતું હોય. કતારમાં મહિલાના કોઈ પણ નિર્ણયમાં કાયદેસર રીતે તેના પતિ કે પુરૂષ વાલીની મંજૂરી લેવી પડે છે. જે મહિલા અન્ય પુરૂષ સાથે સંબંધ રાખે તો જાહેરમાં તેને ફટકારવામાં પણ આવે છે.

આમ છતાં એક વખત વર્લ્ડકપ શરૂ થશે તે પછી ચાહકો અને મીડિયા બધું જ ભૂલી જશે. ફૂટબોલની રોચકતાની વાત કરીએ તો વર્લ્ડકપમાં સૌથી વધુ બ્રાઝિલ પાંચ વખત ચેમ્પિયન બન્યું છે. બ્રાઝિલ એક માત્ર દેશ છે જેણે અત્યાર સુધીના તમામ ૨૧ વર્લ્ડકપમાં ભાગ લીધો છે. ઈટાલી અને જર્મનીએ ૪-૪ વખત, વર્તમાન ચેમ્પિયન ફ્રાંસ, આર્જેન્ટિના અને ઉરૂગ્વે બે-બે વખત અને ઈંગ્લેન્ડ અને સ્પેન એક-એક વખત ચેમ્પિયન બન્યા છે.

આ વખતે ઈટાલી, સ્વીડન, ચીલી, ઈજપ્ત જેવી ટીમ ક્વોલિફાય નથી થઈ શકી.

અગાઉના વર્લ્ડકપમાં ૨૪ ટીમ ભાગ લેતી આ વખતથી ૩૨ ટીમ વચ્ચે વર્લ્ડકપ રમાશે.

આવતીકાલે ભારતીય સમય પ્રમાણે રાત્રે ૯.૩૦થી યજમાન એક્યુડોર અને કતાર વચ્ચે મેચથી પ્રારંભ થશે તે પછી રોજ બે કે ત્રણ મેચ રમાશે. ક્વાર્ટર ફાઈનલની મેચ ૯ ડિસેમ્બરથી, સેમિફાઈનલ ૧૪ ડિસેમ્બરથી ત્રીજા સ્થાન માટેની મેચ ૧૭ ડિસેમ્બરે અને ફાઇનલ ૧૮ ડિસેમ્બરે ભારતીય સમય પ્રમાણે રાત્રે ૮.૩૦થી રમાશે.

32 ટીમ આઠ ગ્રુપમાં વહેંચાઈ છે

ગ્રુપ એ: કતાર, એક્યુડોર, સેનેગલ, નેધરલેન્ડસ

ગ્રુપ બી: ઈંગ્લેન્ડ, ઈરાન, યુએસ., વેલ્સ

ગ્રુપ સી: આર્જેન્ટિના, સાઉદી અરેબિયા, મેક્સિકો, પોલેન્ડ

ગ્રુપ ડી: ફ્રાંસ, ઓસ્ટ્રેલિયા, ડેન્માર્ક, ટયુનિશીયા

ગ્રુપ ઈ: સ્પેન, કોસ્ટા રીકા, જર્મની, જાપાન

ગ્રુપ એફ: બેલ્જીયમ, કેનેડા, મોરોક્કો, ક્રોએશિયા

ગ્રુપ જી: બ્રાઝિલ, સર્બિયા, સ્વિત્ઝર્લેન્ડ, કેમરૂન

ગ્રુપ એચ:  પોર્ટુગલ, ઘાના, ઉરૂગ્વે, સાઉથ કોરિયા

ચેમ્પિયન ટીમને રૂા. 344 કરોડનું ઈનામ

વર્લ્ડકપ ટ્રોફીની કિંમત રૂા. 144 કરોડ ! 6.2 કિલો 18 કેરેટના ગોલ્ડથી બની છે

- રનર્સઅપને રૂપિયાને 245 કરોડ મળશે

કતારમાં શરૂ થઈ રહેલા ફિફા વર્લ્ડકપમાં ચેમ્પિયન બનનારી ટીમને પ્રતિષ્ઠિત વર્લ્ડકપ ટ્રોફી એનાયત કરવામાં આવશેે. વર્લ્ડકપ વિજેતાને આપવામાં આવનારી વર્લ્ડકપ ટ્રોફીમાં ૬.૧૭૫ કિલોગ્રામ જેટલું ૧૮ કેરેટ (૭૫ ટકા)ગોલ્ડ છે. જેની કિંમત આજે આશરે રૂપિયા ૧૪૪ કરોડ જેટલી થાય છે. 

ટ્રોફીની ઉંચાઈ ૩૬.૫ સે.મી. છે અને તેના બેેઝનો વ્યાસ ૧૩ સે.મી.નો છે. ટ્રોફીમાં ઉપરની તરફ પૃથ્વીનો ગોળો દર્શાવવામા આવ્યો છે. ૧૯૯૪ પછી ટ્રોફીના નીચેના ભાગે એક પ્લેટ ઉમેરવામાં આવી છે, જેમાંવિજેતાના નામ અંકિત કરવામાં આવે છે. વિજેતા દેશને આ ટ્રોફીની ગોલ્ડ-પ્લેટેડ બ્રોન્ઝ રેપ્લીકા આપવામાં આવે છે. ટ્રોફીને માત્ર વર્લ્ડકપ વિજેતા જ સ્પર્શ કરી શકે છે. હાલની ટ્રોફી ૧૯૭૪થી વર્લ્ડ ચેમ્પિયનને આપવામાં આવે છે.

વર્લ્ડકપમાં ચેમ્પિયન બનશે તે ટીમને આશરે રૂા. ૩૪૪ કરોડ જેટલું ઈનામ આપવામાં આવશે. જ્યારે રનર્સઅપ ટીમને રૂપિયા ૨૪૫ કરોડ તેમજ ત્રીજા ક્રમની ટીમને ૨૨૦ કરોડ રૂપિયા અને ચોથા ક્રમની ટીમને ૨૦૪ કરોડ રૂપિયા મળશે. 

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો