કતારમાં ફૂટબોલ વર્લ્ડકપનો રંગારંગ પ્રારંભ : એક્વાડોર પ્રથમ મેચ જીત્યું
કતાર, તા.૨૦
સાઉથ અમેરિકન ટીમ એક્વાડોરે ફિફા વર્લ્ડકપ-૨૦૨૨ની સૌપ્રથમ મેચ જીતી લીધી હતી. તેમણે ૨-૦થી યજમાન કતારને પરાજીત કર્યું હતુ. બંને ગોલ એક્વાડોરના કેપ્ટન ઈન્નર વાલેન્સિયાએ નોંધાવ્યા હતા. તેણે વર્લ્ડકપનો સૌપ્રથમ ગોલ ૧૬મી મિનિટે પેનલ્ટી કીકની મદદથી ફટકાર્યો હતો. જ્યારે ૩૧મી મિનિટે હેડર ગોલ ફટકારતાં ટીમને ૨-૦થી સરસાઈ અપાવી હતી.
શરૃઆતમાં જ પાછળ ધકેલાયેલી કતારની ટીમે પાછા ફરવાના પ્રયાસો કર્યા હતા, પણ તેઓ સફળ રહ્યા નહતા અને આખરે હારી ગયા હતા. આ સાથે એક્વાડોરે જીત સાથે પોઈન્ટ ટેબલમાં ખાતું ખોલાવ્યું હતુ. આ ગૂ્રપમાં સામેલ નેધરલેન્ડ અને સેનેગલ વચ્ચે હવે મુકાબલો ખેલાશે.
વિવાદો અને બહિષ્કારની ચર્ચા વચ્ચે આખરે કતારમાં ફૂટબોલ વર્લ્ડકપનો રંગારંગ પ્રારંભ થયો હતો. ગીત-સંગીતની સાથે કલાકારોના મનમોહક પર્ફોમન્સ અને રોશનીના ઝગમગાટ વચ્ચે અલ-ખોરમાં આવેલા અલ બેત સ્ટેડિયમમાં યોજાયેલા ઉદ્ઘાટન સમારંભને વિશ્વભરના ચાહકોએ નિહાળ્યો હતો. સ્ટેડિયમમાં ૬૦ હજાર પ્રેક્ષકોની ક્ષમતાના પ્રમાણમાં ઓછા ચાહકોની હાજરીને કારણે ઘણી ખાલી સીટ જોવા મળી હતી.
કતારના રાજવી પરીવારની સાથે સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ, જોર્ડનના કિંગ તેમજ તુર્કી, અલ્જેરિયા અને ઈજીપ્તના રાષ્ટ્રપ્રમુખની હાજરી ઉદ્ઘાટનમાં જોવા મળી હતી. ફિફાના વડા ઈન્ફાટિનોની સાથે અન્ય ઓફિશિઅલ્સ પણ ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે કાર્યક્રમમાં સાઉથ કોરિયન પોપ બેન્ડના સિંગર જુંગ કૂકે આકર્ષણ જમાવ્યું હતુ. અમેરિકન અભિનેતા મોર્ગન ફ્રિમેને પણ પર્ફોમન્સ આપ્યું હતુ. તેમની સાથે દિવ્યાંગ યુટુબર ઘાનિમ અલ મુફ્તાહે પણ ઉદ્ઘાટનમાં પોતાની ઉપસ્થિતિને નોંધાવી હતી.
રંગારંગ સમારંભ દરમિયાન કલાકારોએ જુદી-જુદી વેષભૂષા અને પોશાક સાથે સ્ટેડિયમમાં અનોખી આભા રચી હતી. રંગબેરંગી રોશનીના ઝળહળાટની સાથે સંગીતકારોએ પણ કમાલ કરી હતી. કતાર ફૂટબોલ વર્લ્ડકપના મેસ્કોટ લા'ઈબની એન્ટ્રી રસપ્રદ રહી હતી. જેનો અરેબિયન ભાષા અર્થ થાય છે અસાધારણ કૌશલ્ય ધરાવતો ખેલાડી. કતારમાં એક તરફ ઉદ્ઘાટન સમારંભ ચાલી રહ્યો હતો, અને તે અંગે સોશિયલ મીડિયામાં વિવિધ મેસેજીસ વહેતા થયા હતા.
સોશિયલ મીડિયામાં ઘણા ચાહકોએ ઉદ્ઘાટન સમારંભ અંગે નારાજગી વ્યક્ત કરતાં રોષ ઠાલવ્યો હતો. જ્યારે કેટલાકે ઉદ્ઘાટન સમારંભમાં મહિલા પર્ફોમર્સની હાજરી અંગે પ્રશ્નાર્થ સર્જ્યા હતા. કોલિંબિયન સિંગર અને પર્ફોર્મર શાકિરા તેમજ બોલીવૂડ અભિનેત્રી નોરા ફતેહી પણ કતારના ઉદ્ઘાટન સમારંભમાં પર્ફોમન્સ આપવા હોવાની અટકળો ચાલી હતી. જોકે બંનેમાંથી કોઈ ઉદ્ઘાટનમાં જોવા ન મળતા ચાહકોએ આશ્ચર્ય વ્યક્ત કર્યું હતુ.
સાંજે યોજાનારા સમારંભ અગાઉ બપોરથી જ ફૂટબોલ ચાહકોનું સ્ટેડિયમમાં આગમન શરૃ થઈ ગયું હતુ. પ્રથમ મેચમાં યજમાન કતાર અને એક્વાડોર વચ્ચે મુકાબલો ખેલાવાનો હોવાથી બંને ટીમના સમર્થકો અનોખા અંદાજમાં ખેલાડીઓનો સપોર્ટ કરવા માટે પહોંચ્યા હતા.
Comments
Post a Comment