ખોટ ખાઇ રહેલી એર ઇન્ડિયાને ખરીદશે કોણ?

અગાઉ પણ એર ઇન્ડિયાને વેચવાનો નિષ્ફળ પ્રયાસ થઇ ચૂક્યો છે પરંતુ એ વખતે સરકારે કંપનીની 76 ટકા હિસ્સેદારી વેચવા કાઢી હતી પરંતુ ચોથા ભાગ પર સરકારનો અધિકાર જોતાં સરકારી દખલગીરીના ડરને લઇને કોઇ ખરીદદાર મળ્યું નહોતું
સરકારે ફરી વખત ખોટ ખાઇ રહેલી એર ઇન્ડિયા વેચવા કાઢી છે. આ વખતે સરકારે એર ઇન્ડિયાની ૧૦૦ ટકા ભાગીદારી વેચવાનું ટેન્ડર જારી કર્યું છે. એર ઇન્ડિયાના રણનૈતિક વિનિવેશ અંતર્ગત સરકાર એર ઇન્ડિયાની સસ્તી વિમાની સેવા એર ઇન્ડિયા એક્સપ્રેસની પણ ૧૦૦ ટકા ભાગીદારી વેચશે. એ સિવાય એર ઇન્ડિયાની સિંગાપુર એરલાઇન્સ સાથેના સંયુક્ત સાહસ એર ઇન્ડિયા- સેટ્સ એરપોર્ટ સર્વિસ પ્રાઇવેટ લિમિટેડનો ૫૦ ટકા હિસ્સો પણ વેચવામાં આવશે.
છેલ્લા બે વર્ષમાં એર ઇન્ડિયાને વેચવાનો આ બીજો પ્રયાસ છે. જોકે પહેલો પ્રયાસ નિષ્ફળ રહ્યો હતો કારણ કે એર ઇન્ડિયાને ખરીદવા કોઇ પણ આગળ આવ્યું નહોતું. વર્ષ ૨૦૧૮માં સરકારે એર ઇન્ડિયાનો ૭૬ ટકા હિસ્સો વેચવા કાઢ્યો હતો. એર ઇન્ડિયા ઉપર આશરે ૬૦ હજાર કરોડનું દેવું છે અને તે ખોટમાં ચાલી રહી છે. કંપની પાસે કર્મચારીઓના વેતન ચૂકવવા તેમજ બળતણ માટે પણ પૂરતા નાણા નથી. થોડા દિવસ પહેલાં જ કંપનીના અધિકારીઓએ ચેતવણી આપી હતી કે જો કોઇ ખરીદદાર નહીં મળે તો એર ઇન્ડિયા બંધ કરી દેવી પડશે.
અગાઉ યૂપીએ સરકાર વખતે પણ એર ઇન્ડિયાને વેચવાની વાતો સંભળાતી હતી. જોકે સૌથી મોટો સવાલ તો એ છે કે દેવામાં ડૂબેલી આ કંપનીને કોઇ ખરીદે જ શા માટે? અગાઉ પણ એર ઇન્ડિયાને વેચવાનો નિષ્ફળ પ્રયાસ થઇ ચૂક્યો છે. દેવા ઉપરાંત કંપની હાલ ખોટમાં ચાલી રહી છે. પરિસ્થિતિ એ છે કે એર ઇન્ડિયાને રોજનું લગભગ ૨૦થી ૨૫ કરોડ રૂપિયાનું નુકસાન થઇ રહ્યું છે. સરકારી આંકડા જોઇએ તો નાણાકીય વર્ષ ૨૦૧૯ દરમિયાન કંપનીએ ૨૫,૫૦૯ કરોડ રૂપિયાની કમાણી કરી અને ૩૦,૧૯૪ કરોડ રૂપિયા ખર્ચ કર્યાં. મતલબ કે એક વર્ષમાં ૪૬૮૫ કરોડ રૂપિયાનું નુકસાન.
આ પહેલા સરકારે એર ઇન્ડિયા વેચવા કાઢી ત્યારે તેનો ૭૬ ટકા હિસ્સો વેચવાની શરત હતી. વળી આ હિસ્સો એક સાથે ખરીદવાનો હતો અને એ સાથે સરકારની પાંચ સહાયક કંપનીઓ પણ સાથે આવવાની હતી. વળી સરકાર એર ઇન્ડિયાનો ૨૪ ટકા હિસ્સો પોતાની પાસે રાખવા માંગતી હતી. આ કારણે બોલી લગાવવા ઇચ્છતા લોકોમાં એ અસમંજસ હતી કે જો ચોથા ભાગનો હિસ્સો સરકાર પાસે રહેશે તો એર ઇન્ડિયામાં કરવામાં આવનારા ફેરફારની સાથે સાથે રોજિંદા નિર્ણયોમાં પણ સરકારી દખલ રહી શકે છે.
બીજી સમસ્યા એર ઇન્ડિયાના દેવાને લઇને હતી કારણ કે કંપનીની કમાણી કરતા દેવું ક્યાંય વધારે છે અને એ પણ સ્પષ્ટ નહોતું કે સરકાર દેવાની ભરપાઇ માટે શું કરશે? એવામાં કોઇ રોકાણ કરે તો પણ કંપનીને બેઠી કરવામાં વરસો નીકળી જાય. સીધી વાત છે કે ખોટ કરતી કંપનીમાં કોઇ રોકાણ કરવાનું પસંદ ન કરે. ત્રીજી સમસ્યા એર ઇન્ડિયાના સ્ટાફને લઇને હતી.
કંપની ખરીદવા માંગતા ગ્રાહકો એ વાતે મુંઝવણમાં હતાં કે સરકાર તરફથી કોઇ સ્પષ્ટ પોલિસી નહોતી રજૂ કરવામાં આવી કે એરલાઇનના વર્તમાન સ્ટાફ સાથે શું કરવામાં આવશે? અમુક ગ્રાહકોએ તો એ વાતે જ પાછીપાની કરી કે એર ઇન્ડિયાનો સ્ટાફ ઘણો વધારે છે અને તેઓ એવો સ્ટાફ નથી ઇચ્છતાં જેમને કાઢી જ ન શકાય. એર ઇન્ડિયા અને તેની પાંચ સહાયક કંપનીઓમાં આશરે ૨૦ હજાર કર્મચારીઓ કામ કરે છે અને જો કોઇ કંપની ખરીદે તો તેમને ઓછામાં ઓછા એક વર્ષ સુધી નિભાવવાની શરત હતી.
વળી એર ઇન્ડિયાનો માર્કેટ શેર પણ એટલો નહોતો કે તે ગ્રાહકોને પોતાની તરફ આકર્ષિત કરી શકે. ડાયરેક્ટર જનરલ ઓફ સિવિલ એવિયેશનના આંકડા અનુસાર એપ્રિલ ૨૦૧૮માં ઇન્ડિગો ૩૯.૭ ટકા સાથે પહેલા સ્થાને હતી જેમાં ૧.૩૪ કરોડ પેસેન્જરોએ મુસાફરી કરી હતી. એ પછી ૧૪.૭ ટકા સાથે જેટ એરવેઝ બીજા સ્થાને હતી. તો ૧૩.૩ ટકા માર્કેટ શેર સાથે એર ઇન્ડિયા ત્રીજા સ્થાને હતી અને એર ઇન્ડિયામાં એ એપ્રિલ મહિનામાં માત્ર ૪૫.૦૬ લાખ પેસેન્જરોએ જ સવારી કરી હતી. વળી ટ્રાફિક ડેટા રિપોર્ટ અનુસાર સૌથી વધારે ફરિયાદો પણ એર ઇન્ડિયા માટે જ આવતી હોય છે.
અત્યારે પરિસ્થિતિ એ છે કે એર ઇન્ડિયાનું ખાનગીકરણ ન થયું તો માર્કેટની હાલત ઓર બગડી જશે. આમ પણ એર ઇન્ડિયાનો માર્કેટ શેર માત્ર ૧૩ ટકા છે અને જો પરિસ્થિતિ ન સુધરી તો તે ૧૦ ટકાએ પહોંચી શકે છે. એર ઇન્ડિયાને સોથી સવાસો એરક્રાફ્ટની જરૂર છે જે ડોમેસ્ટિક માર્કેટમાં ઉતારવામાં આવશે. જોકે કંપની પાસે આ વિમાનો ખરીદવા પૂરતો ફંડ નથી.
ડોમેસ્ટિક ઉપરાંત ઇન્ટરનેશનલ માર્કેટમાં પણ એર ઇન્ડિયા પોતાનું સ્થાન ગુમાવી રહી છે. ઇન્ડિગો અને વિસ્તારા ઇન્ટરનેશનલ એરક્રાફ્ટ ખરીદવાની તૈયારીમાં છે અને સ્પાઇસ જેટમાં પણ પ્લાનિંગ ચાલી રહ્યું છે. એવામાં જો એર ઇન્ડિયા વખતસર પરિસ્થિતિ નહીં સાચવે તો ડોમેસ્ટિકની સાથે સાથે ઇન્ટરનેશનલ માર્કેટ પણ ગુમાવશે.
અત્યારે એર ઇન્ડિયા સૌથી વધારે ઇન્ટરનેશનલ રૂટ ધરાવતી ભારતીય એરલાઇન છે અને જો તે દબાણમાં આવશે તો ભારતીય માર્કેટમાં વિદેશી એરલાઇન્સ આવી જશે. મોટા ભાગની ઇન્ટરનેશનલ એરલાઇન્સમાં દ્વીપક્ષીય પોલિસી રાખવામાં આવતી હોય છે જે એર ઇન્ડિયા ચલાવી નહીં શકે. એર ઇન્ડિયા અંતર્ગત બીજી પાંચ કંપનીઓ પણ કાર્યરત છે જેમાં એર ઇન્ડિયા એક્સપ્રેસે છેલ્લા થોડા સમયથી સસ્તા દરોના કારણે સારી એવી નામના મેળવી છે. પરંતુ સસ્તા હવાઇ દરના ક્ષેત્રમાં પણ એર એશિયા અને ગો એર જેવી એરલાઇન્સ તરફથી તગડી પ્રતિસ્પર્ધા મળી રહી છે.
હવે પહેલા અનુભવમાંથી બોધપાઠ લઇને સરકારે એર ઇન્ડિયાનો ૧૦૦ ટકા હિસ્સો વેચવા કાઢ્યો છે. એ સાથે જ એવી ચર્ચા પણ છે કે સરકારે કંપનીના ૬૦ હજાર કરોડના દેવાનો એક મોટો હિસ્સો માફ કરવાની ઓફર પણ આપી છે. યૂપીએ સરકારે વર્ષ ૨૦૧૧-૧૨માં એર ઇન્ડિયામાં આગામી દસ વર્ષમાં ૩૦ હજાર કરોડ રૂપિયા રોકવાની મંજૂરી આપી હતી અને ડિસેમ્બર ૨૦૧૯ સુધીમાં સરકાર તરફથી એર ઇન્ડિયામાં ૩૦,૫૨૦.૨૧ કરોડ રૂપિયા આપી ચૂકવામાં આવ્યા છે.
એવી ચર્ચા છે કે એર ઇન્ડિયાના ખરીદવા માટે ટાટા ગુ્રપ, હિંદુજા, ઇન્ડિયો, સ્પાઇસ જેટ અને કેટલીક પ્રાઇવેટ કંપનીઓ તરફથી બોલી લગાવવામાં આવી શકે છે. એવી પણ શક્યતા છે કે જોઇન્ટ વેન્ચર તરીકે બે કંપનીઓ સાથે મળીને એર ઇન્ડિયા ખરીદી શકે છે. એવિયેશન ઇન્ડસ્ટ્રીના સૂત્રો અનુસાર ઇન્ડિગો એર ઇન્ડિયા ખરીદવાની સૌથી મોટી દાવેદાર હોઇ શકે છે પરંતુ એના શેરહોલ્ડર્સની મંજૂરી મળવી મુશ્કેલ છે.
તો ટાટા ગુ્રપ પણ સરકાર સાથે ભાવતાલ કરી રહ્યું હોવાની ચર્ચા છે. જોકે સરકાર વધારેમાં વધારે બોલી આવે એની રાહ જોઇ રહી છે જેથી કરીને એર ઇન્ડિયાનું દેવું વાળી શકાય. જોકે સ્વાભાવિક છે કે એર ઇન્ડિયા ખરીદવા માંગતા ગ્રાહકો પોતાનો ફાયદો પહેલા ધ્યાનમાં રાખે. જાણકારોના મતે જો જૂન મહિના સુધી એર ઇન્ડિયાને કોઇ ખરીદદાર ન મળ્યો તો કંપનીની હાલત જેટ એરવેઝ જેવી થઇ શકે છે મતલબ કે તેને બંધ કરવાની નોબત આવી શકે છે. હાલના ફંડને જોતા કંપનીને વધારેમાં વધારે જૂન મહિના સુધી ચલાવી શકાય એમ છે અને ત્યાં સુધી સરકાર તરફથી સહાય ન મળી અથવા કોઇ ગ્રાહક ન મળ્યો તો કંપનીને તાળા વાગી જશે.
એર ઇન્ડિયા સરકારી કંપની છે એટલા માટે રાજકારણમાં પણ તેનો ધૂમ ઉપયોગ થયો છે. ધાર્મિક યાત્રાઓ માટે પણ કંપની તરફથી અનેક સેવાઓ આપવામાં આવી છે અને લોભામણા પેકેજ આપવામાં આવ્યાં છે. કંપની સરકારી હોવાના કારણે કમાણી પર નહીં પરંતુ લોકોની સુવિધા ધ્યાનમાં રાખવામાં આવી છે. કંપની એવા વિસ્તારોમાં પણ એરક્રાફ્ટ મોકલે છે જ્યાં પ્રાઇવેટ કંપનીઓ તૈયાર નથી થતી. એવામાં કંપનીની ખોટ વધવી સ્વાભાવિક છે. જો એર ઇન્ડિયા બંધ થઇ જાય તો દેશના પેસેન્જરોને નુકસાન જવું નક્કી છે. એ સંજોગોમાં કંપનીને કોઇ ગ્રાહક મળે છે કે નહીં એના પર જ તેના ભાવિનો આધાર છે.
Comments
Post a Comment