પુણેની ફેશન સ્ટ્રીટમાં વિકરાળ આગ, 448 દુકાનો બળીને રાખ, કરોડોનું નુકસાન

- આગ હોનારત બાદ દુકાનદારોને રાજ્ય સરકાર મદદ કરે તેવી આશા
નવી દિલ્હી, તા. 27 માર્ચ, 2021, શનિવાર
મહારાષ્ટ્રના પુણેમાં શુક્રવારે રાતે કેમ્પ એરિયા ખાતે આવેલી ફેશન સ્ટ્રીટમાં આગ લાગી હતી. આગ લાગવાના કારણે નાની-મોટી આશરે 448 દુકાનો બળીને રાખ થઈ ગઈ હતી. મુખ્ય ફાયર ટેન્ડર અધિકારી પ્રશાંત રણપાસેએ જણાવ્યું કે, રાતે 9:30 કલાકે ફેશન સ્ટ્રીટમાં આગ લાગી હોવાનો ફોન આવ્યો હતો. ત્યાર બાદ ફાયર વિભાગની બે ગાડીઓને ઘટના સ્થળે મોકલવામાં આવી હતી પરંતુ આગ એટલી વિકરાળ હતી કે કશું કરવાની તક નહોતી મળી.
ત્યાર બાદ ફાયર વિભાગની 16 ગાડીઓ, 50 ફાયર ફાઈટર્સ અને 10 અધિકારીઓએ ભારે મહેનતથી આગને કાબૂમાં લીધી હતી. પુણેની ફેશન સ્ટ્રીટમાં લાગેલી આગ એટલી વિકરાળ હતી કે શહેરના કોઈ પણ ખૂણેથી તે જોઈ શકાતી હતી. આગ લાગવાના કારણે માર્કેટમાં રહેલો બધો જ સામાન સંપૂર્ણપણે બળીને રાખ થઈ ગયો છે.
એક દુકાનદારે જણાવ્યું કે, શુક્રવારે વીકેન્ડ સેલ હોવાથી દુકાનદારો પોતાની દુકાનમાં માલ લાવીને રાખે છે. સપ્તાહના અંતમાં 3 લાખ સુધીનો માલ આવી જતો હોય છે તેનાથી કેટલું નુકસાન થયું હશે તેનો અંદાજો લગાવી શકાય છે. ફેશન સ્ટ્રીટમાં કપડાથી લઈને ઈલેક્ટ્રોનિક્સનો સામાન ખૂબ જ સસ્તી કિંમતે મળી રહે છે.
આગ હોનારત બાદ દુકાનદારોને રાજ્ય સરકાર મદદ કરે તેવી આશા છે. જેથી દુકાનદારો, લેબર અને ત્યાં કામ કરતા લોકો ફરી પોતાનો વેપાર શરૂ કરી શકે. છેલ્લા 15 દિવસમાં કેમ્પ એરિયામાં આગની બીજી ઘટના નોંધાઈ છે. અગાઉ શિવાજી માર્કેટમાં લાગેલી આગમાં 25 દુકાનો બળીને રાખ થઈ ગઈ હતી.
Comments
Post a Comment