બિલકિસ બાનો કેસના આરોપીઓની મુક્તિને કેન્દ્ર સરકારે મંજૂરી આપી હતી: ગુજરાત સરકાર


- ગોધરા કાંડ બાદ ગુજરાતમાં થયેલા રમખાણો દરમિયાન બિલકિસ  પર દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકામાં 3 માર્ચ 2002ના રોજ ટોળાએ ગેંગરેપ કરવામાં આવ્યો હતો

ગુજરાત, તા. 18 ઓક્ટોબર 2022, મંગળવાર

ગુજરાત સરકારે સોમવારે સુપ્રીમ કોર્ટને જણાવ્યું હતું કે, તેણે બિલકિસ બાનો કેસમાં 11 આરોપીઓને મુક્ત કરવાનો નિર્ણય એટલા માટે લીધો હતો કે, તેઓએ 14 વર્ષ કે તેથી વધુ સમય જેલમાં રહીને સારું વર્તન કર્યું હતું. આ બાબતે કેન્દ્રની સહમતી પણ લેવામાં આવી હતી. આરોપીઓની મુક્તિને પડકારતી અરજીઓના જવાબમાં દાખલ કરવામાં આવેલા સોગંદનામામાં રાજ્ય સરકારે એમ પણ કહ્યું છે કે, સીબીઆઈની સ્પેશિયલ ક્રાઈમ બ્રાન્ચ (મુંબઈ) અને સીબીઆઈની સ્પેશિયલ સિવિલ જજ અને સેશન્સ કોર્ટ (ગ્રેટર બોમ્બે)ના પોલીસ અધિક્ષકે ગયા વર્ષે માર્ચમાં આરોપીઓની વહેલી મુક્તિનો વિરોધ કર્યો હતો.

ગોધરા સબ-જેલના સુપ્રિટેન્ડેન્ટને લખેલા પત્રમાં સીબીઆઈ અધિકારીએ જણાવ્યું હતું કે, આચરવામાં આવેલો ગુનો જઘન્ય અને ગંભીર હતો અને તેથી તેને સમય પહેલા મુક્ત કરી શકાય નહીં અને તેના પ્રત્યે કોઈ નમ્રતા દાખવી શકાય નહીં.

સિવિલ જજે કહ્યું હતું કે, આ કેસમાં તમામ દોષિત આરોપીઓ નિર્દોષ લોકો પર બળાત્કાર અને હત્યાના દોષી સાબિત થયા હતા. આરોપીને પીડિતા સાથે કોઈ દુશ્મન કે કોઈ સંબંધ નહોતો. આ ગુનો માત્ર એ આધાર પર કરવામાં આવ્યો હતો કે, પીડિતા એક વિશેષ ધર્મની હતી. આ કેસમાં નાના બાળકોને પણ બક્ષવામાં નહોતા આવ્યા. આ માનવતા વિરુદ્ધ અપરાધનું સૌથી ખરાબ સ્વરૂપ છે. તે સમાજની ચેતનાને અસર કરે છે.

13 મે 2022ના રોજ સુપ્રીમ કોર્ટે આરોપીઓની અરજી પર નિર્ણય લેતા કહ્યું હતું કે, ગુજરાત સરકારને તેની અકાળે મુક્તિ માટેની પ્રાર્થના પર નિર્ણય લેવાનો અધિકાર છે કારણ કે આ ઘટના તે જ રાજ્યમાં બની હતી.


ગુજરાત સરકારના સોગંદનામા પ્રમાણે 1992ની નીતિ મુજબ જેલના મહાનિરીક્ષકને આરોપીઓની વહેલી મુક્તિ માટે જિલ્લા પોલીસ અધિકારી, જિલ્લા મેજિસ્ટ્રેટ, જેલ અધિક્ષક અને સલાહકાર બોર્ડ સમિતિનો અભિપ્રાય મેળવવા ફરજિયાત છે. ત્યારબાદ જેલ મહાનિરીક્ષકને નોમિનલ રોલની નકલ અને ચુકાદાની નકલ સાથે પોતાનો અભિપ્રાય આપવા અને સરકારને ભલામણ મોકલવાની ફરજ પડે છે.

ગુજરાત સરકારે કહ્યું કે, તેણે અનેક અધિકારીઓનો અભિપ્રાય માંગ્યો હતો. તેમાં પોલીસ અધિક્ષક, સીબીઆઈની સ્પેશિયલ ક્રાઈમ બ્રાન્ચ (મુંબઈ), સ્પેશિયલ સિવિલ જજ (સીબીઆઈ), સિટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટ (ગ્રેટર બોમ્બે), દાહોદના પોલીસ અધિક્ષક, દાહોદના કલેક્ટર અને જિલ્લા મેજિસ્ટ્રેટ, ગોધરા ઉપકારાના જેલ અધિક્ષક અને જેલ સલાહકાર સમિતિ અને અધિક મહાનિર્દેશક જેલ (અમદાવાદ) સામેલ છે.  બે સિવાય અન્ય તમામે તેની મુક્તિની ભલામણ કરી છે.

આ કેસની તપાસ કેન્દ્રીય તપાસ એજન્સી દ્વારા કરવામાં આવી હતી. રાજ્યએ પણ તેની ભલામણ કેન્દ્રને સુપરત કરી હતી. કેન્દ્રએ 11 જુલાઈ 2022ના પત્ર દ્વારા 11 કેદીઓને સમય પહેલા મુક્ત કરવા માટે તેની સંમતિ પણ આપી હતી.

ગુજરાત સરકારે કહ્યું કે, તમામ મંતવ્યો પર વિચાર કરવામાં આવ્યો છે અને 11 કેદીઓને મુક્ત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ તમામ કેદીઓએ જેલમાં 14 વર્ષ કે તેથી વધુ ઉંમર પૂર્ણ કરી છે. આ સમયગાળા દરમિયાન તેમની વર્તણૂક સારી હોવાનું જાણવા મળ્યું છે.

ગોધરા કાંડ બાદ ગુજરાતમાં થયેલા રમખાણો દરમિયાન બિલકિસ  પર દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકામાં 3 માર્ચ 2002ના રોજ ટોળાએ ગેંગરેપ કરવામાં આવ્યો હતો. તે સમયે બિલકિસ ગર્ભવતી હતી. ગુજરાત સરકારે 15 ઓગસ્ટે આ કેસમાં તમામ 11 દોષિતોને મુક્ત કર્યા હતા જેમને 2008માં આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી. જેલ એડવાઈઝરી કમિટી (JAC)ની સર્વસંમતિથી ભલામણને ટાંકીને સારા વર્તનના આધાર પર તેમને મુક્તિની ભલામણ કરવામાં આવી હતી.


Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો