બેંક યુનિયનોની માંગ: જૂની પેન્શન સ્કીમ ફરી લાગૂ કરો
મુંબઈ તા. 24 ઓક્ટોબર 2022
ભારતીય જનતા પાર્ટીની સત્તા સિવાયના કેટલાક રાજ્યોમાં સરકારી કર્મચારીઓ માટે જૂની પેન્શન સ્કીમ ફરી લાગૂ કરવામાં આવ્યા બાદ હવે બેંક યુનિયનોએ પણ આ માંગ દોહરાવી છે. બેંકોના પગાર વધારા અંગે કર્મચારીઓ અને બેંકના મેનેજમેન્ટ વચ્ચે નવેમ્બર મહિનામાં ફરી વાટાઘાટ શરુ થવાની છે ત્યારે આ માંગ કરવામાં આવી છે.
બેંકોના પગાર ધોરણમાં દ્વિપક્ષીય કરાર હેઠળ દર પાંચ વર્ષે બદલવામાં આવે છે. આ વખતે ૧૨માં સેટલમેન્ટ માટે ચર્ચા શરુ થવાની છે તેમાં આ મુખ્ય માંગ છે.
જૂની પેન્શન સ્કીમ વર્ષ ૨૦૦૭માં પૂર્ણ થઇ હતી. બેંકના કર્મચારીઓની માંગ છે કે જે રીતે મોંઘવારી વધી છે તેમાં પેન્શન સ્કીમ ઉપરાંત મોંઘવારી ભથ્થું ગણવાની પદ્ધતિમાં પણ ફેરફાર કરવા જરૂરી બન્યા છે.
વર્ષ ૨૦૧૭માં જયારે છેલ્લા પગાર ધોરણ નક્કી થયા ત્યારે ભારતમાં બેંકોનો કુલ બિઝનેસ રૂ.૧.૩૬ લાખ કરોડનો હતો જે માર્ચ ૨૦૨૨માં વધી રૂ.૧.૭૮ લાખ કરોડનો થયો છે. બેંકોના બિઝનેસમાં ૩૦ ટકાના વધારા સામે બેન્કોમાં કર્મચારીઓની સંખ્યા ૨૦ ટકા ઘટી છે. ૨૦૧૭માં ૪,૬૯,૮૯૭ સામે હવે ૩,૯૧,૬૧૨ કર્મચારીઓ છે. આ સ્થિતિમાં કામનો બોજ જે રીતે વધ્યો છે તે માટે પગારના ધોરણો પણ બદલાવવા જોઈએ તેમજ સપ્તાહમાં પાંચ જ દિવસ કામ પણ શરુ થવું જોઈએ.
બેંક યુનિયનોની મુખ્ય માંગ શું છું?
- સપ્તાહમાં પાંચ જ દિવસ કામ કરવાની છૂટ આપો.
- દરેક પેન્શનર માટે પેન્શનમાં વધારો કરો
- કર્મચારીઓને મળતા સ્પેશીયલ પે ને બેઝીક પે માં ઉમેરી દેવા
- રહેવા માટે મકાન અને હાઉસિંગ રેન્ટ એલાઉન્સમાં વધારો
- કર્મચારીઓ અને નિવૃત્ત કર્મચારીઓ માટે મેડીકલ ઇન્સ્યુરન્સ સ્કીમમાં સુધારો
- દરેક કર્મચારીઓને બોનસનો પણ લાભ
- બેંકમાં કાર્ય કરતા એજન્સીના કર્મચારીઓ અને કોન્ટ્રાક્ટ ઉપર કામ કરતા કર્મચારીઓને પણ બેંકના કાયમી કર્મચારીઓ બનાવવા
Comments
Post a Comment