આજે થરૂર કે ખર્ગે? કોંગ્રેસને 24 વર્ષ પછી ગાંધી કુટુંબ સિવાયના પ્રમુખ મળશે


નવી દિલ્હી તા. 19 ઓક્ટોબર 2022, બુધવાર

સોમવારે 9500 જેટલા સભ્યોએ મતદાન કર્યા પછી આજે કોંગ્રેસના પ્રમુખ માટેની મતગણતરી હાથ ધરવામાં આવશે. મત ગણતરી 10:00 વાગ્યે શરૂ થશે. એંસી વર્ષીય મલ્લિકાર્જુન ખર્ગે જીતે કે 66 વર્ષીય શશી થરૂર એક ચીજ નક્કી છે કે દેશની સૌથી જૂની પાર્ટી કોંગ્રેસના છેલ્લા 24 વર્ષમાં પ્રથમ વખત નેહરુ કે ગાંધી કુટુંબની બહારની વ્યક્તિ પ્રમુખ તરીકે મળશે. 

કોંગ્રેસના 137 વર્ષના ઈતિહાસમાં માત્ર છ વખત પ્રમુખ માટે મતદાન કરવાની જરૂર પડી છે. સોનિયા ગાંધીએ વયના કારણે અને 2019માં લોકસભા ચૂંટણીમાં કારમી હાર બાદ રાહુલ ગાંધીએ પક્ષના પ્રમુખ તરીકે રાજીનામું આપી દીધા બાદ આ જગ્યા ખાલી પડી હતી. બે વર્ષ દરમિયાન કેટલીયે વખત નવા નેતાની પસંદગી પહેલા રાહુલ ગાંધીને ફરીથી પ્રમુખપદ સંભાળી લેવા માટે વિવિધ નેતાઓએ વિનંતી કરી હતી પણ ગાંધીએ તેનો અસ્વીકાર કર્યો હતો. અત્યારે સોનિયા ગાંધી પક્ષના કાર્યકારી પ્રમુખ તરીકે કાર્યભાર ચલાવી રહ્યા છે. 

બીજી તરફ, ખર્ગે અને શશી થરૂરના ચૂંટણીના પ્રચાર દરમિયાન એવી વાતો સપાટી ઉપર આવી હતી કે પ્રમાણમાં યુવાન અને પોતાની વાત સ્પષ્ટ રીતે કરવા માટે જાણીતા થરૂર સામે ખર્ગેને ગાંધી પરિવારના સભ્યોએ જ પ્યાદા તરીકે મુક્યા છે. જોકે, પક્ષ વતી આ વાતનો સત્તાવાર ઇનકાર કરવામાં આવ્યો છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ નાણામંત્રી પી. ચિદમ્બરમે સોમવારે મતદાન બાદ આશ્ચર્યજનક પરિણામ આવશે એવી આગાહી કરી છે. જોકે, થરૂરની તરફેણ કરનાર આ નેતાએ એમ પણ જણાવ્યું હતું કે નવા અધ્યક્ષ બન્યા બાદ ગાંધી પરિવારના સૂચનો કે તેમની અવગણના કરવી કોંગ્રેસ પાર્ટી માટે શક્ય નથી. 

વર્ષ ૨૦૨૪ની લોકસભાની ચૂંટણીઓ આવી રહી છે ત્યારે માત્ર બે રાજ્યોમાં સરકાર ચલાવતી અને 54 જેટલા જ સાંસદો ધરાવતી કોંગ્રેસ પોતાની જૂની ઓળખ ઉભી કરવા માટે તત્પર છે ત્યારે નવા પ્રમુખની ચુટણી પક્ષના ભવિષ્ય માટે અત્યંત જરૂરી છે. 

પ્રચાર દરમિયાન જે રીતે પ્રદેશ અને રાજ્ય એકમો તરફથી ગાંધી પરિવારની બહુ નજીક માનતા મલ્લિકાર્જુન ખર્ગેને પ્રતિભાવ મળ્યો હતો એ અનુસાર તેઓ ચૂંટણી જીતવા માટે ફેવરીટ માનવામાં આવી રહ્યા છે. બીજી તરફ, થરૂર પક્ષને યુવાન પેઢીના હાથમાં મુકવા અને પક્ષની કાર્યપદ્ધતિમાં મોટા બદલાવ કરવાના હિમાયતી છે. 

કોંગ્રેસના 9915 જેટલા સભ્યો આ ચૂંટણીમાં મતદાન કરવા લાયક હતા અને તેના માટે દેશમાં 68 જેટલા બુથ ઉભા કરવામાં આવ્યા હતા. મતદાન બાદ બધી જ મતપેટીઓ નવી દિલ્હી લાવવામાં આવી છે જ્યાં મતપત્રકોને ભેળવી તેની ગણતરી કરવામાં આવશે. 

સૌથી પહેલા વર્ષ 1939માં કોંગ્રેસમાં અધ્યક્ષપદ માટે મતદાન થયું હતું જયારે નેતાજી સુભાષચંદ્ર બોઝે મહાત્મા ગાંધીએ નીમેલા ઉમેદવાર પી. સીતારમ્મેયાને પરાસ્ત કર્યા હતા. આઝાદી પછી પ્રથમ વખત પક્ષમાં પુરુષોત્તમ દાસ ટંડન અને આચાર્ય કૃપલાની વચ્ચે ચૂંટણી જંગ યોજાયો હતો જેમાં સરદાર પટેલના ટેકાથી ટંડનનો વિજય થયો હતો. આ પછી 1977 માં અને 1997માં સીતારામ કેસરી, શરદ પવાર અને રાજેશ પાયલોટ વચ્ચે ત્રીપાંખીયો જંગ થયો હતો. એ સમયે મહારાષ્ટ્ર અને ગુજરાત સિવાય દરેકના મતથી કેસરીનો વિજય થયો હતો. 

કોંગ્રેસમાં છેલ્લી ચૂંટણી વર્ષ 2000માં યોજાઈ હતી જયારે સોનિયા ગાંધી સામે જીતેન્દ્ર પ્રસાદ મેદાનમાં ઉતર્યા હતા. આ સમયે ગાંધીને 7400 અને પ્રસાદને માત્ર 94 મત મળ્યા હતા. 

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો