કોંગ્રેસ અધ્યક્ષ પદ માટે આજે મતદાન, ખડગે-થરૂર વચ્ચે મુકાબલો
- કોંગ્રેસના 137 વર્ષના ઈતિહાસમાં છઠ્ઠી વખત પ્રમુખ પદ માટે ચૂંટણી થઈ રહી છે
નવી દિલ્હી, તા. 17 ઓક્ટોબર 2022, સોમવાર
કોંગ્રેસ અધ્યક્ષ પદ માટે આજે મતદાન થશે. સવારે 10:00 વાગ્યે મતદાન શરૂ થશે. 22 વર્ષ બાદ યોજાઈ રહેલી આ ચૂંટણીનું પરિણામ 19 ઓક્ટોબરના રોજ આવશે. ર્ટીના ભૂતપૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી અને ભારત જોડો યાત્રામાં ભાગ લેનારા કેટલાક ડેલીગેટ કર્ણાટકના બેલ્લારીમાં સાંગનાકુલ્લુ કેમ્પમાં મતદાન કરશે. બીજી તરફ, પાર્ટી અધ્યક્ષ સોનિયા ગાંધી સહિત કોંગ્રેસ વર્કિંગ કમિટીના સભ્યો પાર્ટી હેડક્વાર્ટરના પોલિંગ બૂથ પર મતદાન કરશે. પાર્ટીના જનરલ સેક્રેટરી જયરામ રમેશે ટ્વિટ કર્યું કે, તેઓ રાહુલ ગાંધી સહિત લગભગ 40 અન્ય ભારતીય પ્રવાસીઓ સાથે સાંગનાકલ્લુ કેમ્પમાં મતદાન કરશે. તેમણે કહ્યું કે, 17 ઓક્ટોબર ભારત જોડો યાત્રા માટે આરામનો દિવસ હશે. જેથી યાત્રામાં ભાગ લેનાર લોકો પોતાનો મત આપી શકશે.
અધ્યક્ષની ચૂંટણીની જવાબદારી સંભાળી રહેલા સેન્ટ્રલ ઈલેક્શન ઓથોરિટીના ચેરમેન મધુસૂદન મિસ્ત્રીએ કહ્યું કે, AICCમાં એક બૂથ પણ બનાવવામાં આવશે. તેમણે કહ્યું કે, વરિષ્ઠ નેતાઓ, CWCના સભ્યો અને રાજ્યના અન્ય નેતાઓના ઓળખ પત્ર વિવિધ રાજ્યોના છે. આ તમામ પ્રતિનિધિઓ AICCમાં આવીને મતદાન કરી શકે છે.
કોંગ્રેસના અધ્યક્ષ પદના ઉમેદવાર શશિ થરૂરની ટીમ સેન્ટ્રલ ઈલેક્શન ઓથોરિટીના અધ્યક્ષ મધુસુદન મિસ્ત્રીને મળી હતી અને તેમને બેલેટ પેપરમાં તેમની પસંદગીના ઉમેદવારની આગળ એક અને બે લખવાનું કહેવામાં આવ્યું હતું. બેલેટ પેપરમાં મલ્લિકાર્જુન ખડગેની આગળ એક અને શશિ થરૂરના નામની આગળ બે લખવાનું કહેવામાં આવ્યું હતું. થરૂરની ટીમ દ્વારા ઉઠાવવામાં આવેલા આ વાંધા બાદ બેલેટ પેપર પર ટિક માર્ક લગાવવાની સૂચના આપવામાં આવી છે.
કોંગ્રેસના 137 વર્ષના ઈતિહાસમાં છઠ્ઠી વખત પ્રમુખ પદ માટે ચૂંટણી થઈ રહી છે. પાર્ટીના મહાસચિવ જયરામ રમેશના જણાવ્યા પ્રમાણે અધ્યક્ષ પદ માટે 1939, 1950, 1977, 1997 અને 2000માં ચૂંટણી થઈ હતી. 22 વર્ષ બાદ ફરીથી અધ્યક્ષ પદ માટે ચૂંટણી યોજાઈ રહી છે.
Comments
Post a Comment